Abtak Media Google News

વોર્ડ નં.૩માં ટીપી સ્કીમ નં.૧૯માં અલગ અલગ હેતુના પ્લોટની ૨૭૬૯૭ ચો.મી.જગ્યા પર ગેરકાયદે ખડકાયેલા બાંધકામોનો સફાયો: આઝાદ ચોકમાં વોકળામાં ચણાયેલી દિવાલ અને મંગળા રોડ પર દુકાનના પતરાઓ હટાવાયા

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વહેલી સવારે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેલનગર વિસ્તારમાં ટીપીના અલગ અલગ અનામત પ્લોટમાં ખડકાયેલા દબાણો દૂર કરી બજાર કિંમત મુજબ રૂ.૯૭ કરોડની ૨૭૬૯૭ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

88 1

આજે વહેલી સવારે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો વોર્ડ નં.૩માં ત્રાટક્યો હતો. અહીં ટીપી સ્કીમ નં.૧૯ (રાજકોટ)માં રેલનગર વિસ્તારમાં મુરલીધર સુચીત સોસાયટી પાસે પ્લોટ નં.૧૨-એઈડબલ્યુએસએચ હેતુના પ્લોટ પર ૮૮૨૦ ચો.મી. જમીન પર ખડકાયેલ દબાણ, પ્લોટ નં.૧૨-બીમાં એસઈડબલ્યુએસએચ હેતુના ૧૬૨૫૨ ચો.મી. જમીન પર ખડકાયેલ દબાણ, પ્લોટ નં.૨૯-બીમાં સોશિયલ ઈન્ફાસ્ટ્રકચર હેતુના પ્લોટમાં ૨૫૦૦ ચો.મી. જમીન પર ખડકાયેલ દબાણ, ભગવતી હોલ પાછળ પ્લોટ નં.૨૧/એમાં બગીચા હેતુના પ્લોટમાં ૨૫ ચો.મી. જમીન પર ખડકાયેલ દબાણ અને ભક્તિપાર્ક પાસે પ્લોટ નં.૧૬-એમાં રહેણાંક વેંચાણ હેતુ માટેના અનામત પ્લોટમાં ૮૦ ચો.મી. પ્લોટમાં ખડકાયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ૨૭૬૯૭ ચો.મી. જમીન પરથી અલગ અલગ ૫ ગેરકાયદે બાંધકામો હટાવી રૂ.૯૬.૯૪ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

77 1

રેલનગર વિસ્તારમાં ડિમોલીશન પૂર્ણ કર્યા બાદ ટીપીનો કાફલો વોર્ડ નં.૨માં ત્રાટક્યો હતો. અહીં આઝાદ ચોક પાસે સુભાષનગર વિસ્તારમાં વોકળામાં ખડકાયેલ દિવાલનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં.૭માં મંગળા રોડ પર દુકાનદારો દ્વારા માર્જીન પાર્કિંગની જગ્યામાં પતરાનું દબાણ કરાયું હતું. જે પણ તોડી પાડવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.