Abtak Media Google News

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ વધુ ઘેરુ બન્યું

‘મોદી છે ને’ સહિતના ૪૬ વીડિયો ભાજપે અપલોડ કર્યા જેનો કોંગ્રેસ દ્વારા આક્રમક જવાબ

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી સહિતના સામાજીક આગેવાનોના નામે હાલ જ્ઞાતિવાદનું રાજકારણ ભયંકર સ્તરે પહોંચી ગયું છે. તમામ પક્ષોનો આ સ્થિતિ પાછળ સીધો કે અડકતરો હાથ રહેલો છે. તાજેતરમાં જ ભાજપ સામે કોંગ્રેસે સોશ્યલ મીડિયામાં અસરકારક “વિકાસ ગાંડો થયો છે પ્રચાર કર્યા બાદ હવે ભાજપે વિડિયો કેમ્પેઈનનું શસ્ત્ર ઉગામ્યું છે.

હાલ ભાજપના ફેસબુક અને ટવીટર પેઝ ઉપર મોદી છે ને તેમ હેસટેગ કરેલો વિડિયો અપલોડ જોવા મળે છે. જેમાં અડકતરી રીતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસની ટયુન ઉપર ચાલતા હોવાનું કહેવાયું છે. આ વિડિયોમાં બે યુવાનો ત્રણ પાંખીયા પંખાની વાત કરી રહ્યાં છે. પંખો ભલે ને ગમે તે દિશામાં ફરે પરંતુ મોદી છે ને ભાજપને જીતાડવા તેવો સંદેશ આ વિડિયોના માધ્યમથી વ્યકત થયો છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો સોશ્યલ મીડિયા પ્રચાર-પ્રસાર વધુ તિક્ષ્ણ બનતો જાય છે. નવેમ્બર ૬ થી ૧૨ દરમિયાન ભાજપે કુલ ૪૩ વિડિયો અપલોડ કર્યા હતા. જેની સામે કોંગ્રેસે પણ આટલા જ વિડિયો અપલોડ કરી પ્રહાર કર્યો હતો. ભાજપે ૩૧ ઓકટોબરે અપલોડ કરેલો વિડિયો ‘હું છું વિકાસ’ કુલ ૨૦ લાખથી વધુ લોકોએ નિહાળ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે અપલોડ કરેલો રાહુલ ગાંધી અને ડો.મનમોહનસિંહના ઉદ્બોધનનો વિડિયો પણ અનેક લોકોએ જોયો છે.

ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે ફેસબુક, વોટ્સએપ અને ટવીટર સહિતના સોશ્યલ મીડિયા માધ્યમનો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે. આ તમામ માધ્યમોનો વ્યાપ વધુ છે. ઉપરાંત યુવાનોને આ માધ્યમો સીધા સંપર્કમાં રાખતા હોવાથી આ રસ્તો સરળ બની જાય છે.

 

બન્ને વચ્ચેનું સોશ્યલ મીડિયા યુદ્ધ આગામી સમયમાં વધુ ઘેરુ બને તેવી શકયતા છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્યકરો અને સામાન્ય લોકો સાથે વધુ અસરકારક પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. તેમણે નોર્થ ગુજરાતમાં પેઈઝ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જને તાજેતરમાં સંબોધ્યા હતા અને ભાજપને બહોળી સફળતા અપાવવા હાકલ કરી હતી. અમિત શાહે કાર્યકરોને ડોર ટુ ડોર થયેલા પ્રચારની વિગતો સબમીટ કરવા પણ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.