બિલ્ડરોના પ્રોજેકટ નાણા વિના ‘ઘોંચ’માં નહીં પડે!

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે સરકારે અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો લીધેલા છે.જેને ધ્યાને લેતા વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને પરિપૂર્ણ કરી શકાય.એક તરફ વર્ષ ૨૦૨૨ સુધીમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટેની યોજનાઓ અમલમાં આવી રહી છે પરંતુ કોરોના બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રની જે સ્થિતિ જોવા મળી છે તે અત્યંત દયનીય અને કફોડી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર એકમાત્ર એવું ક્ષેત્ર છે કે જે દેશને આર્થિક રીતે મજબુતી આપવા માટે સક્ષમ છે અને બીજી તરફ રોજગારીનું પણ ઉત્સર્જન કરવામાં રિયલ એસ્ટેટ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આ તમામ મુદાઓને ધ્યાને લઈ સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં હવે બિલ્ડરોને તેમના પ્રોજેકટ ઉપર પણ નાણા મળશે. અત્યાર સુધીની જો સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બિલ્ડરોને પ્રોજેકટ કોસ્ટના અભાવે ઘણુખરુ પ્રોજેકટમાં ડિલે થતુ હતુ અને ઘર ખરીદનાર લોકોને નિર્ધારીત સમયમાં પઝેશન આપવામાં પણ સમય લાગી જતો હતો પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, હવે બિલ્ડરોના પ્રોજેકટ નાણાના અભાવે ઘોંચમાં નહીં પડે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે લોન આપવા આરબીઆઈએ નવી ગાઈડલાઈન જારી કરી છે જેનાથી ઘર ખરીદનાર લોકોને ઘરની લોન લેવા માટે ખુબ જ સરળતા રહેશે અને વ્યાજદર પણ ઓછુ રહેશે. હાલના સમયમાં લોનની મર્યાદાને લઈ જે પ્રશ્ર્નો ઉદભવિત થતા હતા તેનાથી હવે ઘર ખરીદનાર લોકોને મુકિત મળશે પરંતુ બિલ્ડરોને પણ સામે એટલો જ સાથ અને સહકાર સરકાર તરફથી મળવાપાત્ર રહેશે.અત્યાર સુધી ઘણાખરા પ્રોજેકટ નાણાના અભાવે પૂર્ણ થઈ શકયા નથી જેનું કારણ નાણાના અભાવ અને દેશની અર્થવ્યવસ્થા પણ અત્યંત કારણભુત સાબિત થઈ છે. સરકાર દ્વારા રિયલ એસ્ટેટના વિકાસ માટે સ્ટ્રેસ ફંડ પેટે ૩૫ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે પરંતુ જે રકમની મંજુરી આપવામાં આવી તે રિયલ એસ્ટેટ માટે અપુરતી હોવાનું માનવામાં આવ્યું છે.આ તકે કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવનારો સમય રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ અને યોગ્ય સમય રહેશે.

આવનારા સમયમાં ખેતી બાદ જો કોઈ ક્ષેત્ર ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તો તે રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે. સરકાર પણ માની રહી છે કે, રિયલ એસ્ટેટના વિકાસ થકી જ દેશનો વિકાસ પૂર્ણત: શકય બનશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની નવી યોજના પ્રમાણે ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીની લોનને મંજુરી આપી હોય તે માટે આરબીઆઈની નવી યોજના ફાયદારૂપ નિવડશે જેનાથી ઘર ખરીદનાર લોકોને જે મળવાપાત્ર લોન હોય તેના વ્યાજમાં પણ ઘટાડો નોંધાશે.અંતમાં એ વાત સ્પષ્ટ છે કે, આવનારો સમય રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

Loading...