Abtak Media Google News

સક્કરબાગ અને સફારી પાર્કના દરવાજા ખૂલતાની સાથે જ

વનવિભાગ દ્વારા આજે પહેલી ઓક્ટોબરથી દેવળીયાનું સફારી પાર્ક ખૂલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તથા પ્રવાસીઓને પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાનું જણાવ્યા બાદ પ્રથમ દિવસ માટે તમામ બુકિંગ ફૂલ થઇ જવા પામ્યું હતું અને આજે સવારથી દેવળિયા સફારી પાર્કના સી.સી.એફ. મોહન રામ દ્વારા લગભગ છ મહિના બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું.

સફારી પાર્ક’માં પ્રવાસીઓને પ્રવેશ આપતા  સફારી પાર્કની સાથે સંકળાયેલા અને ડિવિઝનના તમામ વનકર્મીઓને સેનીટાઈઝર કરવામાં આવ્યા હતા બાદમાં પ્રવાસીઓને પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ સેનીતાઇઝ અને ચેકીંગ બાદ શણગારેલી જીપોમા દેવળિયા સફારી પાર્કની સફર કરવા માટે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યા હતા.

છેલ્લા છ માસથી દેવળિયા સફારી પાર્ક કોરોનાના કારણે અને બાદમાં સિંહના સંવનન સમયના કારણે બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે આજે સફારી પાર્ક શરૂ થતા વન્ય અધિકારીઓ, કર્મીઓ તથા સાસણના સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી, તથા દેવળીયા સફારી પાર્કની બુકિંગ ઓફિસ, ગેટ તથા પ્રવાસી માટેની જીપ તથા બસને ફૂલોથી શણગારવામાં આવી હતી.

બીજી તરફ અનલોક પાચમાં આજથી સરકારની ગાઈડલાઈન મુજબ જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પણ અન લોક થયું છે અને આજે ઝૂ ખૂલતાની સાથે જ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, પરંતુ  સરકારી નિયમો મુજબ માટે ૫૦૦ મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે અને અંદર પ્રવેશતા તમામ મુલાકાતીઓ માટે કોરોના સંક્રમણની તકેદારી માટે નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.

જૂનાગઢના દોઢસો વર્ષ પુરાણા જુના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતીઓ માટે આજે જ્યારે ખોલવામાં આવવાનું હતું ત્યારે ગઈકાલથી સકરબાગની અંદર સાફ સફાઈ કરવામાં આવી હતી, અને તમામ પાંજરાને પણ સેનીટાઇઝર કરવામાં આવ્યા હતા.

હાલમાં સરકારી ગાઇડલાઇન મુજબ આજે સવારથી સક્કરબાગમાં પ્રવેશતા મુલાકાતીઓને સેનિતાઇઝ  કરવામાં આવ્યા હતા અને થર્મલ ગનથી ટેસ્ટ કરાવ્યા બાદ જ સક્કરબાગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો., જો કે પ્રવેશ કરનાર મુલાકાતીઓને કોઈ પણ ખાદ્ય પદાર્થ કે કોઈ પણ પ્રકારનો સામાન લઈ જવા દેવામાં આવ્યો ન હતો, આ સિવાય સક્કરબાગમાં હાલમાં બગીચો એમ્યુઝમેંટ, માછલી ઘર તથા ટોળા વળી બેસી શકાય તેવી જગ્યાઓ ખોલવામાં આવી નથી, તેમ જ ૧૦ વર્ષથી નીચેના અને ૬૫ વર્ષથી ઉપરના પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. પ્રવેશ કરનાર મુલાકાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા જણાવાયું હતું, અને માર્કસ ન પહેરનાર અથવા માસ્ક કાઢી ઉતારી નાખેલ પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી  હતી.

આજથી કોરોનાની તકેદારીને ધ્યાને રાખી સક્કરબાગમાં બેટરી સંચાલિત ૮ ની કેપેસીટીવાળી કારમાં માત્ર ૪ પ્રવાસી તો તથા ૨૮ પ્રવાસીની કેપેસિટી ધરાવતી ઈલેક્ટ્રીક બસમાં માત્ર ૧૪ પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા હતા. અને દિવસ દરમિયાન માત્ર ૫૦૦ પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.