ભાજપને મતદારોના ‘વિજયી ભવ’ના આશિર્વાદ

vijay rupani
vijay rupani

વિજયભાઈ રૂપાણીની સરકારે દોઢ વર્ષમાં રમીને લીધેલા ૫૭૫ પ્રજાલક્ષી નિર્ણયોથી ખીલશે કમળ

સૌની યોજના પૂર્ણરૂપે સાકાર થતાં ગુજરાતમાં પાણીનો પ્રશ્ર્ન ભૂતકાળ બની જશે એ વાત લોકો જાણે છે

ગુજરાતના મુખ્યમંત્રીપદે વિજયભાઈ રૂપાણી આરૂઢ થયા ત્યારથી લઈ આજસુધીમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં ૫૭૫થી વધુ ઝડપી નિર્ણયો લઈ ગુજરાતની જનતાને સુશાસનનો અનુભવ કરાવ્યો અને પાણી, સિંચાઈ, વિજળી, પોષણક્ષમ ભાવો સહિતના મુદ્દે પ્રજા અને ખેડૂતલક્ષી કદમ ઉઠાવ્યા છે ત્યારે આગામી પાંચ વર્ષ માટે મતદારો વિજયભાઈ અને ભાજપને ‘વિજય ભવ’ના આશીર્વાદ આપી તેમની તરફેણમાં મતદાન કરશે એવો ‘વિજય વિશ્ર્વાસ’ વ્યકત થયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ખરાઅર્થમાં રાજયની કાયાપલટ થઈ છે. ભુતકાળના કોંગ્રેસી શાસનમાં ગુજરાતની જનતાએ પ્રાથમિક સુવિધાથી લઈ કાયદો-વ્યવસ્થા સહિત તમામ બાબતે પારાવાર યાતના ભોગવી હતી. ભાજપના શાસન દરમિયાન ખરાઅર્થમાં ગુજરાત વિકાસના પથ પર દોડતું થયું છે.

ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ અને પક્ષની પ્રજાલક્ષી નીતિને કારણે ગુજરાત આજે વિશ્ર્વ નકશા પર ઝળહળી ઉઠયું છે.

૧૫ વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી બિરાજયા. તેમણે પ્રથમ દિવસથી જ જનહિતના નિર્ણયો ધડાધડ લેવા માંડયા. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા, પ્રજાકિય સુવિધાઓને મહત્વ આપ્યું અને લગભગ ૧૨ વર્ષ સુધી ગુજરાતની અવિરત સેવા ચાલુ રાખી. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેમણે ગુજરાતની સેવા કરવાનું ચાલુ રાખ્યું એ પછી આનંદીબેન પટેલે રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે પોતાનું યોગદાન આપ્યું.

છેલ્લા દોઢ વર્ષથી રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીને ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે ગુજરાતનું સુકાન સોંપ્યું અને તેમણે પોતાની ક્ષમતા ખરાઅર્થમાં પુરવાર કરી દીધી છે માત્ર દોઢ વર્ષના ટુંકાગાળામાં ૫૭૫ જેટલા નિર્ણયો લઈને ગુજરાતને મોટી ભેટ આપી દીધી. વિજયભાઈ ખુદ એવું કહેતા રહ્યા છે કે પોતાને ભાગે મેચ રમવાનો આવ્યો છે. જેમ ક્રિકેટર માટે ખુબ જ ટુંકાગાળામાં સોલીડ પર્ફોમન્સ આપવાનું અનિવાર્ય બની જાય છે એમ વિજયભાઈ પાસે માત્ર ગણતરીના જ દિવસો હોય નકકર કામગીરી કરી બતાવવી અનિવાર્ય હતી પણ તેમણે સફળ ઓલરાઉન્ડરની જેમ ગુજરાતના નાથ તરીકે ચોગ્ગા-છગ્ગા મારીને જાણે કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી લીધો છે.

વિજયભાઈના શાસનમાં નરેન્દ્ર મોદીના સપનાને સૌની યોજના અમલી બની છે.

