Abtak Media Google News

કૂનેહની સાથે હિંમત અને ૫૬ ફૂટની છાતી અનિવાર્ય: ભાષણખોરીનું પ્રાવિણ્ય પણ હોવું જોઈશે: ગરીબો-અકિંચનોની જંગી બહૂમતિ છતાં શ્રીમંતોની કંગાળ લઘુમતિનું એકધારૂ શાસન: દેશની કમનશીબીનું બેહુદું દર્શન: રાજકીય જોહુકમી નહિ ચાલે: મુસીબતોથી ગળે આવી ગયેલી જનતાનાં વિગ્રહની સંભાવના !

ભારતીય જનતા પક્ષના અખિલ ભારતીય પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાની નિમણુંક થઈ છે તે વખતે જ દેશની હાલત કસોટીકારક અને કેટલેક અંશે કટોકટી ભરી રહી છે.

શ્રી નડ્ડા અનુભવી અને અડવાણી, મુરલીમનોહર અને જૂની પેઢીના સીનિયર નેતાઓ સાથે રહી ચૂકયા છે. પક્ષ પ્રત્યેની એમની નિષ્ઠા પણ નોંધપાત્ર રહી છે. તેઓ જુદા જુદા સ્તરે પક્ષની કામગીરી બજાવી ચૂકયા છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચૂસ્ત સ્વયંસેવક રહ્યા છે.

તેમના આ સ્થાને આગમન વખતે ભાજપ કેટલાક રાજયોમાં નબળો પડયો હોવાનું સહુ કોઈ જાણે છે. ભારતમાં ગરીબો અને અકિંચન લોકોની જંગી બહુમતિ હોવા છતાં અને શ્રીમંતો કંગાળ લઘુમતિનાં હોવા છતાં અહી શ્રીમંતોનું રાજ છે અને તે સત્તા ભોગવે છે. વિચિત્ર પ્રકારની આ લોકશાહી છે !

સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્ર્વાસ અને ન્યુ ઈન્ડિયા જેવા જોરશોરથી પોકારાતા સુત્રો વચ્ચે ભારતમાં કેવો ભયાનક અસમાન આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તેની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ભારતમાં દાયકાઓથી પ્રવર્તતી આર્થિક અસમતુલા બેફામ રીતે વિકસી રહી હોવાનો ઘટસ્ફોટ કરતા એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં એવો ધડાકો કરવામાં આવ્યો છે કે મુઠ્ઠીભર શ્રીમંતો દેશની ૭૦ ટકા વસતિની કુલ સંપત્તિ કરતા ચાર ગણી વધુ સંપત્તિ ધરાવે છે.

બીજા શબ્દોમાં આ અહેવાલને મુલવીએ તો ધનીકો વધુને વધુ ધનિક બની રહ્યા છે. જાણીને આશ્ર્ચર્ય થશે કે, દેશના માત્ર ૬૭ શ્રીમંતો પાસે તો રાષ્ટ્રના કુલ બજેટ કરતા પણ વધારે સંપતિ છે. આ આંકડા તો એવું સુચવી જાય છે કે દેશના છેવાડાના નાગરીકો આર્થિક વિકાસના પ્રવાહમાં વધુને વધુ દૂર હડસેલાઈ રહ્યા છે. શ્રીમંતોની સંપત્તિમાં કુદકે ને ભુસ્કે વૃધ્ધિ થઈ રહી છે. ગરીબો તો ગરીબ જ રહ્યા છે ને સૌથી વધુ કફોડી હાલતમાં પીસાઈ રહ્યા છે. દેશનો સૌથી મોટો મધ્યમ વર્ગ આપરા દેશમાં આવું મૂડીવાડી અર્થતંત્ર બેફામ વિકસી રહ્યું છે. તેની પાછળ બકવાસરૂપ વર્તમાન લોકતાંત્રીક અર્થ વ્યવસ્થા જ કારણભૂત હોવાનું અર્થશાસ્ત્રીઓ પણ માને જ છે.

દેશના ૧ ટકા અમીરોની સંપતિ ૯૫.૩ કરોડ લોકો એટલે કે ૭૦ ટકા વસ્તીની કુલ સંપતિથી પણ ચાર ગણી વધુ છે. દેશનાં ૬૩ અબજ પતિઓની સંપતિ દેશના એક વર્ષના બજેટથી પણ વધુ છે. ૨૦૧૮-૧૯મા દેશનું બજેટ ૨૪ લાખ ૪૨ હજાર ૨૦૦ કરોડ રૂપીયા હતુ. વિશ્ર્વમાંથી ગરીબી ખત્મ કરવા માટે કામ કરનારી સંસ્થા ઓકસફેમે બહાર પાડેલા રિપોર્ટ ટાઈમ ટૂ કેરમાં આ આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે.

ઓકસફેમના રિપોર્ટ મુજબ વિશ્ર્વના ૨,૧૫૩ અબજપતિઓનું સંપતિ ૪.૬ અબજ એટલે કે વિશ્ર્વની ૬૦ ટકા વસ્તીની કુલ સંપત્તિથી પણ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખૂબજ વધુ વૈશ્ર્વિક અસમાનતાની સ્થિતિ ચોંકાવનારી છે. છેલ્લા ૧૦ વર્ષમાં અબજ પતિઓની સંખ્યા બે ગણી થઈ ચૂકી છે. જોકે ગત વર્ષે તેમની કુલ નેટવર્થમાં ઘટાડો આવ્યો છે.

આ બધુ એવો ખ્યાલ જ ઉપસાવે છે કે, ભાજપના નવા પ્રમુખ શ્રી નડ્ડાની કામગીરી તેમણે કલ્પી હશે તે કરતાં સારી પેઠે અધિક બની રહેશે અને તેમણે કલ્પેલા સંઘર્ષ કરતાં ઘણો બધો જલદ અને કયારેક તો સ્ફોટક બનશે.

અત્યારે આપણા દેશની સામે લગભગ તમામ ક્ષેત્રે પડકારો છે. કારમી મોંઘવારી, મતિભ્રષ્ટતા, બળાત્કાર, ભેળસેળ, દેશભકિતનો સદંતર અભાવ, આર્થિક બેહાલી, મંદીની થપાટો, સાંસ્કૃતિક છિન્નભિન્નતા, રાષ્ટ્રીયસ્તરે કદરૂપી વિભિન્નતા, ધાર્મિકતા-અધાર્મિકતા વચ્ચે સ્પર્ધા અને લડાઈની અતિગંભીર મુશીબતો છે. આંતરરાષ્ટ્રીય અસંતુલન આપણા દેશને બુરીરીતે સ્પર્શે તેમ છે.

શ્રી નડ્ડાની કામગીરી ભાજપને અને મોદી સરકારને કેવું અને કેટલું બળ આપશે તે જોવાનું રહેશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.