Abtak Media Google News

ભાજપ સામે અનેક પડકારો વચ્ચે હજુ હુકમના એક્કા સમાન મોદીની સભાઓ બાકી

થ્રિ-ટાયર સીસ્ટમ હેઠળ પ્રોફેશનલ્સ, રાષ્ટ્રીય ટીમ અને ગુજરાતના કાર્યકરો મળી ૧૦,૦૦૦ની ટીમ મેદાનમાં

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક પંથકના મતદારોને સાચવવા ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો કવાયત કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ પંથકના મતદારો વિધાનસભાની ચૂંટણીમાં કોની તરફેણમાં મતદાન કરશે તે અંગે તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો આ વખતે નિર્ણાયક બની રહેશે.

ગીર-સોમનાથ પંથકમાં તાલાલા બેઠકમાં અંદાજે ૨.૭ લાખ મતદારો છે. કુલ ૧૦૪ ગામડાઓનો સમાવેશ તાલાલા મત ક્ષેત્રમાં થાય છે. ૩૫ હજાર કોળી, ૩૨ હજાર કારડિયા રાજપૂત, ૨૭ હજાર પાટીદાર અને ૨૫ હજાર આહિર સમાજના લોકો તાલાલા મત ક્ષેત્રમાં છે. તાલાલામાં ભાજપના એમએલએ ગોવિંદ પરમાર છે જેઓ કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે. આ બેઠક ભાજપ માટે ખુબજ મહત્વની છે.

વર્ષ ૨૦૧૫માં સરકારે જાહેર કરેલા ઈકો સેન્સીટીવ ઝોનના નિયમનો ગ્રામજનોએ બહોળો વિરોધ કર્યો હતો. સરકારે એ સમયે ગીર સેન્ચ્યુરીની ૧૦ કિ.મી. અંદરના ૧૨૧ ગામડાઓને ઈકો સેન્સીટીવ ઝોનમાં સમાવી લીધા હતા. જેના કારણે મકાનો, બોરવેલ સહિતના બાંધકામ અટકાવી દેવાયા હતા. સરકારના આ કાયદાને કાળો કાયદો ગણાવવા લાગ્યો હતો. સરકારના આ કાયદાના કારણે ખેડૂતો પોતાના પાક અને માલ-ઢોરનું રક્ષણ કરી શકતા ન હતા. પરિણામે ઈકો સેન્સીટીવ ઝોનનો કાયદો ગીર પંથકમાં ભાજપને નડી જાય તેવી શકયતા સેવવામાં આવી રહી છે. વન તંત્ર દ્વારા ખેડૂતોને થતી કનડગતથી રોષ ફેલાયો છે.

ગીર પંથકમાં ભાજપ માટે મુશ્કેલી હોવાની વાતો વચ્ચે હજુ ભાજપની જીત નિશ્ર્ચિત હોવાની વાતો સંભળાય રહી છે. રાજયમાં હજુ હુકમના એક્કા સમાન નરેન્દ્ર મોદીની સભાઓ બાકી છે. વડાપ્રદાન મોદી ૨૭મીએ બપોરે ૩ કલાકે અમરેલીના ધારીમાં જંગી જાહેરસભા સંબોધવાના છે. આ સભા તાલાલા બેઠકના મતદારો ઉપર ઘેરી અસર ઉભી કરશે. સમગ્ર ચૂંટણીની વાત કરીએ તો ભાજપને અનેક પડકારો વચ્ચે સ્થાનિક ફેકટર પર વડાપ્રધાન મોદીની અસર ઘણી બધી છે.

વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો તફાવત ભલે લગબગ ડબલ જેટલો હોય પરંતુ મતોનો તફાવત ફક્ત ૨૪.૪૪ લાખ જેટલા મતનો છે. કોંગ્રેસ જો આ ફાસલો પાર કરવામાં સફળતા મેળવે છે તો ભાજપ માટે કપરા ચઢાણ સર્જાઇ શકે છે. જો ૨૪.૪૪ લાખમાંથી અડધા જેટલા મત પણ કોંગ્રેસ ખેંચી જાય છે તો બેઠકોનું ચિત્ર ફરી જાય તેવી સ્થિતિ છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પક્ષ કે અપક્ષને મળેલા મત ૯.૨૨ લાખ હતા. આ મતોમાં પણ થોડો ઘણો ફેરફાર ભાજપ-કોંગ્રેસની બેઠકોમાં વધઘટ કરી શકે છે.

