Abtak Media Google News

રાહુલ ગાંધીના રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રવાસમાં શહેર કોંગ્રેસના મોભીઓને સાઈડલાઈન કરાતા ભારે નારાજગી: સર્કિટ હાઉસ ખાતે ૨૦૦થી વધુ કોંગી નેતાઓની બેઠક મળી: પ્રદેશ પ્રભારી અશોકસિંહ ગેહલોતને રજુઆત કરવા મંગાતો સમય

ગુજરાત વિધાનસભાની ચુંટણી ટાઈમે ફરી એક વખત રાજકોટમાં કોંગ્રેસનું ઘર સળગી ઉઠયું છે. શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુકત પ્રમુખ અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ સામે કોંગ્રેસમાં કાળો કકળાટ વ્યાપી ચુકયો છે. ટીમ એમએલએ સામે હવે કોંગ્રેસ પરીવાર ખુલ્લીને સામે આવી ગયો છે. આજે સવારે સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસના ૨૦૦થી વધુ આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ઈન્દ્રનીલ સામે લડી લેવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ અંગે ઉગ્ર રજુઆત કરવા કોંગ્રેસના ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી અશોકસિંહ ગેહલોત પાસે સમય પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આજે સવારે સર્કિટ હાઉસ ખાતે કોંગી અગ્રણી ડો.હેમાંગભાઈ વસાવડા, પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, અશોકસિંહ વાઘેલા, ડો.ધરમ કાંબલીયા, ડો.રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, ગોપાલભાઈ ઉનડકટ, એનએસયુઆઈના પ્રમુખ, જયકિશનસિંહ ઝાલા, યુથ કોંગ્રેસના પ્રમુખ, મુકુંદ ટાંક, સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા, નરેશભાઈ સાગઠીયા, ઓબીસી સેલના પ્રમુખ રાજેશભાઈ આમરણીયા, ગુજરાત શહેર યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ નિતીન પટેલ, અમિત પટેલ, મનિષ પટેલ, મોહન ભરવાડ, અશોકભાઈ જોશી, રાહુલ દાફડા, પ્રવિણભાઈ મેવડ, નિલેશભાઈ મારૂ અને રવજીભાઈ ખીમસુરીયા સહિતના ૨૦૦થી વધુ આગેવાનોની બેઠક મળી હતી. જેમાં તમામે શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુની સરમુખ્ત્યાર શાહી સામે એક સુરે અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ રાજકોટ કોંગ્રેસના જુના જોગીઓ અને યંગ ટીમનું ઈન્દ્રનીલ રાજયગુરુ દ્વારા ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. હવે ટીમ એમએલએ સામે કોંગ્રેસ ફરી ખુલ્લીને મેદાને આવી ગઈ છે. ઈન્દ્રનીલ રાજયગુરુ હાલ રાજકોટ પૂર્વના ધારાસભ્ય છે છતાં તેઓએ ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. જેની સામે પણ નારાજગી વ્યાપી જવા પામી છે.કોંગ્રેસના અગ્રણીઓએ બેઠકમાં એવો સુરો વ્યકત કર્યો હતો કે ૬૯ રાજકોટ વિધાનસભા બેઠક પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે. આ બેઠક માટે અગાઉ પણ કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ ચુંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે ત્યારે તેઓને આ બેઠક પરથી પક્ષે ટીકીટ આપવી જોઈએ તેવી રજુઆત પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ કરવામાં આવશે. રાજકોટ ૬૮ની બેઠક પરથી અગાઉ ઈન્દ્રનીલભાઈ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે અને હજી તેઓ ત્યાંથી વિજેતા બને તેવી તક છે. તેઓને ૬૯ બેઠક પર ટીકીટ આપવામાં આવે તો પક્ષને મોટી નુકસાની થવાની સંભાવના છે. કોંગ્રેસ રાજકોટ ૬૯ વિધાનસભા બેઠક પરથી પાટીદાર સમાજને ટીકીટ આપે તેવી માંગણીને બુલંદ કરવા આગામી બુધવારના રોજ મનસુખભાઈ કાલરીયાએ પાટીદાર સમાજનું એક મહાસંમેલન બોલાવ્યું છે. જેમાં ૧૦ હજારથી વધુ લોકો ઉમટી પડશે.ઈન્દ્રનીલ રાજયગુરુની કાર્યશૈલીથી તમામ સમાજ નારાજ થઈ રહ્યા છે. રાજકોટ નહીં સૌરાષ્ટ્રભરમાં દલિત સમાજનો ચહેરો એવા પૂર્વ ધારાસભ્ય શાંતાબેન ચાવડાની તાજેતરમાં નિધન થયું છે ત્યારે રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શાંતાબેન ચાવડાના પરીવારને ત્યાં રૂબરૂ લઈ જઈ સાંત્વના પાઠવવાના બદલે ઈન્દ્રનીલ પોતાના રાસોત્સવમાં ધસડી ગયા હતા. જેની સામે પણ નારાજગી વ્યાપી જવા પામી છે. કોંગ્રેસના અડીખમ યોદ્ધા અને પૂર્વ નાણામંત્રી રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાની તબિયત હાલ ખુબ જ ખરાબ છે. આવામાં રાહુલ ગાંધીએ તેઓના ખબર અંતર પુછવા જવું જોઈતું હતું પરંતુ ઈન્દ્રનીલ રાજયગુરુએ આવું કશુ થવા દીધુ ન હતું જેના કારણે ક્ષત્રિય સમાજમાં પણ ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.  કોંગ્રેસમાં સરમુખ્ત્યાર શાહી કોઈ કાળે ચલાવી લેવાશે નહીં. પ્રજાલક્ષી કાર્યક્રમ આપવા અને કોંગ્રેસના સિઘ્ધાંતોમાં માનતા પાયાના કાર્યકરને આગળ લાવવા માટે હવે કોંગ્રેસ પરીવાર ખુલ્લીને મેદાનમાં આવશે અને ટીમ એમએલએ અર્થાત ઈન્દ્રનીલ રાજયગુરુના પાગીયાઓ સામે કાર્યક્રમ આપવામાં આવશે. સ્થાનિક લેવલે હાલ જે નારાજગી જોવા મળી રહી છે તે અંગે પ્રદેશ હાઈકમાન્ડને રજુઆત કરવામાં આવશે. આ માટે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાએ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોકસિંહ ગેહલોત પાસે રૂબરૂ મળવાનો સમય પણ માંગ્યો છે. વિધાનસભાની ચુંટણી સમયે જ ફરી એક વખત કોંગ્રેસનું ઘર સળગી ઉઠયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.