સોની સમાજ અને ભાજપ બન્ને સિક્કાની બે બાજુ છે

127

રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં માંધાતાસિંહના અધ્યક્ષસ્થાને યોજાયું સમસ્ત સોના-ચાંદી વેપારી, સોની સમાજનું સંમેલન

રાજકોટને એઇમ્સ હોસ્પીટલ અપાવી શક્યો એનો ભરપૂર સંતોષ, સતત કામ કરતો રહીશ: મોહનભાઇ કુંડારિયા

દેશનું ભાવિ સુવર્ણ અક્ષરે લખવા માટે નરેન્દ્રભાઇને ફરી વડાપ્રધાન બનાવવા જરુરી ચીમનભાઇ લોઢિયા

સુવર્ણકારોના સુખ-દુ:ખમાં ભાજપ સાથે રહ્યો છે: ધનસુખ ભંડેરી

સુવર્ણકારોએ રાજકોટની આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરી છે: માંધાતાસિંહજી

રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે તા. ૧૯મી એપ્રિલને હનુમાન જયંતિની સાંજે યોજાયેલા સુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ સંમેલનમાં સમગ્ર રાજકોટના સોની સમાજના વિવિધ સંગઠનો, સોના ચાંદીના વેપારીઓના સંગઠનો અને સોની સમાજના અગ્રણીઓએ સાથે મળીને ભારે મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને જંગી બહુમતિથી વિજેતા બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો.

આજે અહીં યોજાયેલા સંમેલનમાં લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા ઉપરાંત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલ, ભાજપના મીડિયા ઇનચાર્જ રાજુભાઇ ધ્રુવ તથા સોની સમાજના વિવિધ સંગઠનના પ્રમુખ,હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા લોકોને સંબોધન કરતાં ભાજપ અગ્રણી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે ભાજપ અને સોની સમાજ રાજકોટમાં એક સિક્કાની બે બાજુ રહ્યા છે. હંમેશા બન્ને વચ્ચે સારો સંબંધ રહ્યો છે અને ભવિષ્યમાં પણ એ સંબંધ જળવાશે. મોહનભાઇ કુંડારિયાને જંગી બહુમતિથી વિજયી બનાવવા એમણે સોની સમાજને અપીલ કરી હતી.

રાજકોટના ઐતિહાસિક વારસા અને સોની બજારની પડોશમાં આવેલા એવા રણજિત વિલાસ પેલેસના પટાંગણમાં સાંજે મળેલા સંમેલનમાં લોકસભા રાજકોટના ઉમેદવાર અને રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ઉદબોધન કરતાં કહ્યું કે પાંચ વર્ષ પહેલાં આપ સૌના આશીર્વાદથી હું સાંસદ તરીકે ચૂંટાયો હતો. કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ મળે એ જોવાની મારી ફરજ હોય.

હું ચૂંટાયો ત્યારે રેલવે સાથેનો મહાનગરપાલિકાનો વર્ષોજુનો એક પ્રશ્ન પડતર હતો. રેલનગર બ્રિજ બનાવવા માટે કોર્પોરેશને રુ.૧૧ કરોડ ભરી દીધા હતા છતાં રેલવે તરફથી કોઇ કાર્યવાહી થતી નહોતી. હું ચૂંટાયો પછી દસ જ દિવસમાં આ પ્રશ્ન હાથ પર લીધો. સતત ફોલોઅપ કર્યું અને આજે બે વર્ષથી લોકો આ અન્ડરબ્રિજનો લાભ લઇ રહ્યા છે. રાજકોટ અમદાવાદના રસ્તાને છ લેનનો બનાવવાનું કામ ગતિમાં ચાલી રહ્યું છે. લાંબા અંતરની ટ્રેન બાબતે રેલતંત્ર અન્યાય કરી રહ્યું છે એવી લાગણી ૨૦૧૪ સુધી હતી. કારણ તો હતું સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક નથી. એનું કામ પણ ચાલુ છે અને સાથે દુરાન્તો સહિતની ૪ નવી ટ્રેન પણ રાજકોટને મળી છે.

