Abtak Media Google News

રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ,પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિત સર્વધર્મના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી

પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક,લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની ‘અહિંસા અમૃત વર્ષ તરીકે સમસ્ત જૈન સમાજ દ્વારા ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. જીવન નિર્માણનાં સંસ્કારી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે માટે વિવિધ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન ‘અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ  દ્વારા થઈ રહ્યું છે. આ કાર્યક્ર્મોના પ્રેરિકા જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.) છે.

આ અંતર્ગત તીર્થભૂમિ ભરૂચ ખાતે ભવ્ય અહિંસા રેલીનું આયોજન સમસ્ત ભરૂચ જૈન સંઘ દ્વારા થયું હતું. ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જૈન કુળમાં જન્મેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભરૂચ-નિવાસી વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડ, જૈન અગ્રણીઓ ભરતભાઈ શ્રોફ, શાંતિલાલ શ્રોફ, સુરેશભાઈ શાહ, માંગીલાલ શાહ, જે. કે. શાહની વિશેષ ઉપસ્થિતિ હતી. સર્વધર્મના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય ગીત ‘મોર બની થનગાટ કરેની ઝમકદાર રજૂઆત કરીને ઉપસ્થિત સહુને ડોલાવી દીધા હતા. શ્રીમાળી પોળ જૈન સંઘ ખાતે અહિંસા ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું જેમાં મુંબઈથી આવેલા જૈન વક્તા તેજસાહેબે રસપ્રદ વકતવ્ય આપ્યું હતું.   અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવા વિષયો (કોઈપણ એક અથવા ચારેય વિષયોને સાંકળીને) પર નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિશ્વભરમાં વસતાં કોઈપણ ધર્મ-સંપ્રદાયના દરેક વયના ભાવિકો ગુજરાતી ભાષામાં આ નિબંધ સ્પર્ધામાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ભાગ લઈ શકશે. ઉત્તમ કૃતિઓનાં સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. નિબંધ આ સરનામે મોકલવાનાં રહેશે : પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, ૯૦૩,કાન્હા, બિલેશ્વ્રર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ : ૩૮૦૦૧૫ (મો. ૯૮૨૫૦૨૧૨૭૯). ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.