ટકાવારીની દ્રષ્ટિએ મતનો તફાવત ૯ ટકા જેટલો છે. જો કે ભાજપ સામે અનેક પડકારો છતાં હુકમના એક્કા સમાન નરેન્દ્ર મોદીની સભાઓ બાકી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે કટોકટનો જંગ હોવાથી એક એક મત કિંમતી બની રહેવાનો છે. ૨૦૧૨માં કુલ મતદારોની સંખ્યા ૩.૮૦ કરોડની હતી તેમાંથી ૨.૭૪ કરોડ મતદારોએ મતદાન કરતા મતદાનની ટકાવારી ૭૨.૦૨ ટકા થવા પામી  હતી. તેમાં પુરુષોના મતદાનની ટકાવારી ૭૩ ટકા હતી જ્યારે મહિલા મતદારોએ ૬૯.૫૨ ટકા મતદાન કર્યું હતું. ૦.૭૨ ટકા પોસ્ટલ બેલેટ હતું.

૨.૭૨ કરોડ મતમાંથી ભાજપને મળેલા મતની સંખ્યા ૧,૩૧,૧૯,૫૭૯ હતા. તેની સામે કોંગ્રેસને ૧,૦૬,૭૪,૭૬૭ મત મળ્યા હતા. બાકીના મત અન્ય પક્ષ અને અપક્ષને ફાળે ગયા હતા. જો કે બન્ને વચ્ચે મતનો તફાવત ૨૪,૪૪,૮૧૨નો હતો. તેની સામે ભાજપને ૧૧૫ બેઠક અને કોંગ્રેસને માત્ર ૬૧ બેઠક જ મળી હતી, કારણકે અનેક બેઠકો પર વિજયી મતોનો તફાવત મામૂલીથી લઇને ઓછો રહ્યો હતો.

આ વખતે અનેક પાસા એવા છે જે ચૂંટણીમાં મતદાન અને પરિણામ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. વિધાનસભાની અગાઉની ત્રણ ચૂંટણીમાં ભાજપ કેટલા મતથી જીતશે તેવા સવાલ પૂછાતા હતો જયારે ૨૦૧૭માં આ વખતે શું લાગે છે/ તેવા પ્રશ્નથી રાજકીય ચર્ચાની શરૂઆત થાય છે. જે દર્શાવે છે કે બન્ને પક્ષ હાર-જીતના દાવેદાર થયા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ચૂંટણી ચિત્રમાં નવા ફેકટર ઉમેરાયા છે તેમાં પ્રથમવાર એન્ટી ઇન્કમ્બન્સી, હાર્દિક પટેલ, અલપેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી મુખ્ય છે. દર વખતે ભાજપ અને કોંગ્રેસ સામસામે ટકરાતા અને બન્ને પક્ષ પોતાની પરંપરાગત વોટ બેન્ક જાળવી રાખીને દસથી બાર બેઠકોની વટઘટ જાળવી રાખતા અને ચૂંટણી પૂર્ણ થતી હતી.

આ વખતે જેટલા મહત્વના સ્થાનિક ફેકટર છે તે બધા ભાજપ વિરોધી છે અને કોંગ્રેસને અણધાર્યો લાભ થઇ રહ્યો છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના વિજય પછી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો ભાજપે જીતી કોંગ્રેસનો સાવ સફાયો કરી નાખ્યો હતો. જો કે ૨૦૧૫ની જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ ૨૩ જિલ્લા પંચાયતો જીતી જઇને ભાજપની હાલત ખરાબ કરી નાખી હતી. તે વખતે પણ હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલન અસરકારક અને પ્રભાવી પાસા બન્યા હતા તે ૨૦૧૭માં પણ યથાવત છે.

ફરક એટલો છે કે હાર્દિકની વ્યક્તિગત છબી ખરડાઇ છે. ભાજપ ૨૦૧૫ના ફટકા પછી ઘણા અંશે ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસ બે વર્ષના જિલ્લા પંચાયતના શાસનમાં એવા કોઇ ચમત્કાર બતાવી શક્યું નથી કે મતદારો તેની ફરીથી તરફેણ કરતા જળવાઇ રહે. સામે ભાજપથી નારાજ થયાનો માહોલ પણ એટલો જ દેખીતો છે. કોંગ્રેસ તેના તરફી માહોલ ઉભો કરવાના બધા કાર્ડ એક પછી એક ઉતારી ચૂકયું છે. તે બધા સામે ભાજપ માટે હવે હુકમના એક્કા સમાન નરેન્દ્ર મોદીની સભાઓનો દર વખતે ચાલતો જાદુ બાકી છે અને ભાજપની બધી આશાઓ તેની પર જ ટકેલી છે.

