Abtak Media Google News

જીએસટીનાં કરમાળખામાં ફેરફાર થવાની સંભાવના, જુનમાં મેન્યુફેકચરીંગ ઈન્ડેક્ષમાં સુધારો, ફોરેન ઈન્વેસ્ટમેન્ટ વધતા અને પીએમઆઈ ઈન્ડેક્ષમાં સુધારાનાં કારણે બજારમાં તેજીનો માહોલ: નિફટીમાં પણ ૧૫૬ પોઈન્ટનો ઉછાળો, ડોલર સામે રૂપિયો પણ ૫૬ પૈસા મજબુત

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં હાલ જે અલગ-અલગ સ્લેબ છે તેમાં એક જ સ્લેબ કરવાની ચાલી રહેલી વિચારણા, જુન માસમાં વર્ષ દરમિયાન આવેલો સૌથી વધુ વિદેશી રોકાણ, મેન્યુફેકચરીંગ ઈન્ડેક્ષમાં સુધારો અને પીએમઆઈમાં પણ સુધારો જોવા મળતા આજે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં કિલકિલાટ કરતા દેખાતા હતા. લાંબા સમય બાદ તેજીનો ટોન દેખાતા રોકાણકારોમાં પણ ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

આજે સવારથી મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ઉછાળા સાથે ખુલ્યા હતા. વિશ્ર્વભરનાં શેરબજારોમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનાં કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન જુન માસમાં ભારતીય શેરબજારમાં ચાલુ વર્ષનું સૌથી વધુ મુડીરોકાણ આવવાનાં કારણે, જીએસટીનાં અલગ-અલગ સ્લેબને દુર કરી એક જ સ્લેબ રાખવા, લોકડાઉન બાદ અનલોક-૧માં જુન માસ દરમિયાન મેન્યુફેકચરીંગ ઈન્ડેક્ષમાં સુધારો જોવા મળતા અને પરચેસીંગ મેનેજર ઈન્ડેક્ષ અથવા પીએમઆઈ પણ સુધારો જોવા મળતા ભારતીય શેરબજારમાં તેજી ગાંડીતુર બની હતી. અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ આજે ૫૬ પૈસાની મજબુતાઈથી તેજીને બળ મળ્યું હતું. ઈન્ટ્રા-ડેમાં આજે સેન્સેકસે ૩૬,૦૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો. ૩૬૦૧૪.૯૨ની સપાટીને ઓળંગયા બાદ સેન્સેકસ એક તબકકે ૩૫,૫૯૫.૩૬ સુધી નીચે પણ આવી ગયો હતો તો નિફટીએ પણ આજે ઈન્ટ્રા-ડેમાં ૧૦,૫૦૦ની સપાટી ઓળંગી ૧૦,૫૯૮નો ઈન્ટ્રા-ડે હાઈ હાંસલ કર્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ ભારેખમ્મ તેજી જોવા મળી હતી. રૂપિયો હાલ ડોલર સામે ૫૬ પૈસાની મજબુતાઈ સાથે ૭૫.૦૧ પર ટ્રેડ કરી રહ્યો છે. આજની તેજીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટર ક્રોપ, ઈન્ફોસીસ, ઓએનજીસી કંપનીનાં શેરોનાં ભાવમાં ભારે ઉછાળા જોવા મળ્યા હતા તો મંદીમાં પણ એકસીસ બેંક, વેદાન્તા, એચયુએલ અને જી એન્ટરટેઈમેન્ટનાં ભાવો તુટયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૫૬૬ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૫,૯૮૦ અને નિફટી ૧૫૬ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૦,૫૮૬ પર કામકાજ કરી રહ્યા છે. આગેવાન ઈન્ડેક્ષો સાથે બેંક નિફટી, મીડકેપ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.