Abtak Media Google News

વોર્ડ નં.૭માં ભાજપ ફરી અડીખમ: દેવાંગ માંકડ, નેહલ શુકલ, જયશ્રીબેન ચાવડા અને વર્ષાબેન પાંધીની જાજરમાન જીત

ભાજપના સીનીયર નેતા કશ્યપભાઈ શુકલની મહેનત રંગ લાવી: સૌથી પહેલુ પરિણામ વોર્ડ નં.૧૭નું જાહેર કરાયું

Dsc 3596 Scaled

વોર્ડ નં.૭ ભાજપનો અડીખમ ગઢ હોવાનું અનેકવાર કહેવાયું છે અને ચર્ચાયું પણ છે. આજે મત ગણતરીમાં એ ચરિતાર્થ થયું છે કે આ વોર્ડ ખરેખર ભાજપનો અડીખમ ગઢ છે. વોર્ડના પૂર્વ સીનીયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલની મહેનત જાણે ઉગી નીકળી હોય તેમ ભાજપના ચારેય ઉમેદવારો અહીં તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા તો બીજી તરફ આંખે ઉડીને વળગે તે વાત એ પણ નોંધપાત્ર રહી છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વોર્ડ નં.૭માં સારા એવા મતો પ્રાપ્ત કરી લીધા છે. રાજકોટના ૧૮ વોર્ડ પૈકી સૌથી પહેલું પરિણામ વોર્ડ નં.૭નું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની શાનદાર જીત થઈ હતી. શુકન સોલીડ રહ્યાં બાદ શહેરના ચારેયકોર ભાજપનો જય જયકાર થયો હતો.

વોર્ડ નં.૭માં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ ૧૪ ઉમેદવાર વચ્ચે ટક્કર હતી. વોર્ડમાં કુલ ૧,૦૪,૩૫૦ મતો માન્ય રહ્યાં હતા જેમાં નોટામાં ૬૦૪ મતો પડ્યા હતા. જ્યારે ૨૦ મત અમાન્ય રહ્યાં હતા. મહાપાલિકાના સ્થાપનાકાળથી આ વોર્ડ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડથી વોર્ડ નં.૭માં ભાજપના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે આગળ ચાલી રહ્યાં હતા. મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપે એકપણ રાજકીય ઉમેદવારને મચક આપી ન હતી અને ચારેય ઉમેદવારો જયશ્રીબેન પ્રવિણભાઈ ચાવડા, વર્ષાબેન કિરીટભાઈ પાંધી, દેવાંગભાઈ પ્રધ્યુમનભાઈ માંકડ અને નેહલભાઈ ચીમનભાઈ શુકલની જીત થઈ છે. જેમાં જયશ્રીબેન ચાવડાને ૧૪૯૧૮ મતો પ્રાપ્ત થયા હતા. જ્યારે દેવાંગભાઈ માંકડને સૌથી વધુ ૧૫૭૩૭, નેહલભાઈ શુકલને ૧૪૮૧૨ અને વર્ષાબેન પાંધીને ૧૪૩૯૩ મતો પ્રાપ્ત થયા હતા. તેઓના નજીકના હરિફ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ ઝરીયાને ૭૪૮૨, રણજીત મુંધવાને ૬૯૮૩, અલ્કાબેન રવાણીને ૭૫૭૪ અને વૈશાલીબેન પડાયાને ૫૯૪૫ મતો પ્રાપ્ત થયા છે. સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે, પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટુ ગાબડુ પાડ્યું છે. આપના ઉમેદવાર કિંજલબેન જોશીને ૩૮૦૦, જ્યોત્સનાબેન સોલંકીને ૩૩૧૧, નૈમીષભાઈ પાટડીયાને ૩૬૭૩ અને પરેશભાઈ શીંગાળાને ૩૬૬૫ મતો મળ્યા હતા. ભાજપના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે આ વોર્ડમાં વિજેતા બન્યા હતા.

