Abtak Media Google News

અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના વરિષ્ઠ ભાજપી આગેવાનોએ

સી.કે. પટેલ સહિતના પાટીદાર આગેવાનો સાથે યોજી મહત્ત્વપૂર્ણ બેઠક

લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજયમાં ફરીથી તમામ ૨૬ બેઠકો જીતવા ભાજપ શામ, દામ, દંડ અને ભેદની ચાણકય નીતિ અપનાવી રહ્યું છે. જેના ભાગરૂપે ભાજપથી નારાજ મનાતા તમામ સમાજોનાં આગેવાનો સાથે ભાજપના વરિષ્ટ આગેવાનો બેઠકો યોજીને તેમની નારાજગી વ્યકત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. રાજયમાં અનામત આપવાની માંગ કરી રહેલા પાટીદાર મતદારો સત્તા મેળવવા માટે મહત્વનું પરિબળ મનાય છે. છેલ્લા થોડા વર્ષોથી પાટીદારો ભાજપ સરકારથી નારાજ મનાતા હોય તેમને ચૂંટણી પહેલા મનાવવા ભાજપે વ્યૂહ રચના ઘડી કાઢી છે. આ વ્યૂહ રચનાના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ ગઈકાલે વિશ્ર્વ ઉમિયા ધામના સી.કે. પટેલ સહિતના પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપ તરફથી અમિત શાહ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વગેરે જોડાયા હતા.

આ બેઠકમાં રાજયની જે જે બેઠકો પર પાટીદાર મતદારો પ્રભાવશાળી છે તે અંગેની આગામી ચૂંટણી માટે હાલની પરિસ્થિતિની ચર્ચા ઉપરાંત નારાજ પાટીદાર મતદારોની નારાજગી દૂર કરીને ફરીથી ભાજપ સાથે કેવી રીતે જોડી શકાય તે મુદે સઘન ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ અંગે પાટીદાર આગેવાન સી.કે. પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા, આ આંદોલન દરમ્યાન પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા ૧૪ યુવાનોના એક પરિવારજનોને સરકારી નોકરી આપવા તથા આર્થિક પછાત સર્વણોના ઉત્કર્ષ માટે ભાજપ સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓનાં યોગ્ય અમલીકરણ કરવા મુદે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતુ જો કે, તેમને આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઈ ચર્ચા થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો.

પટેલે એવો પણ દાવો કર્યો હતો કે પાટીદાર આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસમાં બાધારૂપ અનેક પ્રશ્ર્નો અંગે ભાજપના સત્તાધારી આગેવાનોને રજૂઆતો કરી હતી. આ પ્રશ્ર્નો અંગે જેમનો પ્રતિભાવ હકારાત્મક હોવાનું જણાવ્યું હતુ. આ બેઠકમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલ પાસ આગેવાન હાર્દિક પટેલના મુદે કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ હોવાનો પટેલે ઈન્કાર કરતા પટેલે દાવો કર્યો હતો કે પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે છે અને રહેશે તેમાં કોઈપણ શંકા નથી ભાજપ સરકારનો પાટીદાર સમાજ માટે હકારાત્મક અભિગમ છે. ત્યારે આ ચૂંટણીમાં યુવાનોને ગેરમાર્ગે નહી દોરાવવા અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, એનઆરઆઈ પાટીદાર આગેવાન સી.કે.પટેલ વિશ્ર્વ ઉમિયા ધામ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. રાજયમાં પાટીદાર સામજ માટે ગાંધીનગર પાસે ૧ હજાર કરોડ રૂ.ના ખર્ચે બની રહેલા સૌથી મોટા સંકુલના તાજેતરમાં થયેલા ભૂમિપૂજનના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપનારા પણ સી.કે.પટેલ જ હતા.

તેઓ સાબરકાંઠા બેઠક પર ભાજપની ટીકીટના મજબૂત દાવેદાર મનાતા હતા. પરંતુ ભાજપે આ બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને ટીકીટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેથી, પટેલ ભાજપથી નારાજ હોવાની વિગતો પણ બહાર આવવા પામી હતી જેથી તેમની નારાજગી દૂર કરવાના નામે આ બેઠકમાં ભાજપે સમગ્ર પાટીદાર સમાજની નારાજગી દૂર કરવા વ્યૂહ રચના બનાવી ચર્ચા વિચારણાઓ કરી હતી. રાજયના કુલ મતદારોનો ૧૫ ટકા જેવો હિસ્સો ધરાવતા કડવા , લેઉવા પાટીદારો ૧૯૮૪-૮૫થી ભાજપ માટે મોટી વોટબેંક મનાતી હતી ૨૦૧૫માં આર્થિક પછાત પાટીદારોને ઓબીસી કવોટામાં સમાવવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલનનો પ્રારંભ થયો હતો. આ આંદોલન દરમ્યાન રાજયના અનેક સ્થાનો પર હિંસક દેખાવો થયા હતા. આ હિંસક દેખાવો રોકવા ગયેલા પોલસી તંત્રનો જવાબી કાર્યવાહીમાં પાટીદાર સમાજના ૧૪ રાજયનો પાટીદાર સમાજ ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યો છે.

પાટીદાર અનામત આંદોલ બાદ યોજાયેલી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પાટીદારોએ ભાજપની વિરૂધ્ધમાં મતદાન કરતા રાજયની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને સત્તા પ્રાપ્ત થઈ હતી ૨૦૧૭માં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારોએ ભાજપ વિરૂધ્ધમાં મતદાન કરતા ભાજપ માંડ પાતળી બહુમતી મેળવી શકયું હતુ. જેથી ભાજપે પાટીદારોની જગ્યાએ ઓબીસી મતદારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ. ઓબીસી સમાજના સક્ષમ આગેવાનોને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવીને ભાજપે ઓબીસી સમાજના મતદારો પર પોતાનું પ્રભુત્વ મજબૂત બનાવ્યું છે.તાજેતરમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા તેનો પાટીદાર સમાજમાં જ વિરોધ થયો હતો.

પાટીદાર સમાજના આગેવાનોમાં પ્રદેશ કોંગ્રેસમાં હાઈકમાન્ડ દ્વારા તેમની અવગણના થતી હોવાની અવાર નવાર ફરિયાદો ઉઠતી રહે છે. જેથી આગામી ચૂંટણી પહેલા મહેનત કરવામાં આવે તો પાટીદાર મતદારોને ફરીથી ભાજપ સાથે જોડી શકાય તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે. જેથી, વર્તમાન સમયમાં ભાજપના રાજકીય ચાણકય ગણાતા અમિત શાહે વ્યૂહરચના ઘડી કાઢીને ચૂંટણી પહેલા પાટીદાર આગેવાનો સાથે આ બેઠકો યોજીને આ મુદે દાણો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પાટીદાર આગેવાનો દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં ભાજપ પાટીદાર મતદારોની નારાજગી કરવા સમાજની વિવિધ માંગણીઓ પર યોગ્ય વિચારણા કરે તેવી સંભાવના રાજકીય પંડીતો જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.