ભાજપના ‘ભિષ્મ પિતામહ’ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ‘વસમી’ વિદાય

કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી અને તે કાયમ ‘સાલસે’: મુખ્યમંત્રીની કેશુભાઈને ભાવભરી શ્રદ્ધાંજલી

ગુજરાતના રાજકારણ અને જાહેર જીવનમાં દિર્ધકાલીન સામાજીક રાષ્ટ્ર સેવાને સમર્પિત અને ભાજપના ભિષ્મ પિતામહ જેવા સંઘના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે ૯૨ વર્ષે અવસાન થતાં સમગ્ર જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે શોકનું વાતાવરણ છવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોએ સ્વર્ગસ્થને શબ્દાંજલી આપી હતી. કેશુભાઈ પટેલના અંતિમ સંસ્કાર અમદાવાદ ખાતે રાજકીય સન્માન સાથે યોજાય ત્યારે ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કેશુભાઈના મત વિસ્તાર વિસાવદર અને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂત વર્ગમાં તેમના નિધનના સમાચારને ઘેરો શોક ફેલાવ્યો હતો અને વિસાવદર પંથકમાં આ લોકનેતાના માનમાં સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી હતી.

કેશુભાઈ પટેલની તબીયત ૧૦ દિવસ પહેલા એકાએક લથડતા તેમને અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તબીયતમાં સુધારા બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ આજે એકાએક તેમનું સ્વાસ્થ્ય લથડ્યું હતું અને તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસા અને હૃદયની તકલીફ ઉભી થઈ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બિમારી સામે જંગ લડીને આજે આ લોકનેતાએ અંતિમ સફર માટે પ્રયાસ કર્યું હતું. સાંજે ૫ વાગ્યે ગાંધીનગર સેકટર ૩૦ ખાતે આવેલ સ્મશાન ગૃહમાં વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સ્વ.કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સાંભળી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા હતા. ગાંધીનગર પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રધ્ધાંજલી પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના જાહેર જીવન એ એક સનિષ્ઠ લોકનેતા ગુમાવ્યા છે તેની ખોટ કાયમી ધોરણે થશે. ભાજપના તમામ આગેવાનોએ કેશુભાઈ પટેલના નિધનના સમાચારને પગલે પેટા ચૂંટણીના પ્રચાર-પ્રસારના કાર્યક્રમો ટૂંકાવીને કેશુભાઈને શ્રધ્ધાંજલી આપવા માટે ગાંધીનગરની વાટ પકડી હતી.

પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ૯૨ વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ દુ:ખદ સમાચાર મળતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણી સભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૨૮ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. બાદમાં ૧૯૯૫માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યા૨બાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે અને તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો હતો.

કેશુભાઇએ પોતાનુ સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યુ: મુખ્યમંત્રી

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ ના દુ:ખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

મુખ્ય મંત્રી એ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘ થી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રી એ સદગત કેશુભાઈ ના પ્રદાન ની સરાહના કરતા જણાવ્યુ હતુ.

મુખ્ય મંત્રી એ કહ્યું કે કેશુભાઈ ના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય ભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈ ના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

કેશુભાઈ લક્ષ્ય માટે સતત સંઘર્ષમય અને ક્યારેય નિરાશ ન થનારા હતા: વજુભાઈ વાળા

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના પગલે ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરતા પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, કેશુભાઈ નેતૃત્વના માણસ હતા. તેઓએ જનસંઘના પ્રારંભથી જ સંઘર્ષ કર્યો હતો અને સંઘની વિચારધારાને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડી હતી. નવનિર્માણમાં ભુજ જેલ કટોકટીમાં સાબરમતી જેલમાં રહેલા કેશુભાઈ પટેલે ખેડૂતોના હિત માટે પાયાથી કામ કર્યું હતું. રાજકોટ નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે તેમની કારકિર્દી યાદગાર બની રહી છે. નાથાભાઈ જરડા, વસંતભાઈ વ્યાસ સાથે તેઓએ ખંભે ખંભા મિલાવી કામ કર્યું હતું. કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુકલ અને જૂનાગઢના સૂર્યકાંતભાઈ આચાર્યના પુરુષાર્થથી આજે ભાજપની સત્તાનો પાયો નખાયો હતો. કેશુભાઈ સંઘર્ષમય લક્ષ્ય પ્રાપ્તી માટે ક્યારેય નિરાશ થતાં ન હતા. તેમના અવસાનથી મોટી ખોટ પડી છે.

નીતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ વગેરેએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રઘ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઇ પટેલનું યોગદાન અમુલ્ય રહ્યું ે. તેઓએ રાજકોટને જ પોતાની કર્મભૂમિ બનાવી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કર્યો હતો.

બાલ્યકાળથી જ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા કેશુભાઇ પટેલે જનસંઘ અને હિન્દુ મહાસભાના પાયાના કાર્યકર હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત ભાજપના અગ્રણીઓએ આજરોજ કેશુબાપાના નિધન બદલ ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે. અને તેમને શ્રઘ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રો. કમલેશ જોષીપુરા

ભારતીય જનતા પાર્ટીના મોભી જનસંઘ સમયથી રાજયના જાહેર જીવનમાં આગવું પ્રદાન કરનાર અને ‘બાપા’ના પ્રેમભર્યા નામથી સર્વપ્રિય મુરબ્બી કેશુભાઇ પટેલના દુ:ખદ અવસાન માટે રાજકોટ ભાજપના પૂર્વ અઘ્યક્ષ કમલેશ જોશીપુરાએ ભાવપૂર્ણ અંજલી અર્પી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જીવનભરનો નાતો જોડી જનસંઘ ના સ્થાપના કાળના દાયકામાં મુરબ્બી હરિસિંહજી ગોહીલ, ચીમનભાઇ શુકલ, નાથાભાઇ ઝગડા જેવા મોભીઓની સાથે સ્થાપના કાળથી જ ગુજરાત જન સંઘની ટીમના વરિષ્ઠ મોભી કેશુભાઇ પટેલે જનસંઘને ગામડે ગામડે પહોચાડવા અથાક પ્રયત્નો કર્યા, ટાંચા સંશાધનો સાથે સ્કુટર ઉપર સૅગઠનનો વ્યાપ અને વિસ્તાર વધારવા માટે ઝઝુમતા રહેલા કેશુભાઇ પટેલે જનસંઘ અને બાદમાં ભાજપાના સંગઠનમાં અણમોલ ફાળો આપ્યો.

ધારાસભ્ય ગોવિંદ પટેલ

કેશુભાઇ પટેલના નિધનથી ગુજરાતે એક ખમીરવંતા, દીર્ધદ્રષ્ટા, પ્રજાવસ્તલ લોકપ્રિય નેતા ગુમાવ્યા છે તેમ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે શોક સંદેશમાં જણાવ્યું છે.

પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની તાસીરને પારખીને તેમને ધરતીમાં પાણી ઉતરે તે માટે ચેકડેમનું અભિયાન કરીને સૌરાષ્ટ્રની કાયાપલટના દ્વાર ખોલ્યા હતા. તેમની દ્રષ્ટિ તેમની ખુમારી અને સંકલ્પને સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા હંમેશા લોકહૃદયમાં રહેશે. ગુજરાતે તેની ખોટ ન પૂરી શકાય તેવા નેતાને ગુમાવ્યા છે. જાહેર જીવનમાં છેલ્લા વર્ષો તેમને સોમનાથ દાદાની સેવામાં અર્પણ કરીને જીવનને ધન્ય બનાવ્યું છે.

 કોર્પોરેશનના પદાધિકારીઓ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના જૂની પેઢીના અગ્રીમ રાજનેતા કેશુભાઈ પટેલનું નિધન થતા રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારએ ઉંડા શોકની લાગણી સાથે સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મેયરે કહ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં ભાજપનો સુર્ય મધ્યાહને ઝળહળી રહ્યો છે પરંતુ શરૂઆતના સમયમાં ગુજરાતમાં જનસંઘના સમયથી જ કાર્યરત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને પણ મજબુત બનાવવામાં કેશુભાઈ પટેલની પાયારૂપ ભૂમિકા રહી હતી. વિશેષમાં, ગુજરાતમાં બે વખત મુખ્યમંત્રી તરીકે રહી સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચુકેલા સ્વ.કેશુભાઈ પટેલ દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રમાં આવેલ  સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં પણ સેવા આપી ચુક્યા છે. અહી એ પણ યાદ અપાવીએ કે, સ્વ.  કેશુભાઈ રાજકોટમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ નગરસેવક તરીકે રહી ચુક્યા છે.