Dsc 3625 Scaled

વોર્ડ નં.૭માં છેલ્લી ત્રણ ટર્મથી કશ્યપભાઈ શુકલના નેતૃત્વમાં ભાજપની પેનલ વિજેતા બને છે પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવા ભાજપે ક્રાઈટ એરીયા નક્કી કર્યા હતા જેમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા કાર્યકરને ટિકિટ ન આપવાનો નિયમ હતો જેથી આ વોર્ડમાં કશ્યપભાઈ ચૂંટણી લડી ન શકય હતા. તેઓના સ્થાને ભાજપે તેમના લઘુબંધુ નેહલભાઈ શુકલને ટિકિટ આપી હતી. પ્રથમ ચૂંટણીમાં જ નેહલ શુકલએ કશ્યપભાઈનો ગઢ જાળવી રાખવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ દેવાંગભાઈ માંકડ આ વિસ્તારમાંથી વધુ એક વખત ચૂંટાયા છે અગાઉ તેઓ ૨૦૦૫ થી ૨૦૧૦ની ટર્મમાં આ વોર્ડમાંથી નગર સેવક તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓની ટિકિટ અનામતના કારણે કપાઈ હતી. તેઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને કામગીરી જોતા તેમને શિક્ષણ સમિતિના ચેરમેન અને બે ટર્મ શહેર ભાજપની મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જ્યારે ભાજપ ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે ત્યારે દેવાંગભાઈ માંકડ સ્ટેન્ડિંગ ચેરમેન બને તેવી સંભાવના જણાય રહી છે.

વોર્ડ નં.૫માં પંજો પિંખાયો: ભાજપનો જય જયકાર

ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વોર્ડમાં ફરી કેસરીયો લહેરાયો

Word No. 5

શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫ ભાજપનો અડીખમ ગઢ સાબીત થયો છે. ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના વોર્ડમાં ફરી આન, બાન, શાન સાથે કેસરીયો લહેરાયો છે અને કોંગ્રેસને કળ ન વળે તેવી હાર મળી છે. મત ગણતરીના આરંભથી જ વોર્ડ નં.૫માં ભાજપના ચારેય ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યાં હતા જે ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી સતત વધી રહી હતી. વોર્ડ નં.૫માં ભાજપના ઉમેદવાર વજીબેન કવાભાઈ ગોલતર, રસીલાબેન પ્રવિણભાઈ સાકરીયા, દિલીપભાઈ હરજીભાઈ લુણાગરીયા અને હાર્દિકભાઈ પ્રહલાભાઈ ગોહિલ વિજેતા થયા છે. આ વોર્ડમાં ગત ચૂંટણીમાં અરવિંદભાઈ રૈયાણી આખી પેનલ સાથે વિજેતા બન્યા હતા. ૨૦૧૭માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડયા હતા અને ધારાસભ્ય બન્યા હતા. જેના કારણે તેઓ આ વખતે કોર્પોરેશનની ચૂંટણી લડ્યા ન હતા છતાં તેના માર્ગદર્શનમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે.

ભાજપના ઉમેદવાર દિલીપભાઈ લુણાગરીયાને ૧૫૧૩૩ મત, રસીલાબેન સાકરીયાને ૧૩૧૮૫ મત, વજીબેન ગલોતરને ૧૨૧૭૦ મત અને હાર્દિકભાઈ ગોહિલને ૧૨૧૯૫ મત મળ્યા હતા. આ વોર્ડમાં પણ આમ આદમી પાર્ટી નિર્ણાયક ફેકટર સાબીત થયું જેના કારણે કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર નીતાબેન રૈયાણી ૪૯૫૧, પ્રતિકભાઈ ગઢીયા ૪૦૫૮, મૌલીકભાઈ ચિત્રોડાને ૩૫૧૧ અને રીનલ જોગીને ૩૨૩૦ મત મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર રૈયાણીને ૩૧૯૫, ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં ગયેલા દક્ષાબેન ભેંસાણીયાને ૬૪૮૨, લાભુબેન ઠુંગાને ૫૪૫૬ અને હર્ષદભાઈ વઘેરાને ૫૩૬૧ મત મળ્યા હતા. આમ વોર્ડ નં.૫માં ભાજપના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. યુવા ચહેરાઓને કાર્યકર્તા સાથે વોર્ડવાસીઓએ સહર્ષ સ્વીકાર્યા હતા.

