Abtak Media Google News

અમરેલી, સાવરકુંડલા, અને બગસરા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના આંતરિક જૂથવાદને કારણે જ કોંગ્રેસને હાર સહન કરવાનો વારો આવ્યો છે અને ભાજપે સત્તા હાંસલ કરી છે. આથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં વધુ એકવાર ગાબડું પડ્યું છે.

કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં આજે ફરી એકવાર કોંગ્રેસને પોતાના જ જૂથવાદના કારણે હાર સહન કરવી પડી છે. અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ પક્ષ તરફથી બાલુબેન પરમાર અને સંદીપ ધાનાણીના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો.

પરંતુ કોંગ્રેસના જ એક બળવાખોર જૂથે પાર્ટીના આદેશનો અનાદર કરી ભાજપ જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ-ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. તો બીજી તરફ સાવરકુંડલા પાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે શાસન છીનવી લીધું છે. આવી જ હાલત બગસરામાં પણ જોવા મળી અને કોંગ્રેસને અહીં પણ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.