મોહનભાઇ કુંડારિયાએ ઉમેર્યું હતું કે મારા જાહેરજીવન-રાજકારણના લાંબા ગાળામાં મને સૌથી વધારે સંતોષ જો થયો હોય તે એ રાજકોટને એઇમ્સ હોસ્પીટલની મંજુરી મળી એનો છે. ૧૧ રાજ્યમાં એઇમ્સ હતી. નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા પછી ૩ નવી એઇમ્સ હોસ્પિટલ મંજુર થઇ એમાં રાજકોટનો પણ સમાવેશ થયો એનો મને આનંદ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ રાજકોટના આંગણે આવી જશે. હું સાંસદ બન્યો ત્યારથી સોની સમાજના,સોની વેપારીના જે કોઇ પણ પ્રશ્ન હોય એના ઉકેલ માટે મેં પ્રમાણિક પ્રયાસ કર્યા છે અને હજી કરતો રહીશ. તમામ સમાજને સાથે રાખીને ચાલ્યો છું. એટલે જ ગયા વખતે ચૂટાયો હતો અને આ વખતે પણ આપ સૌના આશીર્વાદ અને મારા હજારો કાર્યકરોની મહેનતથી ચૂંટાઇને ફરી તમારા માટે જ દિલ્હી જઇ રહ્યો છું.

સોની સમાજના આ સંમેલનને સંબોધન કરતાં પૂર્વમેયર ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું હતું કે, સોની સમાજ અને ભાજપ બહુ વર્ષોથી એક સિક્કાની બે બાજુ રહ્યાં છે. મને સ્વ.લાલુભાઇ પારેખ યાદ આવે છે. હું મેયર હતો ત્યારે એ ડેપ્યુટી મેયર હતા. વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે પણ કોર્પોરેટર તરીકે લાલુભાઇએ કામ કર્યું હતું. આજે આ સુરાજ્ય નિર્માણ સંકલ્પ સંમેલન યોજવા બદલ સોની સમાજ અને ઠાકોર સાહેબ માંધાતાસિંહને અભિનંદન આપું છું. આપણે આઝાદ થયા એટલે સ્વરાજ્ય તો મળ્યું પરંતુ એ સુરાજ્ય નહોતું.

ભાજપની સરકાર અગાઉ બની ત્યારે અને છેલ્લા પાંચ વર્ષમાં આપણે સુરાજ્યની દિશામાં આગળ વધ્યા છીએ. મને યાદ છે, નરેન્દ્રભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટના સોની સમાજના અગ્રણીઓ ગાંધીનગર આવ્યા હતા એમનો પ્રશ્ન તો કેન્દ્ર સરકાર માટેનો હતો. માનનીય અડવાણીજી વિપક્ષના નેતા હતા. પ્રતિનિધી મંડળની સાથે મને નરેન્દ્રભાઇએ દિલ્હી મોકલ્યો અને અહીંના સોની સમાજનો પ્રશ્ન તરત લોકસભામાં પડઘાયો હતો. આટલી ચિંતા ભાજપે સોની સમાજની કરી છે.

ધનસુખભાઇએ કહ્યું કે દેશ અને ગુજરાત માટે પાણી,વીજળી જેવા પ્રશ્નો માટે ભાજપે-નરેન્દ્રભાઇની સરકારે સર્વગ્રાહી વિચાર કર્યો છે. સુજલામ સુફલામ યોજનાના ફળ રાજ્યને મળ્યાં છે તો અહીં રાજકોટમાં ભર ઉનાળે આજીડેમ ભરાયેલો છે એનું કારણ સૌની યોજનાને જાય છે. ૨૦૧૪માં નરેન્દ્રભાઇની રીતસર આંધી હતી. એમણે પણ લોકો પર પ્રેમ વરસાવ્યો છે. આ વખતે ફરી આપણે આપણા રાષ્ટ્રને સુરક્ષિત હાથોમાં સોંપવાનો છે અને એટલા માટે ૨૩મી એપ્રિલે આપણે મોહનભાઇ કુંડારિયાને મત આપીને વિજેતા બનાવવાના છે. ભાજપના આ બન્ને અગ્રણીઓની વાતને ઉપસ્થિત સમુદાયે ઉમળકાથી વધાવી લીધી હતી.

