Abtak Media Google News

બોર્ડની પરીક્ષામાં ઉર્તીણ થયેલા છાત્રોને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.૧૦ થી ૨૫ હજારની સહાયતા અપાતી હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખુલાસો

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને રૂ.૧૦ થી લઈ ૨૫ હજાર સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે અને તેના ફોર્મ કોર્પોરેશન કચેરી ખાતે મળે છે તેવા મેસેજ છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ખુલાસો કર્યો છે કે, કોર્પોરેશનમાં બોર્ડના છાત્રોને સ્કોલરશીપ અપાતા હોય તેવા કોઈ ફોર્મનું વિતરણ કરવામાં આવતું નથી.

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મિડીયા પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે, ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશીપ યોજના જાહેર કરી છે. જેનું નામ ડો.અબ્દુલ કલામ અને વાજપેયી યોજના છે. જેમાં ૪૫ ટકાથી વધુ માર્કસ હોય તેને રૂ.૧૦ હજાર અને ૫૫ ટકાથી વધુ માર્કસ હોય તેને રૂ.૨૫ હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ માટેના ફોર્મ કોર્પોરેશનની કચેરીમાંથી મળે છે. આવા મેસેજ સોશિયલ મિડીયા પર ફરતા હોવાના કારણે કોર્પોરેશન કચેરી ખાતે રોજબરોજ અનેક લોકો સ્કોલરશીપ માટે ધકકા થાય છે. દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ એવી સ્પષ્ટતા કરી છે કે, બોર્ડના છાત્રોને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત સ્કોલરશીપ આપતા એક પણ પ્રકારના ફોર્મનું મહાપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.