મોદીએ ૧૧૫ ડેમોમાં નર્મદા નીર ઠાલવવાની વાત કરી હતી ત્યારે લોકો હસતા હતા પણ ચાલુ વર્ષ દરમિયાન જ સૌએ જોયું કે રાજકોટના આજીડેમ સહિત કેટલાય જળાશયોમાં નર્મદા નીર ભરવામાં આવ્યું. આ યોજનાને કારણે રાજકોટ સહિતના કેટલાય શહેરો અને ગામડાઓનો પીવાના પાણીનો પ્રશ્ર્ન ઉકેલાયો છે. આ તો માત્ર ઝાંખી હતી સાચું ચિત્ર તો હજી બાકી છે. વિજયભાઈની સરકારને માત્ર દોઢ જ વર્ષ મળ્યું છે આગામી પાંચ વર્ષ સુધી આ સરકાર કામ કરશે અને ૨૦૨૨માં ગુજરાતનું વોટર મેનેજમેન્ટ પ્રશંસાપાત્ર બન્યું હશે એ વાત નકકી છે.

ખેડૂતો માટે સિંચાઈ ખુબ મહત્વની બાબત છે. આપણો ખેડૂત ધરતીમાંથી સોનુ પકાવવાની શકિત ધરાવે છે પણ અનિયમિત અને ઓછા વરસાદને કારણે તે લાચાર બની જાય છે.

જો સરકાર સિંચાઈનું પાણી પુરતુ અને સમયસર આપે તો ગુજરાતના ખેડૂતને ઉત્પાદનની બાબતમાં કોઈ પહોંચે નહીં. વિજયભાઈ રૂપાણી અને તેની સરકારે આ વાતને ધ્યાને લઈ ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ સ્વરૂપે મળતું રહે એ માટે જરૂરી તમામ પગલા લીધા છે. નર્મદાની કેનાલો જયાં-જયાં અધુરી હતી તે પૂર્ણ કરાવી છે અને જયાં ટેકનિકલ પ્રશ્ર્નો સર્જાયા હોય ત્યાં સમાધાન કરીને ખેડૂતને સિંચાઈમાં કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી જેને કારણે ગુજરાતનો ખેડૂત આજે ગર્વથી ખેતી કરે છે અને પુરતુ ઉત્પાદન મેળવી રહ્યો છે.

ખેડૂતો માટે બીજી મહત્વની વસ્તુ છે ટેકાના ભાવો. વિજયભાઈ રૂપાણીની સરકાર ખરાઅર્થમાં સંવેદનશીલ છે.

તેને ખબર છે કે આખી સીઝન ખેતી કરીને પેટીયુ રળતો ખેડૂત જો ઉત્પાદનના ભાવ ન આવે તો લાચાર અને નિરાશ થઈ જાય છે તેથી તેને પુરતા ભાવ મળી રહે એ જોવાની લાગણી રૂપાણી સરકારે બતાવી છે. ખેડૂતોનું ખાનગી બજારમાં ઘણી વખત શોષણ થાય છે ત્યારે સરકાર ખુદ ટેકાના ભાવે જણસોની ખરીદી કરી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ગુજરાતભરના માર્કેટયાર્ડોમાં ખેડૂતો પોતાની મગફળી વેંચીને પુરતા ભાવ મેળવી રહ્યા છે ખેડૂતોને કોઈ પ્રકારની તકલિફ ન પડે તે માટે માર્કેટ યાર્ડના સતાધીશોને સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે અને ખાનગી વેપારી પાસે ખેડુતો ગમે તે ભાવે માલ વેંચી ન નાખેએ માટે સરકારે આ વ્યવસ્થા ગોઠવી છે જેથી ગુજરાતનો ખેડુત વર્ગ પણ વર્તમાન સરકારથી ખુબ રાજી છે.

તાજેતરમાં જ ઓખી વાવાઝોડાની સંભાવનાને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીઓ તથા અધિકારીઓ સજ્જ થઈ ગયા હતા જોકે સદનશીબે વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી દૂર જ દરિયામાં વિખેરાઈ ગયું અને ગુજરાત પર તેની કોઈ ઘાતક અસર ન થઈ છતાં સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલને કારણે ખેડૂતોનો પાક બગડયો અને તૈયાર ઉત્પાદન પલળી જવાથી નુકસાની થઈ. આવા સંજોગોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સત્વરે ઘોષણા કરી દીધી કે જે ખેડૂતોને નુકસાની ગઈ છે તેને નિયમ મુજબ વળતર ચુકવવામાં આવશે.

આમ દોઢ વર્ષ દરમિયાન સંવેદનશીલ એવી વિજયભાઈ રૂપાણી સરકારે લોક કલ્યાણના અસંખ્ય કાર્યો કરીને ગુજરાતીઓના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

હવે ગુજરાતના મતદારો તેમને ‘વિજય ભવ’ના આશીર્વાદ આપશે એવો તેમને ‘વિજય વિશ્ર્વાસ’ છે.

Loading...