Abtak Media Google News

અમે માત્ર તેમને આદર નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી પદ પણ આપ્યું પરંતુ તેમણે ભાજપની સ્ક્રીપ્ટ મુજબ કામ કર્યું: ગેહલોત

કોંગ્રેસને હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. ગુજરાત કોંગ્રેસના ઈન્ચાર્જ અશોક ગેહલોતે પૂર્વ કોંગી સદસ્ય શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને ભારે નુકશાન પહોંચાડયું હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, બાપુને કોંગ્રેસમાં રાખવા ખુબજ મોટી ભુલ હતી.

યુવા કોંગ્રેસને સંબોધન સમયે અશોક ગેહલોતે શંકરસિંહ વાઘેલા સામે અનેક આક્ષેપો કર્યા હતા. તેમણે રાજયસભામાં ક્રોસ વોટીંગ માટે શંકરસિંહ વાઘેલાને પણ જવાબદાર ઠેરવ્યા હતા. શંકરસિંહ વાઘેલા ભાજપના ઈશારા ઉપર કામ કરી રહ્યાં હતા તેવો આક્ષેપ પણ અશોક ગેહલોતે કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે દસકાથી કોંગ્રેસમાં શંકરસિંહને રાખી મુકવા તે અમારી ખુબ મોટી ભુલ હતી. અમે માત્ર તેમને આદર જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રીનું પદ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી સોંપી હતી. ૨૦ વર્ષ પહેલા જયારે શંકરસિંહ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે તેમણે પક્ષ કયારેય નહીં છોડવાનું આશ્ર્વાસન આપ્યું હતું. પરંતુ તેમણે પોતાના શબ્દોનું માન જાળવ્યું નહીં અને પક્ષને દગો કર્યો છે. શંકરસિંહ વાઘેલા ભાજપની સ્ક્રીપ્ટ મુજબ કામ કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ ગેહલોતે કર્યો હતો. વાઘેલાની વિદાયથી કોંગ્રેસને ફર્ક પડશે નહીં તેવું પણ તેમણે કહ્યું હતું. શંકરસિંહ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકશાન કરવાનો પ્રયત્ન કરશે પરંતુ કોંગ્રેસ જીતશે તેવો આત્મવિશ્ર્વાસ કોંગ્રેસે વ્યકત કર્યો હતો.

પ્રાણ પૂરવા પ્રદેશમાં નવા ૧૦૭ હોદ્દેદારો ઉમેરાયા

કોંગ્રેસે જાહેર કરેલાં શહેર-જિલ્લા પ્રમુખોમાં અરવલ્લી, જૂનાગઢ, વડોદરા, સુરતને લાંબા સમય બાદ શહેર કે જિલ્લા પ્રમુખ મળ્યા છે. રાજકોટ શહેરના પ્રમુખપદેથી પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાને હટાવીને તેમના સ્થાને રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો રાજકોટ જિલ્લાની જવાબદારીમાંથી દિનેશ ચોવટિયાને મુક્ત કરીને તેમના સ્થાને હીતેષ વોરાની વરણી ને સોંપાઇ છે.

ગુજરાત કોંગ્રેસમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા ચૂંટણીલક્ષી પ્રદેશ માળખાંની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મંજૂરી સાથે વિધાનસભાની ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવેલાં માળખામાં નવા ૧૦ ઉપપ્રમુખ, ૧૪ મહામંત્રી, સાત પ્રવક્તા, ૬૩ મંત્રી, એક્ઝિક્યુટિવ કમિટીના ૪ સભ્યો અને ૯ ખાસ આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે. આ સાથે જૂનાગઢ, વડોદરા, અરવલ્લી સહિતના ૧૩ શહેર-જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. ચૂંટણી ઢંઢેરા સમિતિની જવાબદારી પૂર્વ સાંસદ મધૂસુદન મિસ્ત્રીને જ્યારે ચૂંટણી પ્રચાર-મટીરિયલ કમિટીની જવાબદારી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને સોંપાઈ છે. ચૂંટણી પ્રચાર સમિતિનો હવાલો પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને ઈલેક્શન મીડિયા કમિટીના ચેરમેનપદે રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. શહેરી વિસ્તાર માટેની ઈલેક્શન કો-ઓર્ડીનેશન કમિટીની જવાબદારી પૂર્વ વિપક્ષી નેતા નરેશ રાવલને સોપાઈ છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ જમ્બો માળખું ૧૯૨ની સંખ્યા વટાવી ગયું છે.

ગુજરાત કોંગ્રેસના વર્તમાન માળખામાં નવ ઉપપ્રમુખ, ૧૦ મહામંત્રી, ૫૪ મંત્રી, પાંચ પ્રવક્તા, ૧૦ મંત્રી(પ્રોટોકોલ) અને એક ટ્રેઝરર મળી ૯૦ની સંખ્યા હતી. જેમાં ગુરુવારે જાહેર કરવામાં આવેલાં નવા હોદ્દેદારોમાં શંકરસિંહ વાઘેલા જૂથની ગેરહાજરીમાં તમામ જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સ્થાનિક સ્તરે અસંતોષને ખાળવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. પ્રવક્તાઓમાં પૂર્વ આઈપીએસ અધિકારી રાજન પ્રિયદર્શી ઉપરાંત કોંગ્રેસના સીએ સેલના પ્રમુખ અને પક્ષને આર્થિક બાબતોમાં માર્ગદર્શન આપનારા કૈલાશ ગઢવી, એડવોકેટ અમીબેન યાજ્ઞિક, જયરાજસિંહ પરમાર, અમ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહના જમાઈ અને સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય પરંજ્યાદિત્યસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા હોદ્દેદારોમાં અનેક આગેવાનોને જિલ્લાની જવાબદારીમાંથી મુક્ત કરીને પ્રદેશની બોડીમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.જોકે, વિધાનસભાની આગામી ચૂંટણી લડવા માગતા દાવેદારોને સંગઠનની જવાબદારી ન સોંપવા અંગેના નિર્ણયનો આ જાહેરાતમાં છેદ ઊડી ગયો છે. આગામી ચૂંટણી લડવા માગતા અનેક આગેવાનોને ઉપપ્રમુખ અને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ શહેર કે જિલ્લાના પ્રમુખની જવાબદારી સંભાળતા આગેવાનોને એક્ઝિક્યુટિવ કમિટીમાં અને અન્યોને ખાસ આમંત્રિત તરીકે પ્રદેશની બોડીમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.