Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા ગત રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં રાજ્ય સરકારે ગુજરાતના પ્રવાસનને વેગ આપવા ૪૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. જેમાં ગીરમાં સિંહ દર્શન માટે માટે રૂ.૫ કરોડ,બોર્ડર ટુરિઝમ માટે રૂ.૩૫ કરોડ, બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની માટે રૂ.૧૦ કરોડ, શુકલતીર્થ , કબીરવડ , મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા રૂ.૨૩ કરોડ, સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ માટે રૂ.પ કરોડ, વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્ય માટે રૂ.૩ કરોડ,જૂનાગઢ ઉપરકોટ , ધોળાવીરા તથા માતાના મઢ ખાતે રૂ ૨૦ કરોડ,વડનગરને અંદાજિત રૂ.૨૦૦ કરોડ, શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ.૧૫૦ કરોડ,ગિરનાર વિકાસ માટે રૂ ૧૩૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં મોટા ભાગના તમામ પ્રવાસન સ્થળોને  વિકસાવવા મસમોટી રકમ રાજ્ય સરકારે ફાળવી છે, ત્યારે ઈડરીયા ગઢની અવગણના કરી હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. અરવલ્લીની પ્રાચીન ગિરિમાળામાં આવેલા ઈડરીયા ગઢ ઉપર પોળો આવતા દરેક પ્રવાસીઓ ઈડર ગઢની મુલાકાત લેતા હોય છે. જોવા જઈએ તો દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસીઓ ગઢને નિહાળવા આવતા હોય છે. પરંતુ આટલી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે ઈડરીયા ગઢ ઉપર સરકાર દ્વારા એક પણ શૌચાલય, પીવાના પાણીની સુવિધા કે પ્રવાસી રૂમની સુવિધા ઉભી કરવામાં નથી આવી.

સરકારના આ બજેટમાં ઈડરીયા ગઢ પ્રત્યે લાગણી ધરાવતા પ્રકૃતિ પ્રેમીઓને મોટી આશા હતી, પરંતુ સરકારને ઈડરીયા ગઢ સહિતના ડુંગરોમાં પ્રવાસનના બદલે ખનનમાં રસ હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.