Abtak Media Google News

તહેવારોમાં ‘કમાઇ’ લ્યો, પ્રજાના આરોગ્યનું જે થવું હોય એ થાય!

એસઓજીએ નકલી ઘી બનાવતા શખ્સની કરી ધરપકડ: ઘીમાં એલ્યુમીનીયમની ભેળસેળ!!

જામનગર શહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને કેટલાક ભેજાબાજો ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની પેરવી કરી રહ્યા છે, તેવી માહિતીના આધારે જામનગરની એસ.ઓ.જી શાખાની ટીમે આજે ખોજા નાકા વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી ભેળસેળ યુક્ત બનાવટી ઘી તૈયાર કરવાનું મસમોટું કૌભાંડ પકડી પાડયું છે અને ભેળસેળયુક્ત ઘી તેમજ તેને લગતો અન્ય બનાવટી ચીજ વસ્તુ નો જથ્થો કબજે કરી લઈ એક શખ્સની ધરપકડ કરી લીધી છે અને ફૂડ શાખા ને જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે મદદ લીધી છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી શાખાની ટુકડી ને ખાનગી રાહે ચોકકસ હકીકત મળી હતી કે, હનિફભાઈ અબ્દુલભાઈ જીંદાણી (કુરેશી) ઉ.વ .૩૨ (રહે. ખોજાનાકા, ચાકીવાડ, મચ્છીપીઠની બાજુમાં, જામનગર) નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળ યુકત શંકાસ્પદ ઘી બનાવે છે. જેથી બાતમી વાળી જગ્યાએ જામનગર ના ફુડ સેફટી ઓફિસર ને સાથે રાખી ને રેઇડ કરતા ઉપરોક્ત શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિ ઘી, તથા વનસ્પતિ માખણ તથા એસેન્સ તથા ભેળસેળ માટેના અન્ય પદાર્થ મીશ્રીત કરી તેમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તૈયાર કરતા મળી આવ્યો હતો.

એસ.ઓ.જી. ની ટીમે પંચો રૂબરૂ તેના કબજામાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી પ૯૫ કીલો, તથા ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરેલી અન્ય ચીજવસ્તુઓ જેમા એલ્યુમિનિયમના ભેળસેળ યુક્ત ઘી ભરેલા કિટલા નંગ -૧૮ સહીતની રૂ. ૮૨,૮૦૦, એલ્યુમિનિયમનું મોટું કેન જેમાં ભેળસેળ યુક્ત ૪૦ કીલો ઘી ભરેલ છે, જે કેન સહીત ૪૦ કીલો ઘી ની કુલ રૂ. ૧૨,૩૦૦, વનસ્પતિ ઘી ભરેલા પતરાના ડબા નંગ -૧૭ કુલ રૂ. ૩૪,૦૦૦, વનસ્પતિ માખણ ૩૦ કીલો રૂ. ૩૦૦૦, ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરવામાં આવેલી અન્ય ચીજવસ્તુઓની કિંમત રૂ. ૩૮૫૦ એમ કુલ રૂ. ૧,૩૫,૯૫૦નું શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના અધિકારીઓને સાથે રાખી ભેળસેળયુક્ત ઘી વગેરેના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે, અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આરોપી મકાન માલિક હનીફ અબ્દુલભાઈ જિંદાણી સામે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.