Abtak Media Google News

ધારાસભ્યોને ‘અતુટ’ રાખવા ભાજપના પ્રયાસો

ધારાસભ્યો સોમનાથ મંદિરની મુલાકાત લે તેવી શકયતા

રાજસ્થાનમાં મચેલ રાજકીય ધમાસણ વચ્ચે ભારતીય જનતા પક્ષે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવા પ્રયાસો શરૂ કરી દીધા છે. ૧૪ ઓગસ્ટના રોજ રાજસ્થાન વિધાનસભાનું સત્ર થઈ રહ્યું છે ત્યારે એ પહેલા ભાજપ પોતાના ધારાસભ્યોને તુટતા બચાવી રાખવા પ્રયાસો કરે છે. ધારાસભ્યોને ગુજરાત ખસેડયા છે ત્યાં ધારાસભ્યો સોમનાથ મંદિરની મુલાકાત લે તેવી શકયતા વ્યકત થઈ રહી છે. ગુજરાત આવેલા ધારાસભ્યો હાલ અમદાવાદના કેન્સવિલા રિસોર્ટમાં હોવાનું જાણવા મળે છે.

એક અહેવાલ મુજબ ઉદયપુર વિસ્તારના ૧૨ ધારાસભ્યોેને ગુજરાત મોકલવામાં આવ્યા છે જોકે એવું કહેવાય છે કે એ ધારાસભ્યો પોતાની રીતે ગુજરાતના પ્રવાસે ગયા છે પણ જાણકારો કહે છે કે પક્ષે જ તેમને ગુજરાત મોકલ્યા છે. આ ધારાસભ્યો ૧૨ ઓગસ્ટ સુધી ગુજરાતમાં જ રહેશે. જોકે એવું મનાય છે કે ભાજપ પોતાના કેટલાક ધારાસભ્યોને મધ્યપ્રદેશ પણ ખસેડશે. બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોના કોંગ્રેસનાં જુથ અંગે હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તેના પર ભાજપની નજર છે તેમ જાણકારો કહે છે. જો આ નિર્ણય કોંગ્રેસની વિરુઘ્ધમાં આવશે તો ભાજપ પોતાના ધારાસભ્યોને અકબંધ કરી રાખશે. કોંગ્રેસ ભાજપમાં તિરાડ પાડી કેટલાક ધારાસભ્યોને ખેડવે તેવી શકયતા હોવાથી ભાજપે અગાઉથી જ તકેદારી રાખવાની શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં આવેલા ધારાસભ્યોમાં ડુંગરપુર, વ્યાંસવાડા, જાલોર, ઉદયપુર સહિતના હોવાનું જાણવા મળે છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે દિલ્હીમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ ધારાસભ્યોને ગુજરાત ખસેડાયા છે. ધારાસભ્યોને ગુજરાતમાં ખસેડવામાં આવતા તેના અન્ય કેટલાક નિર્દેશો પણ મળે છે. આ ધારાસભ્યોમાં મોટાભાગના વસુંધરા રાજેના સમર્થકો છે. જોકે આ વાતને સમર્થન મળ્યું નથી. વસુંધરા રાજના નજીકના સુત્રો કહે છે કે રાજેએ પ્રમુખ નડ્ડાને પક્ષની કાર્યશૈલી વિરુઘ્ધ રજુઆત કરી છે.

વસુંધરા જુથે નડાને એવું પણ કરી દીધું છે કે સામે પક્ષ સાથે રહીશું પણ સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ. વસુંધરા રાજે ૧૨મી સુધી દિલ્હીમાં જ રહેશે અને ૧૩મીએ જયપુર ચાલશે. જોકે પ્રદેશ ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભાજપે પોતાના ધારાસભ્યોને કેદ કર્યા નથી પણ જરૂર પડશે તો વિધાનસભા બેઠકો માટે એ પહેલા પ્રશિક્ષણ માટે ધારાસભ્યોને જયપુર બોલાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.