બીજી તરફ ભાજપે વિધાનસભા ૨૦૧૭ની રસાકસીભરી ચૂંટણીમાં રોજેરોજની ગતિવિધિથી લઇને રાજકીય સ્થિતિની સમીક્ષા માટે ચોમેરથી માહિતી ભેગી કરી તેનું રોજેરોજ એનાલીસીસ કરી આગળની ગતિવિધિની સૂચનાઓ જારી કરવાથી લઇને પ્રચાર પ્રસાર, નેતાઓના પ્રવાસ, ચૂંટણી સાહિત્ય પહોંચાડવા સહિતના મુદ્દાઓને આવરી લેતો એક વોર રૂમ શરૂ કરાયો છે. આ વોરરૂમમાં ત્રિસ્તરીય સિસ્ટમ ગોઠવવામાં આાવી છે જેમાં ભાજપે ૨૦૧૨ની જેમ પ્રોફેસન્લ્સનો પણ સહયોગ લીધો છે.

એક અંદાજ મુજબ આ વોર રૂમ અને તેની સાથે સંકળાયેલા બુથ સુધીના નેટવર્કમાં રાઉન્ડ ધ ક્લોક ૪૦૦ જણા કામ કરી રહ્યા છે. સમગ્ર રીતે દસ હજાર કાર્યકરો ગ્રાઉન્ડ ઉપર માઇક્રો લેવલ પર કામ કરી રહ્યા છે. આ તમામ સાથે પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ તથા અનિલ જૈન સમગ્ર ગતિવિધિનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ બન્ને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે જીવંત સંપર્કથી ટીમ ગુજરાતને આગળ વધારી રહ્યા છે.

અમરેલીમાં જાયન્ટ કીલર અને અજેય યોઘ્ધા વચ્ચે જંગ જામશે

સૌરાષ્ટ્રના રાજકારણના બે ધૂરંધર યુવાનો ભાજપના બાવકુ ઉંધાડ અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે આ વખતે અમરેલી બેઠક પરથી ભીડંત થવાની છે. યુવા પાટીદારો ચહેરા તરીકે પરેશ ધાનાણીનો રાજકીય ક્ષિતિજે ૨૦૦૨માં ઉદય થયો હતો ત્યારથી સતત તેમણે અમરેલીની બેઠક પરથી ભાજપના ખેરખાં ગણાતા ઉમેદવારોનો જ સામનો કર્યો છે. જેમાં તેઓ બે વાર સફળ અને એકવાર નિષ્ફળ નીવડ્યાં છે. બાવકું ઉંધાડે ૧૯૯૮, ૨૦૦૨માં બાબરાની બેઠક પરથી બે વાર ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવારોને પરાસ્ત કર્યા છે. જ્યારે ૨૦૦૭માં બાબરા અને ૨૦૧૨માં લાઠીની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવારોને હાર આપી છે. આ વખતે ૨૦૧૭ની ચૂંટણીમાં તેઓ બાબરા કે લાઠીને બદલે અમરેલીની બેઠક પરથી કોંગ્રેસના યુવા પાટીદાર સામે બળાબળાના પારખાં કરી રહ્યાં છે.

કોણ હારશે, કોણ જીતશે / તે કહેવું તો શક્ય નથી પરંતુ બાવકું ઉંધાડ ચૂંટણીના મેદાનના અજય યોધ્ધાં મનાય છે તો બીજબીજુ ૨૦૦૨ની ચૂંટણીમાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્દર મોદીની લોકપ્રિયતાની ચરમસીમા વચ્ચે પણ પરેશ ધાનાણીએ ભાજપના સિનિયર-મોસ્ટ પરષોત્તમ રુપાલાને તો ૨૦૧૨માં દિલીપ સંઘાણીને પરાસ્ત કર્યા હતા. તેઓ ૨૦૦૭માં પરાજિત જરુર થયા હતા પણ કોંગ્રેસમાં છેલ્લી ટર્મ દરમ્યાન તેમની સ્વીકાર્યતાનો ગ્રાફ ઉંચો આવ્યો છે. તેઓ હજુ તો યુવાન હોવાછતાં એક તબક્કે તેમને વિરોધ પક્ષ નેતા કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ જેવા પ્રતિષ્ઠાના પદે નિયુક્ત કરવાની બાબત પણ હાઈકમાન્ડ કક્ષાએ વિચારણામાં લેવાઈ હતી.

૨૦૦૨ની ચૂંટણીમાં પણ તેઓ બાબરાની બેઠક પરથી જ વીરજી ઠુમ્મર સામે ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ તેમણે કોંગ્રેસના આ સિનિયરને ૧૩,૮૦૦ વોટથી પરાસ્ત કર્યા હતા. દરમ્યાનમાં બાવકું ઉંધાડને ભાજપ સાથે મેળ ન બેસતા તેઓ મંત્રીપદુ ઠુકરાવીને કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ૨૦૦૭ની ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૨ની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ જીત્યા હતા. પરંતુ આ વખતે તેઓ બાબરાની બેઠકને બદલે લાઠીમાં ચૂંટણી લડ્યા હતા આ વખતે તેમણે ફરી બેઠક બદલી છે.

