Abtak Media Google News

ચેનલોની પ્રાઈઝ અને ડિસ્કાઉન્ટમાં ભાવ બાંધણા મુદ્દે બ્રોડકાસ્ટર્સ નારાજ થયા

લોકો સુધી ચેનલ સસ્તા દરે પહોંચે તે માટે ટ્રાય દ્વારા તાજેતરમાં ભાવ બાંધણું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેનલના પેકમાં ડિસ્કાઉન્ટ માટે પણ કેટલાક ધારા-ધોરણો ઘડવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયના આ નિયમો કેટલાક બ્રોડ કાસ્ટને માફક આવ્યા ન હોવાનું જાણવા મળે છે. ટ્રાયના નિર્ણયને ધંગધડા વગરના ગણાવાયા છે. અને તેનો વિરોધ થઈ રહ્યો છે.

મળતી વિગતો મુજબ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, સ્ટાર ઈન્ડિયા અને સોની પિકચર સહિતની કંપનીઓ દ્વારા ટ્રાયના નિર્ણયો સામે વિરોધ નોંધાવાયો છે. આ મામલે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ટ્રાય દ્વારા તાજેતરમાં રૂા.૧૨ની ચેનલ મુદ્દે કરાયેલા ભાવ બાંધણાથી રોષ વ્યાપ્યો છે. આ ઉપરાંત ચેનલના પેકેજ ઉપર ૩૩ ટકાના ડિસ્કાઉન્ટ મુદ્દે પણ બ્રોડકાસ્ટર નારાજ જણાય રહ્યાં છે.

7537D2F3 2

આ મામલે વધુમાં જણાવાયું છે કે, ટ્રાય હવે અગાઉ કરતા વધુ સખત વલણ અપનાવી રહ્યું છે. આ વલણ બ્રોડકાસ્ટર પ્રત્યે નેગેટીવ જોવા મળે છે. વર્તમાન સ્થિતિમાં ભારતમાં યુઝર્સ દીઠ કંપનીને થતી આવક વૈશ્ર્વિક સરખામણીએ સૌથી ઓછી છે. જેને એઆરપીયુ તરીકે ઓળખમાં આવે છે. આવા સંજોગોમાં માત્ર ગ્રાહકનું હિત જોઈ બ્રોડકાસ્ટર સાથે અન્યાય થતો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. બજારમાં વારંવાર ભાવ બાંધણા થશે તો રેવન્યુ જનરેટ નહીં થાય જેના માઠા પરિણામો બ્રોડકાસ્ટરને ભોગવવા પડશે તેવી દલીલ કરવામાં આવી છે. અગાઉ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ ટ્રાય દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા હતા જેનો પણ વિરોધ થયો હતો. આવી સ્થિતિએ વારંવાર ભાવ બાંધણાનો નિર્ણય અને ડિસ્કાઉન્ટને લીમીટમાં રાખવાના હુકમથી બ્રોડકાસ્ટરો સખત નારાજ જણાય રહ્યાં છે. બીજી તરફ આ નિર્ણય ગ્રાહકોના હિતમાં હોવાનું ટ્રાયનું કહેવાનું છે.

ટેલીવિઝન ચેનલ માટે ટ્રાય જે ભાવની ગણતરી કરી રહી છે તે એક દાયકથી વધુ પુરાણા એટલે કે ૨૦૦૪-૦૫ના સમયના હોવાનું કેટલાકનું કહેવું છે. વર્તમાન સ્થિતિએ તે સમય કરતા ભાવ ખુબજ વધી ગયા છે. આવા સંજોગોમાં પ્રોડકશન કોસ્ટ પણ વધુ આવે છે. જો રેવન્યુ ઘટશે તો લોકોને ગુણવત્તાસભર કન્ટેન્ટ મળશે નહીં. માટે વારંવાર ટ્રાય દ્વારા થતાં ભાવ બાંધણાના નિર્ણયને અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.