Abtak Media Google News

૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, જેમાં આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે: ભાર્ગવભાઇ ભટ્ટ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં “શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ સ્તરીય કાર્યશાળા યોજાઇ હતી.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રજાલક્ષી નીતિઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની સંગઠનાત્મક રણનીતિને લીધે આજે સમગ્ર દેશમાં ભાજપાનો કેસરીયો લહેરાયો છે. ભાજપા સરકારોની જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને લીધે ભાજપા આજે ખરા અર્થમાં છેવાડાના માનવીની પાર્ટી બની છે. આગામી ૬ જુલાઇથી દેશભરમાં ભાજપા દ્વારા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાન શરૂ થનાર છે.

ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવે તેમના પ્રેરણાત્મક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, પાર્ટીના આદ્ય સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે આપણે દેશની એકતા, અખંડિતતા અને સમૃધ્ધિ માટે ભાજપાનો રાષ્ટ્રવાદી વિચાર વધુ વ્યાપક બનાવવા માટેની આ કાર્યશાળામાં એકઠા થયા છીએ તે જ તેમના આત્મા માટે એક દિવ્ય શ્રધ્ધાંજલી બની રહેશે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી વિચક્ષણ રાજપુરૂષ, વકીલ તથા ઉમદા શિક્ષણવિદ્ હતા. માત્ર ૩૩ વર્ષની ઉંમરે તેઓ કલકત્તા યુનિવર્સીટીના કુલપતી બન્યા હતા. આઝાદી બાદ ભારતના પ્રથમ મંત્રીમંડળમાં તેઓ સ્થાન પામ્યા હતા પરંતુ રાષ્ટ્રના હિત માટે તેમણે સત્તા ઠુકરાવી રાજીનામુ આપી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ. કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે ભારતમાં તેનો પુર્ણ વીલય થવો જોઇએ તે માટે પરમીટ પ્રથાનો વિરોધ કરી તેમણે જનઆંદોલન ચલાવ્યુ હતુ. કાશ્મીરની સીમામાં પ્રવેશતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને સંદીગ્ધ સંજોગોમાં જ તેમનું મૃત્યુ થયુ હતુ. તે વખતની નેહરૂ સરકારે તે બાબતે કોઇ ખુલાસો પણ કર્યો નહોતો. આ રીતે આપણી પાર્ટીના પ્રથમ પ્રમુખે તેમનું જીવન ભારતની એકતા માટે ખપાવી દીધુ હતુ.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ તેમના પ્રારંભિક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના આશીર્વાદ અને સંકલ્પશક્તિને લીધે માત્ર ૧૧ લોકોથી શરૂ થયેલી પાર્ટી આજે ૧૧ કરોડ સભ્ય સંખ્યા સુધી પહોંચી છે. સંગઠનપર્વમાં સંખ્યા વૃધ્ધિ તે માત્ર હેતુ નથી. પરંતુ આપણાં રાષ્ટ્રહિતના વિચારો જનજન સુધી પહોંચાડી દેશને વધુ સશક્ત અને પાર્ટીને હજુ વધુ મજબૂત બનાવવાની છે. ૨૦૧૯ની ચૂંટણીઓમાં દેશની જનતાએ જાતિવાદ અને પરિવારવાદને જાકારો આપ્યો છે અને રાષ્ટ્રવાદનો વિજય થયો છે ત્યારે સદસ્યતા વૃધ્ધિ અભિયાન દ્વારા રાષ્ટ્રહિતના આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવભાઇ ભટ્ટે સદસ્યતા વૃધ્ધિ અભિયાનની કાર્યસૂચિ તથા રૂપરેખા આપી હતી. આગામી ૬ જુલાઇ થી ૧૧ ઓગષ્ટ સુધી સદસ્યતા વૃધ્ધિ અભિયાન યોજાશે. આગામી ૨૪ જુન થી ૩૦ જુન સુધીમાં તમામ જીલ્લા/મહાનગરોમાં સંગઠન પર્વ બેઠકો યોજાશે, ત્યારબાદ ૧ થી ૫ જુલાઇ સુધીમાં પ્રત્યેક મંડલમાં પણ બેઠકો યોજાશે અને ૬ જુલાઇ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસથી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ થશે. આ સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં ભાજપના તમામ મોરચાઓ, વિભાગો તથા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાશે.

ભટ્ટે જણાવ્યુ હતુ કે, આ સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં ગુજરાતના તમામ લોકો જોડાઇ શકે છે. ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, જેમાં આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે. જે લોકો પાસે સામાન્ય મોબાઇલ (સ્માર્ટ ફોન સિવાયનો) હોય તે લોકો ૮૯૮૦૭ ૮૯૮૦૭ નંબર પર પોતાનું નામ, સરનામુ જેવી વિગતો એસ.એમ.એસ. દ્વારા મોકલીને પણ સભ્ય બની શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.