Abtak Media Google News

પોલીસ શહીદ દિવસની ઉજવણી અંતર્ગત ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનમાં છાત્રોએ સાયબર ક્રાઈમ અને હાલની સમસ્યા તથા ઉકેલો વિષયે પોતાના મંતવ્યો રજૂ કર્યા: આવતીકાલે યુવાનો, ડ્રગ્સ અને હિંસા: સંભવિત ઉપાયો અંગે સામૂહિક ચર્ચા થશે

છેલ્લા ઘણા સમયથી આધુનિક ક્રાઈમ એટલે સાયબર ક્રાઈમ વકરી રહ્યો છે. સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય અને શું પગલા ભરી શકાય તે અંગે તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા યુવા ધનને સાયબર ક્રાઈમ અંગે માહિતી મળે તે માટે સાયબર ક્રાઈમ: હાલની સમસ્યાઓ અને ઉકેલો મુદ્દે ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનનું આયોજન થયું હતું. પોલીસ શહિદ દિવસની ઉજવણી અંતર્ગત વર્તમાન સમયે પોલીસ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનના માધ્યમથી છાત્રોની પ્રતિભા ખીલવવાનો અનોખો પ્રયાસ થઈ રહ્યો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસની ટીમ દ્વારા ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન યોજાય જેમાં અલગ અલગ વિષયોને લઈ યુવા પેઢી વચ્ચે ચર્ચા થાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આવતીકાલે ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનનો અંતિમ દિવસ છે. જેમાં યુવાનો, ડ્રગ્સ અને હિંસા: સંભવિત ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે.

Screenshot 20201029 122158 Facebooksss

આ સેમીનારમાં રાજકોટની નામાંકીત શૈક્ષણિક સંસ્થાના છાત્રો ભાગ લઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ ખીલવવા માટે શૈક્ષણિક સંસ્થાની કમીટી દ્વારા સેમીનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને રેન્ક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.  નોંધનીય છે કે, આ ડિસ્કશનમાં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. બપોરે ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધીમાં જીનીયસ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં  રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.

‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓની સામૂહિક ચર્ચાને મળતો જબ્બર પ્રતિસાદ

શહેર પોલીસ દ્વારા આયોજીત ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનના આયોજનનું લાઈવ પ્રસારણ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં આ પ્રસારણને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા છાત્રોમાં કૌવત ખીલે તે હેતુથી ઈન્ટર કોલેજ હેડ એન્ડ બ્રેઈન કોમ્પીટીશન (એ-ગ્રુપ ડિસ્કશન)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાઈવ ગ્રુપ ડિસ્કશન દરમિયાન ગાર્ડી વિદ્યાપીઠ, એચ.એન.શુકલા કોલેજ, આર.કે.યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં છાત્રો વિવિધ વિષયો પર સામૂહિક ચર્ચામાં ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમનો આવતીકાલે છેલ્લો દિવસ છે. જે અંતર્ગત ‘અબતક’ ચેનલમાં લાખો લોકો સુધી કાર્યક્રમો પહોંચી રહ્યાં છે જ્યારે ‘અબતક’ના વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ફેસબુક અને યુ-ટયુબના પેઈઝ પર આ કાર્યક્રમનો લાભ હજ્જારો લોકો લઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.