વોર્ડ નં.૧૦માં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું: મનસુખ કાલરીયાનો પરાજય

ભાજપના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને ડો.રાજશ્રીબેન ડોડીયાની જાજરમાન જીત: કાર્યકરોએ મનાવ્યો વિજયોત્સવ

Img 20210223 Wa0438

રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૧૫માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શહેરના વોર્ડ નં.૧૦માં પેનલ તૂટી હતી. જેમાં વોર્ડની ૪ બેઠકો પૈકી ભાજપની ૩ બેઠકો અને કોંગ્રેસને ૧ બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવાસ સ્થાન પણ આ જ વોર્ડમાં આવેલ છે. એટલે પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ભાજપ માટે ખુબજ મહત્વનો હતો. જો કે, ભાજપના કાર્યકરોએ અહીં ચાર કમળ ખીલવવા માટે સર્જી દીધેલી પરિશ્રમની પરાકાષ્ટા વિજય સ્વરૂપે ઉગી નીકળી છે. વોર્ડ નં.૧૦માં કમળનું બુલડોઝર ફરી વળતા કોંગ્રેસ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. મહાપાલિકામાં વિરોધ પક્ષના ઉપનેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનસુખભાઈ કાલરીયાએ હારનો સામનો કરવો પડ્યો છે.

રાજકોટમાં ભાજપ માટે સૌથી સુરક્ષીત જે વોર્ડની ગણતરી થાય છે તેમાં વોર્ડ નં.૧૦નો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવાસ સ્થાન આ વોર્ડમાં આવેલ હોય ભાજપ આ વોર્ડ કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો .વોર્ડ પ્રભારી દિનેશભાઈ કારીયા અને વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ સહિત સંગઠનની ટીમ ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા ન હતા. ત્યારથી વોર્ડમાં ભાજપનો પ્રચાર કરવા માંડ્યા હતા. જેના કારણે આ વોર્ડ કોંગ્રેસ મુક્ત થયો છે. આજે હાથ ધરવામાં આવેલ મત ગણતરીમાં ભાજપના ચારેય ઉમેદવારો પોતાના નજીકના હરીફથી આગળ ચાલી રહ્યાં હતા. ૧૨ રાઉન્ડના અંતે ભાજપના ચારેય ઉમેદવારોને વિજેતા ઘોષીત કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર ચેતનભાઈ સુરેજાને ૧૬૩૨૬ મત, નરેન્દ્રસિંહ વાઘેલાને ૧૪૯૧૦ મત, જ્યોત્સનાબેન ટીલાળાને ૧૬૩૩૨ મત અને ડો.રાજેશ્રીબેન ડોડીયાને ૧૪૫૭૫ મતો મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપે માત્ર એક નગરસેવીકાને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે બે ટર્મ પૂર્વ નગરસેવક રહેલા નિરૂભા પર ફરી વિશ્ર્વાસ મુકી તેમને ટિકિટ આપી હતી. જ્યારે બે ઉમેદવાર તદન નવા ચહેરા હતા છતાં વોર્ડ નં.૧૦ના મતદારોએ ભાજપ તરફી વિશ્ર્વાસ દેખાડતા સમગ્ર પેનલને તોતીંગ લીડ સાથે જીતાડી છે. ગત ટર્મમાં વોર્ડન નં. ૧૦માં પેનલ તૂટી હતી. ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા બન્યા હતા અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ હતી. ભાજપે ગત ટર્મમાં છેલ્લી અઢી વર્ષની ટર્મમાં આ વોર્ડને મેયર પદ આપ્યું હતું. આજે મત ગણતરીમાં આ વોર્ડ સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત થયો છે. મહાપાલિકામાં વિરોધ પક્ષમાં ઉપનેતાની જવાબદારી નિભાવતા મનસુખ કાલરીયાનો ઘોર પરાજય થયો છે. તો બીજી તરફ અન્ય વોર્ડની માફક આ વોર્ડમાં પણ કોંગ્રેસની વોટબેંક પર આમ આદમી પાર્ટીએ જોરદાર ગાબડુ પાડ્યું છે.

