Abtak Media Google News

ભારત ઘરઆંગણે ૮૧ મેચ રમશે

ભારતીય ક્રિકેટરોને વ્યસ્ત કાર્યક્રમને કારણે પરેશાનીનો સામનો કરવો પડતો હોવાની કેપ્ટન કોહલીની માગણીની કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી પાંચ વર્ષ માટે ભરચક ક્રિકેટ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પેશિયલ જનરલ મિટિંગ બાદ જાહેરાત કરી હતી કે, ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ૩૦૬ મેચો રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાત સાથે એવી સ્પષ્ટતા કરી હતી કે, તાજેતરમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે વ્યસ્ત કાર્યક્રમ અંગે જે ફરિયાદ કરી હતી, તેને અમે ધ્યામાં લીધી છે અને મેચોની સંખ્યામાં અગાઉના વર્ષો કરતાં ૮૪ મેચો ઘટાડી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર અગાઉના કાર્યક્રમ અનુસાર ભારતને પાંચ વર્ષમાં ૩૯૦ આંતરરાષ્ટ્રીય મેચો રમવી પડતી હતી, જે અમે ઘટાડીને ૩૦૬ કરી છે.

ભારતની આ ૩૦૬ મેચોમાં આઈસીસી વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોને સામેલ કરવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઈ ભલે આંતરરાષ્ટ્રીય મેચોમાં ઘટાડો કરવાનો દાવો કરતું હોય પણ હકીકત જુદી છે. બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમમાં તો ટીમ ઈન્ડિયાને હાલના ફયુચર ટૂર પ્રોગ્રામ કરતાં ૩૦ મેચો વધુ રમવી પડશે તેવું સ્પષ્ટ જોઈ શકાય છે.

વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના ફયુચર ટૂર પ્રોગ્રામ અનુસાર ભારતને ૩૦૬ દિવસ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું પડશે. જે ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન ૩૯૩ દિવસ હતું.

વધુમાં બીસીસીઆઈએ જણાવ્યું છે કે, ભારતમાં ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાનના પાંચ વર્ષોમાં ઘર આંગણે કુલ ૮૧ મેચો રમશે. જે અગાઉ ૫૧ જ હતી, જેમાં વધારો થયો છે, જો કે, મેચના દિવસોમાં ઘટાડો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.