Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી-૨૦૧૯ અંતર્ગત બાયડ તાલુકાના સાઠંબા ગામે સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રમણભાઇ પાટકર, સાંસદ દિપસિંહ રાઠોડ, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, ધારાસભ્યો, બાયડ વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લા અને બાયડ તાલુકાના ભાજપના હોદ્દેદારો, એ.પી.એમ.સી. અને ડેરી જેવી સંસ્થાઓના આગેવાનો, અન્ય સામાજિક સંસ્થાઓના પ્રમુખ, આગેવાનો તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો તથા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં બાયડ ખાતે કોંગ્રેસ તથા એન.સી.પી.ના નગર પાલિકાના સભ્યો અને બાયડ તાલુકા કોંગ્રેસના યુવા મોરચા પ્રમુખ તેમજ કોંગ્રેસ સમર્પિત સરપંચો ભાજપામાં જોડાયા હતા. વાઘાણીએ સૌનું ખેસ પહેરાવી ભાજપામાં સ્વાગત કર્યુ હતુ. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, પરસ્પર સહકાર સિવાય કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ, તાલુકો, જિલ્લો, રાજ્ય કે દેશની પ્રગતિ કરવી અશક્ય છે. વિના સહકાર, નહિ ઉદ્ધાર. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકાર અને ૧૯૯૫થી આજ સુધી ગુજરાતમાં ભાજપાના સુશાસનમાં પ્રજા અને સરકાર વચ્ચેના પરસ્પર સહકારથી જ દેશ અને રાજ્યનો વિકાસ વધુ ઝડપી અને અસરકારક રીતે થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.