Abtak Media Google News

શિવશંકર ભોલે ભાલે, ભોલે ભકતો કે રખવાલે, તૂમકો લાખે પ્રણામ, હમ સબકા પ્રણામ ! તૂમને યહ સંસાર બનાયા, સબ હી તુમ્હારી માયા છાયા સર્પો કી માલા વાલે, કૈલાસ પર્વત વાલે તૂમકો લાખો પ્રણામ, હમ સબકા પ્રણામ !

જવલ્લે જ કોઈ હિન્દુ અને રગેરગમાં હિન્દુસ્તાનીને એ વાતની જાણ નહિ હોય કે શિવશંકર આપણા ભારતમાં સૌથી વધુ પૂજાતા પરમેશ્ર્વર છે, એ મહેશ્ર્વર છે. તેઓ જ સૃષ્ટિના સર્જનહાર છે, સંરક્ષક છે, અને સમય આવ્યે સંહારક પણ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક બજાના પૂરક મનાયા છે !શિવજીને ભોલેનાથ તરીકે પણ ઓળખાવાયા છે. સૂક્ષ્મ અર્થમાં એ ભોળાના ભગવાન છે ! એમના શુભનામો અનેક છે.

શંકર ભગવાનના દેશના જુદા જુદા તિર્થસ્થાનોમાં દ્વાદશ જયોતિર્લીંગ છે. માનવીના શરીરને, દેહને સ્વાસ્થ્ય અને સામર્થ્ય બક્ષતી અને નિરામય રાખતી ચીજોનાં તેઓ પુરસ્કર્તા છે. બિલીપત્ર, જળ, દુગ્ધ વગેરે ઉર્જા પ્રદાન કરતા ફળફળાદિના પણ તેઓ પુરસ્કર્તા છે. તપ અને સમાધીમાં ઉપકારક સોમરસ-ભાંગના પણ તેઓ સંતુલિત પુરસ્કર્તા છે, તેઓ વૈરાગી પ્રકૃતિના છે. અને ‘કામદેવને ભસ્મીભૂત કરીને જટાજોગીની જેમ શરીર પર ‘મૃત્યુંજય’ના પ્રતીક સમી સર્પની માળા તથા ભભૂતિનો અખંડ શૃંગાર તેઓ ધારણ કરે છે. સ્મશાનને તેમણે ‘આવાસ’ ગણ્યું છે. અને જટાજોગીના સ્વરૂપને તેમણે પરમપ્રિય માન્યું છે. પર્વત-પુત્રી પાર્વતી સતીસ્વરૂપે એમના સંગાથી રહ્યા છે. એમની શકિત અજેય અને અજોડ રહી છે.

ગંગાનદીને હિમાલયના ઉત્તુંગ શિખરોને પહાડીઓની હારમાળા વચ્ચેથી પૃથ્વી પર લાવવામાં તેમણે પોતાની દિવ્યોત્તમ અને અમાપ જટાઓને કાર્યાન્વિતક કરી હતી. એમની પરમકૃપાથી જ ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરિત કરી શકયા હતા.માનવજાતની જાગૃતિ અર્થે અને યુગલક્ષી-પરિવર્તન આણવા અર્થે એને અખૂટ ઉર્જાની તથા તપભીની તેજસ્વિતાની જે જરૂર પડે છે તે મહાશિવરાત્રી મહાપર્વના માધ્યમથી સંપ્રાપ્ત થાય છે. એમ આપરા પૌરાણિક ગ્રંથો દર્શાવે છે…

એવું પણ કહેવાય છે કે, શીવશંકર ઉમાપતિ તરીકે પણ પૂજાય છે. અને વરદાન બક્ષતા ભગવાન છે.દક્ષના અહંકારણયાં દેવલોકીયજ્ઞમાં તેમણે પ્રણૈતિહાસિક તાંડવ નૃત્ય કર્યું હતુ અને રાક્ષસી પરિબળોનો વિનાશ સજર્યો હતો. આ અવસરે તેમણે હવન કુંડમાં પડીને પ્રાયશ્ર્ચિત કરતા પાર્વતીને હેમખેમ હવનકુંડમાંથી બહાર કાઢ્યા હતા. પિતાના આમંત્રણ વગર પિતાના હવનના અવસરમાં ભાગ લેવા ગયેલા પાર્વતી પતિના ઘોર અપમાનને સહી ન શકતાં પશ્ર્ચાતાપ અર્થે હવનકુંડમાં કૂદયા હતા અને શીવજીએ તાંડવ નૃત્ય દ્વારા વિનાશક હાહાકાર સર્જીને દક્ષને સજા કરી હતી.

