Abtak Media Google News

પરીક્ષા મે માસમાં યોજાશે: અન્ય વર્ગોમાં માસ પ્રમોશનની શક્યતા

દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઉચકતા આગાઉ શાળા ખોલવાનો નિર્ણય ફરી રદ કરવામાં આવ્યો હતો જો કે ગુજરાતમાં કોરોનાને કારણે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાવવામાં આવે એવી શક્યતા છે, સામાન્ય સંજોગોમાં નવેમ્બરમાં ફોર્મ ભરાવવામાં આવતાં હોય છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા માટે ચાર માસ પહેલાં, એટલે કે નવેમ્બરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. લગભગ દોઢ માસ જેટલા સમયગાળામાં બોર્ડની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેની આગળની તૈયારી કરવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે બોર્ડની વિવિધ કામગીરીઓ પણ પાછળ લઈ જવી પડી છે.

માર્ચ ૨૦૨૦માં કોરોનાના આગમન બાદ અત્યારસુધી બધી જ શાળાઓ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપી રહી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેવા પામી તો અન્ય ધોરણોમાં તો માસ પ્રમોશન કે અન્ય કોઈપણ રીતે બાળકોને પાસ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવી શકે છે, પરંતુ ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડે તેમ હોવાથી રાજ્યના શિક્ષણમંત્રીએ તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા કોરોનાને પગલે મે ૨૦૨૧માં યોજાશે એવી જાહેરાત કરી હતી.

આ જાહેરાતને પગલે બોર્ડ દ્વારા હવે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડની પરીક્ષાના ચાર માસ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે અને ત્યાર બાદ બોર્ડ દ્વારા અન્ય કામગીરી પણ યોગ્ય રીતે કરી શકે. જાન્યુઆરીમાં કામગીરી શરૂ કરાય અને ફેબ્રુઆરી અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ બોર્ડને બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે, જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.