Abtak Media Google News

કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે  ભરતભાઈ થડોદા અને ઉપ પ્રમુખ માટે લાભુબા જટુભા ઝાલા જયારે ભાજપ પક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ માટે બળદેવભાઈ સોનગ્રાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી

હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખના ભાજપ અને કોંગ્રેસના બન્ને પક્ષો દ્વારા ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો ફેલાયો છે.

હાલ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજા હોય પરંતુ કોંગ્રેસના બે સભ્યો કોંગ્રેસથી સંપર્ક વિહોણા બની જતા અનેક તર્ક-વિર્તક સર્જાયા છે.

હળવદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપ પ્રમુખની સમયમર્યાદા પૂર્ણ થતા આજરોજ કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે રણમલપુર ગામના ભરતભાઈ થડોદા અને ઉપ પ્રમુખ માટે ખોડ ગામના લાભુબા જટુભા ઝાલાએ તાલુકા વિકાસ અધિકારી એ.જી. દેસાઈ સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જયારે ભાજપ પક્ષમાંથી ધનાળા ગામના ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ માટે ચરાડવા ગામના બળદેવભાઈ સોનગ્રાએ દાવેદારી નોંધાવતા હળવદ પંથકમાં રાજકીય ગરમાવો છવાયો છે. ત્યારે હળવદ કોંગ્રેસ પાસે ૧૧ સભ્યપદો હોય અને ભાજપ પક્ષ પાસે ૯ સભ્યપદ હોય ત્યારે આવતીકાલે ખરાખરીનો જંગ જાવા મળશે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હળવદ કોંગ્રેસના બે તાલુકા પંચાયતના સભ્યો છેલ્લા દસેક દિવસથી ગુમ હોય અને હાલ ભાજપની છાવણીમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવતીકાલે બુધવારે સવારે ડેપ્યુટી કલેકટર દમયંતીબેન બારોટના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ ટર્મમાં તાલુકા પંચાયત પર કોંગ્રેસના પંજાની પકડ હોય પરંતુ કોંગી બે સભ્યો ભાજપની છાવણીમાં હોવાનું સામે આવતા હવે કોંગ્રેસના પંજાની પકડ યથાવત રહેશે કે ભાજપનો ભગવો લહેરાશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.