કેશુભાઈના દુ:ખદ નિધન રાજ્યને ખુબ મોટી ખોટ પડી છે અને પરમકૃપાળ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, જૂની પેઢીના અગ્રીમ હરોળના રાજકીય આગેવાન  કેશુભાઈ પટેલના દુ:ખદ અવસાન સબબ શ્રધ્ધાંજલિ પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવ્યું હતુ કે કેશુબાપાના અવસાનથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને ખુબ મોટી ખોટ પડી છે. તેઓ જનસંઘના સ્થાપકો પૈકીના એક હતા. તેઓ આર.એસ.એસ.ના ખુબ સક્રિય અને આગેવાન કાર્યકર હતા. સને ૧૯૬૭ થી ૧૯૭૩ સુધી રાજકોટ નગરપાલિકા તથા તા.૧૯/૧૧/૧૯૭૩ થી મહાનગર પાલિકાની રચના થતા નિયુક્ત કોર્પોરેટર તરીકે કાર્યરત રહ્યા હતા. સને ૧૯૭૭માં તેઓ રાજકોટ ખાતેથી સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમજ કાલાવડ, ગોંડલ, તથા વિસાવદર ખાતેથી ૬ ટર્મ સુધી ગુજરાતના ધારાસભ્ય તરીકે ચુંટાઈ ખુબ સારી લોક સેવા કરેલ. તેઓ ફક્ત તેઓ ફક્ત ભારતીય જનતા પક્ષના જ આગેવાન નહિ પરંતુ તમામ વર્ગના સર્વમાન્ય આગેવાન તરીકે લોકોના પ્રશ્ને સતત જાગૃત પ્રહરી તરીકે લોકોના પ્રશ્નને વાચા આપી છે. અંતમાં ઉદયભાઈ જણાવે છે કે, તેમના જવાથી ગુજરાતના રાજકારણમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

રાજકોટ જિલ્લા ભાજપ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા જીલ્લા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતીભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી તથા અમારા માર્ગદર્શક એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી રાજકોટ જીલ્લા ભાજપ અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે. કેશુભાઈ પટેલે તેમનું પૂર્ણ જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. તેઓએ તેમના શાસનકાળમા શહેરની સાથોસાથ ગ્રામ્યનો વિકાસ ખુબ કરેલ હતો. તેઓએ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી રહીને સોમનાથના વિકાસમા પણ તેમનો ફાળો રહ્યો છે. ગુજરાતના વિકાસમા તેમનું યોગદાન સદાય યાદ રહેશે. કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.

ભાજપે પહેલીવાર સત્તાનો સ્વાદ કેશુભાઈના નેતૃત્વમાં ચાખ્યો

૧૯૯૦માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર ૩ જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-૨ બન્યા હતા. પરંતુ ભાજપે ૧૯૯૫ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને ૧૨૧ બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

કેશુભાઈ પટેલની વિદાયના પગલે ભાજપના તમામ કાર્યક્રમો ‘મુલત્વી’

ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારને પગલે ભાજપે પેટાચૂંટણી સંબંધીત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાતમાં જન સંઘથી લઈને ભાજપને વટવૃક્ષ બનાવવામાં પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલ પાસે અદ્ભૂત નેતૃત્વ શક્તિ અને વ્યક્તિગત સંકલનથી લઈને પક્ષને વટવૃક્ષ બનાવવાની કોઠાસુઝથી તેમણે રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે, તે ખરેખર સાચા નેતૃત્વ કરતા  નેતા હતા. કેશુભાઈ પટેલ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરવામાં સફળ રહ્યાં હતા.