સંમેલનના મુખ્ય આયોજક રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ પોતાના ઉદબોધનમાં માર્મિક વાત કરી હતી. એમણે કહ્યું કે જુનો દરબારગઢ અને જુની સોની બજાર કે પછી આજનો પેલેસ રોડ અને સોની બજારનું વિસ્તરણ અને આધુનિક રુપ એ બન્ને એકમેકના પુરક છે. રાજકોટની આંતરરાષ્ટ્રીય ઓળખ જે જે કારણે છે એમાં સુવર્ણકળા અને એનો વેપાર મુખ્ય છે. રાજકોટને રાજ્ય કે દેશની બહાર આપ સૌના કારણે બધા ઓળખે છે. આજે બ્રાન્ડેડ ક્વેલર્સ પણ આપણા શહેરમાં છે છતાં આપનો સંબંધ અહીંના અનેક પરિવારો સાથે બે-ત્રણ પેઢીથી છે. આપે આપની ઓળખ અને શાખ જાળવી રાખી છે એનો અમને ગૌરવ છે.

એક દુકાન કે શો રુમે દરરોજ પાંચ પરિવાર પણ આવે તો આપ સૌ કેટલા પરિવારો સાથે સંકળાયેલા છો? બધા વર્ગ અને વર્ણને બાંધવાનું કામ આ સોની સમાજ કે સોનાનો વ્યવસાય કરી શકે છે. આ પેલેસના પટાંગણમાં આપણે એકઠા થઇએ ત્યારે પૂ.દાદાબાપુના પણ સ્મરણ તાજાં થાય છે. સોના ચાંદીના વેપારીઓ માટે નરેન્દ્રભાઇ મોદીની સરકારે હંમેશા હકારાત્મક વલણ રાખ્યું છે. નરેન્દ્રભાઇ મોદી જેવા વિઝનરી,ટેક્નોસેવી નેતા આપણને મળ્યા છે. ફરીથી એ વડાપ્રધાન બને એમાં આપણું સૌનું હિત છે.

મેક ઇન ઇન્ડિયા હોય કે ઉજ્જવલા યોજના કે પછી સ્વચ્છ ભારત, નરેન્દ્રભાઇની કૂનેહ અનન્ય રહી છે ત્યારે ફરીથી એમને સુકાન સોંપીએ એ આપણા અને દેશના હિતમાં છે. સૌથી મહત્વની વાત કરતાં માંધાતાસિંહૈ કહ્યું કે મા અમૃતમ હોય કે ઘરના ઘરની યોજના હોય આ બધી યોજનાનો લાભ નાગરિકોને મળ્યો છે એમાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ પક્ષના મતદાર હોય એ નથી જોવાતું. રાજકોટને એઇમ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટની જે ભેટ મળી છે એ નરેન્દ્રભાઈની જ તો દેશ

છે. ઇન્ટરનેશનલ એરપોર્ટને લીધે હવે રાજકોટના વેપારીઓને પરદેશ જવું-આવવું સરળ થશે આયાત નિકાસને પણ લાભ થશે. ગુજરાતમાં બુલેટટ્રેન, સરદાર સરોવર ડેમની ઊંચાઇ વધારવી કે સરદાર સાહેબની ઊંચી પ્રતિમા હોય આ બધા કામો થકી નરેન્દ્રભાઇએ લોકાભિમુખ કાર્યપધ્ધતિના દર્શન કરાવ્યાં

એક તરફ કોંગ્રેસનો વંશવાદ બીજી બાજુ બધાને સાથે રાખીને ચાલવાની ભાજપની રીત. એક તરફ આતંકવાદને આડકતરું પ્રોત્સાહન, બીજી બાજુ સુરક્ષા, એક તરફ અનેક પ્રકારના કૌભાંડોથી ખરડાયેલું કોંગ્રેસનું શાસન બીજી બાજુ શુધ્ધ વહીવટ વાળું ભાજપનું શાસન આની વચ્ચે આપણે પસંદગી કરવાની છે. માંધાતાસિંહજીએ ઉપસ્થિત સૌને ભાજપને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા અનુરોધ કર્યો હતો.