આ વખતે તેઓ બાબરા, લાઠીમાંથી નહીં પણ અમરેલીની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉર્ત્યા છે. જોકે, આ વખતે તેમનો સામનો સરળ નથી કેમકે તેઓ અમરેલી બેઠક પરથી કોંગ્રેસના યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણી સાથે બાથ ભીડી રહ્યાં છે. અમરેલીની બેઠક પરેશ ધાનાણીની હોમ-પીચ સમાન છે. આ વખતની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ બંન માટે સરળ નથી હવે, કોણ કોને હારવશે તેનો ફેંસલો તો ૧૮મી, ડિસેમ્બરે આવનારા પરિણામ પછી જ જાણી શકાશે. સામાન્ય રીતે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં, પણ એકમેકના મિત્ર મનાતા ઉંધાડ અને ધાનાણી આ વખતે આમનેસામને થયા છે એટલે આ બેમાંથી કોઈએક જ મિત્ર વિધાનસભા સુધી પહોંચી શકશે તે નક્કી છે.

કોંગ્રેસમાં SC અનામત બેઠકોનો બે કરોડ ભાવ ખૂલ્યો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ તબક્કાના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરીને ઉમેદવારો બદલ્યા પણ છે અને હજુ કેટલીયે બેઠકો અંગે દ્વિધા પ્રવર્તી રહી છે ત્યારે અનુસૂચિત જાતિની ૧૩ બેઠકો માટે રૂ. ૫૦ લાખથી બે કરોડ રૂપિયા સુધીના ભાવ ખુલ્યા હોવાની ચર્ચાએ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. જાણકારો કહે છે કે, આ વખતે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવા માગતા દાવેદારોની સંખ્યામાં અકલ્પનિય વધારો થયો છે અને ઉમેદવારોની લાઈનમાં સનદી અધિકારીઓથી માંડીને છેક વોર્ડ કક્ષાના કાર્યકરો પણ મેદાનમાં આવી ગયા છે. જો કે, આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તેની તપાસ કોંગ્રેસે કરવી

રહી પરંતુ કેટલાક કાર્યકરો-આગેવાનોએ આ અંગે દિલ્હીમાં ઉચ્ચસ્તરે રજૂઆત કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. કોંગ્રેસે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકમાંથી અત્યારસુધીમાં ૭ અનામત બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં એકાદ અપવાદને બાદ કરતાં મોટાભાગના નવા ચહેરાને ઉમેદવાર જાહેર કરાય છે.  કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાંથી પ્રદેશના નેતાઓની ભૂમિકા લગભગ નાબૂદ કરી દીધી છે અને ખાનગી

સરવે હોય કે દરેક વિધાનસભાની બેઠકની ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવાની કામગીરી માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની ટીમને કામે લગાડી છે.

આ ટીમ દ્વારા ડીટેઈલ અહેવાલને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં જાહેર કરેલાં જઈ બેઠકના સાત ઉમેદવારોમાંથી છ નવા ચહેરા છે જ્યારે માત્ર ગઢડાની બેઠક પરથી ગત ચૂંટણી હારેલાં પ્રવીણ મારુને આ વખતે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ આગેવાને જણાવ્યું કે, અહેવાલ સુધી બધુ ઠીક છે પરંતુ આ અહેવાલનો દુરુપયોગ ચૂંટણી લડવા માગતા દાવેદારોને ખંખેરવા માટે થઈ રહ્યો છે. અલબત્ત, કોંગ્રેસમાં ટિકિટો ફવેચવાનો આ આરોપ નવો નથી.

અગાઉ પણ ૨૦૦૨થી માંડીને ૨૦૧૨ની િવધાનસભાની ચૂંટણીમાં અનેક બેઠકોની ટિકિટો વેચવામાં આવી હોવાના આરોપ લાગ્યા હતા, પરંતુ આ વખતે લાગેલાં આરોપો એટલા માટે ગંભીર છે કે, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તુન કરવામાં આવ્યું છે અને માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે તેવો દાવો થઈ રહ્યો છે. જો કે હવે એ જોવાનું રહ્યું કે કોંગ્રેસ હાઇ કમાન્ડ આ બાબતે કોઇ નક્કર પગલા લે છે કે પછી હોતી હૈ ચલતી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.