કેશુભાઈ પટેલની વિદાય ગુજરાત માટે દુ:ખદાયી, તેમની ખોટ કાયમ યાદ રહેશે: નરેશ પટેલ

કેશુભાઈ પટેલને શબ્દાંજલી આપતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં કેશુભાઈ પટેલની નિ:સ્વાર્થ સેવા હંમેશા યાદ રહેશે. તેમની ખોટ ગુજરાતનું જાહેર જીવન ક્યારેય નહીં ભુલાય, તેમના પરિવાર અને સમાજ માટે આ આફત અસહ્ય છે. પરમાત્મા તેમને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ અર્પે. કેશુભાઈ પટેલે કરેલા કામો ક્યારેય નહીં ભુલાય.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાજલિ અર્પતા સી.આર.પાટીલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,ભાજપાના વરિષ્ઠ આગેવાન  અને અમારા મોભી  એવા પૂર્વમુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી  હું  અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું.ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહે .કેશુભાઈના નિધનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.

કેશુભાઈ પટેલ શુન્યમાંથી સર્જનના સફળ સર્જક

તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.

કેશુભાઈ પટેલ ૧૯૪૫માં ૧૭ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ ૧૯૬૦માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ ૧૯૭૭માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં. ત્યારબાદ તેમણે ૧૯૭૮થી ૧૯૮૦ દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ ૧૯૭૮થી ૧૯૯૫ દરમ્યાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ ૧૯૮૦માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે ૧૯૯૫માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.

ગુજરાતે એક વિચક્ષણ નેતા, ભાજપે મોભી ગુમાવ્યા: માંધાતાસિંહ જાડેજા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં રાજકોટ ઠાકોર સાહેબ, ભાજપ અગ્રણી શ્રી માંધાતાસિંહ જાડેજા એ જણાવ્યું કે કેશુભાઇની વિદાય માત્ર ભાજપ માટે નહી પરંતુ ગુજરાતના રાજકારણ અને જાહેર જીવન માટેની ખોટ છે.  કેશુભાઇએ જનસંઘ નો પાયો નાખવાનું કામ કર્યું હતું. ખરા અર્થમાં લોકનેતા એવા કેશુભાઇએ જનસંઘ અને ભાજપના સંઘર્ષના સમયમાં અગત્યનું કામ કર્યું.

૧૯૭૭માં સિંચાઇ મંત્રી તરીકે, ૧૯૯૫માં અને ૯૮માં મુખ્યમંત્રી તરીકે પણ એમણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર, કૃષિ માટે સતત પ્રદાન કર્યું તો ઔદ્યોગિક વિકાસના પણ મંડાણ એમના સમયમાં થયા. સ્વ. કેશુભાઈ પટેલના મારા પિતાશ્રી સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હતા. કેશુભાઇની વિદાયથી ગુજરાતના જાહેર જીવનને એક માર્ગદર્શકની ખોટ પડી છે. ભાજપે મોભી ગુમાવ્યા છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલનું યોગદાન અમુલ્ય: ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ કેશુભાઈ પટેલના નિધનથી દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં કેશુબાપાનું યોગદાન અમુલ્ય રહ્યું છે. સમગ્ર ભુજરાત માટે સમાજ જીવનમાં એક મોટી ખોટ પડી છે. કેશુભાઈ પટેલ ખાલી ભારતીય જનતા પાર્ટી નહીં પણ ગુજરાતના સર્વોચ્ચ નેતા હતા. તેમના નેતૃત્વમાં ગુજરાતના ગામડા ગોકુળ ગામડા બન્યા છે. સૌના મુરબ્બી અને આદર્શ એવા કેશુભાઈ પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. આજે ભારતીય જનતા પાર્ટીની ધારી વિધાનસભા બેઠક પર જે.વી.કાકડીયાના સમર્થનમાં જાહેર સભા યોજાવાની હતી. જે કેશુભાઈ પટેલના નિધનથી આ સભા રદ્દ કરવામાં આવી છે.

કેશુબાપાને રાજકોટ સાથે પોતિકાપણાનો નાતો

જનસંઘના કાર્યકરથી લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સુધીની સફળ સફર ખેડનાર કેશુબાપાને રાજકોટ સાથે અનન્ય નાતો રહ્યો છે. જાહેર કાર્યક્રમો અને રાજકોટની મુલાકાત વખતે તેઓ કાર્યકર્તાઓ સાથે મન મુકીને મળતા.