મહાશિવરાત્રીનું આ મહાપર્વ માનવજાત માટે અભિમાન અહંકાર જેવા સમાજ વિરોધી અને માતૃભૂમિવિરોધી અનિષ્ટોને ફગાવવાનો તથા નખશીખ પાપાચાર રહિત અને પૂણંપણે પવિત્ર બની જવા માટે સજાગ થવાનો અવસર બક્ષે છે.ઓમ્ નમ:શિવાય’ના મંત્રને રૂંવે રૂંવે વણી લેવાનીઅને મૃત્યુંજય બનવાની મહામોંઘી અને દિવ્યોત્તમ ઉર્જા પામવાની શીખ આપે છે.

આપણો દેશ શીવભકત છે, ‘ઓમ્ નમ: શિવાયના મૃત્યુંજય મંત્ર સાથે શિવની આરાધન પણ કરે છે. વિશ્ર્વભરમાં પથરાયેલી શિવશકિતને વંદે છે. અને પૂજે પણ છે. શિવની સ્તુતિ મૃત્યુંજય અને મોક્ષદાતા હોવાનું પૂરેપૂરી શરણાગતિ સાથે સ્વીકારે છે.

પરંતુ ખાટલે મોટી ખોટ કે પાયા જ નહિ, એ કહેવત મુજબ, એ મંત્રને, શિવને ગમતા સિધ્ધાંતોને તેમના ઉપદેશને અને કલ્યાણકારી સર્જનો દ્વારા સામાજીક સુખ શાંતિ પામવા પવિત્ર પ્રમાણિક અને પરમાર્થી જીવન જીવતાં જીવતાં આપણી પૃથ્વીને સત્યમ્, શિવમ્, સુન્દરમ્ની સાત્વિક મીનાકારી વડે શોભાયમાન કરતા રહેવાની સ્તુતિભીની ટેવ પાડતા જ નથી.

ભગવાન શંકર જયાં બિરાજે છે એ માનસરોવરને અડીને ઉભેલો નંદનવન સમો કૈલાસ પર્વત અત્યારે ચીનના કબ્જા હેઠળ છે. અને ત્યાં જવા માટે ચીનની પૂર્વ-પરવાનગી લેવી પડે છે! જોપણા દેશના કરોડો શિવભકતો ઉપર કહ્યું તેમ જે કરવું જોઈએ તે રૂંવે રૂંવે વણી લે અને પૂરેપૂરા સામર્થ્ય સાથે જીવનમાં ઉતારે તો આપણા દેશમાં ઉચિતને મનવાંછિત બદલાવ આવી શકે અને દેશના ખૂણેખૂણે સત્યમ્, શિવમ્ સુન્દરમ્નું માન સરોવરનાં મોતીડે મઢયુંં હોય એવું હૃદયંગમ સામ્રાજય સ્થપાય !…

મહાશિવરાત્રીનાં શિવશકિતભીના પર્વને ચીલાચાલુ રીતે ઉજવવાને બદલે આપણે ત્યાં શિવશકિત પામવાની નીકટ હોય એવા શિવભકતોની દોરવણી પામીને જો આપણો શિવોડહમંત્ર મંડિતા દેશ અને તેના કરોડો નરનારીઓ ગંગાના અવતરણની જેમ શિવત્વભીનાં નવાં નવાં સર્જન વડે આપણી માતૃભૂમિને એવી બનાવી શકે જે શિવશંકરને તેમના ગણપતિ બાપા સહિતના પરિવાર સાથે રહેવાનું મન થાય એની કૈલાસ-માનસરોવરની પ્રતિકૃતિ સમી હોય !

કોઈએ સાચુ કહ્યું છે કે, ‘નિશાનચૂક માફ, ન માફ નીચું નિશાન’ મહાશિવરાત્રીના અવસરે આપણા દેશનું અને આપણા સૌનું નિશાન નીચું શું કામ હોય ? કરોડો લોકોને જગાડવા માટેના શિવરાત્રીનાં અવસરે ઉપર વર્ણવ્યું છે તેમ આપણે બધા જાગી જવાનું સામર્થ્ય પામીએ એવી શીવશંકરને પ્રાર્થના.

જો આપણે નિષ્પાપ અને શીવશંકરને ગમે તેવા ભલાભોળા થશું તો આ પ્રાર્થના ફળશે, અને આગામી મહાશિવરાત્રીએ આપણા દેશમાં સુખ-સમૃધ્ધિ અભરે, ભરાશે ? બાકી તો લાયકાત કેળવ્યા વિના મનોવાંછિત સઘળું ન જ સાંપડે એ ભૂલવા જેવું નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.