Abtak Media Google News

દેવ-દર્શન કરી, સંતો-મહંતોના આશિર્વાદ લઈ શુભ વિજય મુહૂર્તે સમર્થકોની બહોળી ઉપસ્થિતિમાં નામાંકન: કાલથી ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડશે

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ હોય. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે બેઠક માટે ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરી દેવામાં આવી છે તે બેઠકો માટે આજે વાજતે-ગાજતે અને વિજય વિશ્ર્વાસ સાથે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. બાકી રહેતી બેઠકો માટે આવતીકાલે ફોર્મ ભરશે.

૧૮૨ બેઠકો પૈકી ભાજપે બે તબકકામાં ૧૦૬ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તો કોંગ્રેસે માત્ર ૭૭ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની અનેક બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાની ૮ બેઠકો પૈકી ભાજપે રાજકોટ પશ્ર્ચિમ, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ બેઠક માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તો સામાપક્ષે કોંગ્રેસ રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી બેઠક માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોય ભાજપ અને કોંગ્રેસ બાકી રહેતી બેઠકો માટે આજ સાંજ સુધીમાં પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે.

જે બેઠકોમાટે ઉમેદવારોના નામો જાહેર થઈ ગયા છે તે બેઠકો પર આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ દેવ-દર્શન કરી સંતો-મહંતોના આશીર્વાદ લઈ સમર્થકોની બહોળી ઉપસ્થિતિ સાથે વિધિવત નામાંકન પત્રક દાખલ કર્યું હતું. રાજયમાં મોટાભાગની બેઠક પર આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે પરંતુ અમુક બેઠકો પર માંધાતા નેતાઓ અપક્ષ ઉમેદવાર કે અન્ય પાર્ટીમાંથી લડતા ઉમેદવારો પણ બંને પક્ષને બરાબરની ફાઈટ આપે તેવી સંભાવના જણાઈ રહી હોય અહીં ત્રિ-પાંખીયા જંગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.