વોર્ડ નં.૮માં ભાજપ તોતીંગ લીડ સાથે બન્યું વિજેતા: કોંગ્રેસ કરતા આપને મળ્યા વધુ મત

ભાજપના ઉમેદવાર અશ્ર્વિનભાઈ પાંભર ૧૨૦૬૬ મતોથી વિજેતા બન્યા: નીતિનભાઈ ભારદ્વાજના ગઢને જાળવી રાખવામાં નવા ચહેરાઓ રહ્યાં સફળ: ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને આપના ઉમેદવાર શિવલાલ બારસીયાનો પરાજય

Dsc 3634 Scaled

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના ગઢ ગણાતા વોર્ડ નં.૮ને જાળવી રાખવામાં નવા ચહેરાઓ સફળ રહ્યાં છે. વોર્ડ નં.૮માં ભાજપના ચારેય ઉમેદવારોનો જાજરમાન અને રેકોર્ડબ્રેક લીડ સાથે વિજય થયો છે. સૌથી મોટી વાત એ રહી કે આ વોર્ડમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વધુ મતો પ્રાપ્ત થયા છે. ભાજપના ઉમેદવાર અશ્ર્વિનભાઈ પાંભર, ૧૨૦૬૬ મતોથી વિજેતા બન્યા છે. જે રેકોર્ડબ્રેક લીડ કહી શકાય.

Dsc 3632 Scaled

વોર્ડ નં.૮ વર્ષોથી ભાજપનો અડીખમ ગઢ માનવામાં આવે છે. ભાજપના સીનીયર નેતા અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અહીં છેલ્લી ચાર ટર્મથી સતત વિજેતા બની રહ્યાં છે. આ વખતે તેઓ મહાપાલિકાની ચૂંટણી લડતા નથી ત્યારે આ વોર્ડમાંથી ભાજપે ચારેય નવા ચહેરાઓને તક આપી હતી. વોર્ડ ફતેહ કરવાની મુખ્ય જવાબદારી પૂર્વ કોર્પોરેટર અશ્ર્વિન પાંભરના શીરે નાખવામાં આવી હતી. જેમાં અશ્ર્વિનભાઈ ૧૦૦ ટકા સફળ રહ્યાં અને તેઓ રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા ૧૨૦૬૨ મતોથી વિજેતા બન્યા છે. તેઓને ૧૯૨૯૯ મત પ્રાપ્ત થયા હતા. જ્યારે તેમના સૌથી નજીક હરીફ એવા આમ આદમી પાર્ટી રાજકોટ ઉપાધ્યક્ષ શિવલાલભાઈ બારસીયાને ૭૨૩૭ મતો પ્રાપ્ત થયા હતા. આમ અશ્ર્વિનભાઈનો સૌથી મોટો વિજય થયો છે. આ ઉપરાંત ભાજપના અન્ય ઉમેદવાર ડો.દર્શનાબેન અતુલભાઈ પંડ્યાને ૧૭૯૯૭ મત, પ્રિતીબેન સંદીપભાઈ દોશીને ૧૬૫૭૪ મત અને બીપીનકુમાર નાથાલાલ બેરાને ૧૬૫૦૫ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આપના ઉમેદવાર અને શહેરના ઉપાધ્યક્ષ શિવલાલભાઈ બારસીયાને ૭૨૩૭ મતો મળ્યા છે. જ્યારે તેમની પેનલના જાગૃતિબેન પરમારને ૬૨૫૨, દર્શનભાઈ કણસાગરાને ૬૬૮૫, પન્નાબેન જોશીને ૬૩૪૮ મતો પ્રાપ્ત થયા છે. કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોમાં નજર કરવામાં આવે તો ડો.જીજ્ઞેશભાઈ મનહરભાઈ જોષીને ૪૫૧૭, દ્રષ્ટિ વિનોદભાઈ પટેલને ૪૭૨૬, નયનભાઈ જગદીશભાઈ ભોરણીયાને ૩૯૭૯ અને સવિતાબેન પ્રભુદાસ શ્રીમાળીને માત્ર ૨૯૫૮ મતો પ્રાપ્ત થયા છે. કોંગ્રેસ કરતા વધુ વિશ્ર્વાસ મતદારોએ આમ આદમી પાર્ટી પર મુક્યો હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.