સંમેલનમાં સ્વાગત પ્રવચન કરતાં સોની સમાજના અગ્રણી ચીમનભાઇ લોઢિયાએ કહ્યું કે રાજકોટ રાજપરિવાર સાથે તો આપણો જુનો નાતો છે. અને ભાજપ સાથે પણ આપણે પારીવારિક ભાવના થી જોડાયેલા છીએ. ધનસુખભાઇ ભંડેરી હોય કે રાજુભાઇ ધ્રુવ સૌ કોઇ આપણને જ્યારે જરૂર પડી ત્યારે મદદ કરે છે. મોહનભાઇ પણ આપણા છે. ત્યારે આ સંમેલનમાં હું એ સૌને, આપ સૌને આવકારું છું અને આપણા સૌ વતી ખાતરી આપું છું કે આપને ફરીથી ચૂંટીને લોકસભામાં દિલ્હી મોકલીશું. કાર્યક્રમના અંતે આભારવિધિ અગ્રણી અરવિંદંભાઇ પાટડિયાએ કરી હતી. ઉપસ્થિત સૌનું પુષ્પહારથી સ્વાગત કરાયું હતું. આ સંમેલનમાં લગભગ ૧૦૦ જેટલા કાર્યકરો-અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા.

સમસ્ત સોના ચાંદી વેપારી સોની સમાજના સંમેલનમાં ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ દિલીપભાઇ રાણપરા,હાલારી સોની સમાજના પ્રમુખ અશોકભાઇ ઝીંઝુવાડિયા,ગિરનારા સોની સમાજના પ્રમુખ મહેશભાઇ લોઢિયા, પરજીયા પટણી સોની સમાજના પ્રમુખ ધીરુભાઇ સાગર, સોની સમાજના અગ્રણી દીનુંમામા સોની, ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયા, જેમ્સ એન્ડ ક્વેલરી એસોસિએશનના પ્રમુખ દિવ્યેશભાઇ પાટડિયા, સિલ્વર એસોસિએશનના પ્રમુખ મનુભાઇ એવન, સિલ્વર એસોસિએશનના ગોરધનભાઇ કાપડિયા, મનુભાઇ પરમાર, સોની સમાજના અગ્રણીઓ અરવિંદભાઇ પાટડિયા, વિનુભાઇ પારેખ, મોહિતભાઇ કાગદડા. શહેરના કોર્પોરેટર વર્ષાબહેન રાણપરા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનિતાબહેન પારેખ, વિરેનભાઇ ઝવેરી, ચેતનભાઇ( જે.પી.શ્વેલર્સ) ,રણજિતભાઇ (આર.કે.સિલ્વર) દલસુખભાઇ જાગાણી,વજુભાઇ લોઢિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક અવાજે લોકસભામાં ૨૩મી તારીખે ભાજપ તરફી મતદાન કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સોની સમાજના કાર્યકર્તાઅગ્રણીઓ ભાજપમાં જોડાયા

રણજિત વિલાસ પેલેસ ખાતે યોજાયેલા સંમેલનમાં સૌએ ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને જીતાડવાનો નિર્ણય કર્યો એ પછી ૧૦૦ જેટલા વ્યક્તિઓએ ધનસુખભાઇ ભંડેરી અને ગોવિંદભાઇ પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં પોતની સક્રિયતા અને વિશ્વાસ વ્યક્ત કર્યા હતા. કેટલાક કાર્યકરો અગાઉ ભાજપ છોડી ગયા હતા એ પુન: પક્ષમાં જોડાયા અને કેટલાક નવા સભ્યોએ પણ ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હતું. ચીમનભાઇ લોઢિયા,વર્ષાબહેન રાણપરા, દિલીપભાઇ રાણપરા, પુનિતાબહેન પારેખ, મયુરભાઇ પાટડિયાના સહિયારા પ્રયાસથી આ શક્ય બન્યું હતું.

સોની સમાજ સંમેલનમાં જગદીશભાઇ રાણપરા, અભયભાઇ ફિચડિયા, મેહુલભાઇ પારેખ, ચંદ્રેશભાઇ ફિચડિયા, મનીષભાઇ ભગત, રસિકભાઇ રાણપરા, મુકુંદભાઇ આદેસરા, લતાબહેન રાણપરા, કિરણબહેન ફિચડિયા, હીનાબહેન ફિચડિયા,પ્રવીણાબહેન લાઠીગરા, મધુબહેન આદેશરા, મીનાબહેન રાણપરા,કિરણબહેન રાધનપુરા, નમ્રતાબહેન રાધનપરા, ચાંદનીબહેન સેજપાલ, આરતીબહેન કાતરોડિયા,મયુરીબહેન રાધનપુરા સહિત ૧૦૦ લોકો ભાજપમાં જોડાયા હતા.

Loading...