Abtak Media Google News

અનેક વિવાદમાં ફસાયેલા કહેવાતા રાજકીય નેતા જનકસિંહ પરમારની શંકાસ્પદ ભૂમિકા: રાજયવ્યાપી કૌભાંડની તપાસ સીઆઇડીને સોપાઇ

લોભામણી અને લલચામણી જાહેરાત કરી ૨૬૦ કરોડનું ફુલેકુ ફેરવી ફરાર થયેલા વિનય શાહ અને ભાર્ગવી શાહની એકના ડબલ કરી આપવાની સ્કીમમાં જામનગરના ૨૦૦થી વધુ વ્યક્તિઓને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. અમદાવાદના ભેજાબાજ બંટી-બબલીનું કૌભાંડ બહાર આવતા બંને સામે ફરિયાદ નોંધાવવા જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીએ મોટી સંખ્યામાં લોકો ધસી ગયા હતા.

આર્ચર કેર અને ડીજી એન્ડ એલએલપી કંપની શરૂ કરી એકના ડબલ કરી દેવાની વિનય શાહ અને ભાર્ગવી શાહે ૨૬૦ કરોડનું કૌભાંડ આચર્યાનું બહાર આવતા રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોપી છે.

વિનય શાહ અને ભાર્ગવી શાહના કૌભાંડની વસ્ત્રાપુર પોલીસ દ્વારા તપાસ હાથધરી વિનય શાહની ઓફિસને તાળા મારી તેના ડીમેટ એકાઉન્ટ અને બેન્ક ખાતાની તપાસ હાથધરી હતી પોલીસ તપાસ સામે આક્ષેપ થતા પોલીસ કમિશનર એ.કે.સીંગે એસઆઇટીની રચના કરી તપાસના આદેશ આપ્યા તે દરમિયાન ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોપી છે.

વિનય શાહ અને ભાર્ગવી શાહે રૂ.૫૦ હજાર ચાઉ કરી ગયાના આક્ષેપ સાથે રાજકીય નેતા જનકસિંહ પરમાર પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયા હત્યા કેસના ફરિયાદ જનકસિંહ પરમાર પહેલાં કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ એલિસબ્રિજ મત વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહ સાથેના સંબંધોના કારણે ભાજપમાં આવ્યા બાદ વિશ્ર્વ હિન્દુ પરિષદમાં જોડાયેલા જનકસિંહ પરમાર બહુચર્ચિત અભય ગાંધીના એક કા તિન કૌભાંડમાં સંડોવણી હોવાના આક્ષેપ થયા હતા.

વિનય શાહ અને ભાર્ગવી શાહ કરોડનું કૌભાંડ આચરી ફરાર થયા પૂર્વે લખેલી ૧૧ પાનાની એક ચિઠ્ઠી પોલીસને મળી આવી હતી તેમાં જનકસિંહ પરમારે રૂ.૫ લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત બુકી દિનેશ કલગીનું મકાન પડાવી લેવાના અને બિલ્ડરો પાસેથી મોટી રકમની ખંડણી પડાવ્યા અંગેના જનકસિંહ પરમાસ સામે આક્ષેપો થયેલા છે. જો કે પોલીસે જનકસિંહ પરમારની ફરિયાદ નોંધી ન હતી.

વિનય શાહ અને ભાર્ગવી શાહે દિલ્હી અને નેપાળમાં આશરો મેળવ્યો હોવાની ચર્ચા વચ્ચે સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટીયાના માર્ગ દર્શન હેઠળ ડીઆઇજી સચિન બાદશાહે એસઆઇટીની રચના કરી તપાસ શરૂ કરી છે ત્યારે ત્રીજા દિવસે પણ અમદાવાદના મોટી સંખ્યામાં રોકાણકારો વસ્ત્રાપુર પોલીસ મથકે દોડી ગયા હતા વિનય શાહ અને ભાર્ગવી શાહે લોભામણી અને લલચામણી સ્કીમમાં જામનગરના ૨૦૦થી વધુ વ્યક્તિઓને ફસાવી લાખો રૂપિયા ખંખેરી લીધાના આક્ષેપ સાથે ૫૦ જેટલા રોકાણકારો જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંધલને રજૂઆત કરી હતી. જામનગરના અનેક વેપારીઓ અને કર્મચારીઓ લોભામણી લાલચમાં ફસાઇ મોટી રકમ ગુમાવ્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.