Abtak Media Google News

ભાજપને સફળતાનાં ટોચના શિખરે પહોંચાડવામાં મોદીના નિષ્ઠાવાન સાથી અને કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની ઐતિહાસિક હિંમત દાખવનાર ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ગુજરાતની પ્રજા સ્વાગત કરે છે: રાજુભાઇ ધ્રુવ

ગત ઓગસ્ટ, ૨૦૧૪ માં ભાજપા અધ્યક્ષ તરીકે સત્તાવાર વરણી થયા પછી પાર્ટીને યોગ્ય દિશા આપવામાં અનન્ય પ્રદાન કરનાર, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની નીતિઓ અને યોજનાઓને જન જન સુધી પહોંચાડવાની રણનીતિઓ ઘડનાર અને દરેક ચૂંટણીઓની સફળ  વ્યૂહરચના ઘડનાર  અમિતભાઈ શાહ કેન્દ્રમાં ગૃહમંત્રી બન્યા અને કાશ્મીરની ૩૭૦મી કલમ નાબૂદ કર્યા પછી સૌ પ્રથવાર ગુજરાતની મુલાકાતે પધારી રહયા હોઈ ત્યારે  સમગ્ર ગુજરાતની પ્રજા તેમને હૃદયપૂર્વક સત્કારવા માટે અત્યંત ઉત્સાહિત છે પરંતુ, તાજેતરમાં  અરૂણ જેટલીજીનું અવસાન થયું હોય  અમિતભાઈએ કોઈ જ રંગારંગ કાર્યક્રમોનું આયોજન નહીં કરવા અને સંપૂર્ણ સાદાઈથી કાર્યક્રમો યોજવાની  સલાહ આપી છે ત્યારે ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર કચ્છ પ્રવક્તા  રાજુભાઈ ધ્રુવે  અમિતભાઇ શાહને ઉમળકાભેર શાબ્દિક આવકાર આપ્યો છે.

એક નિવેદનમાં  ધ્રુવે જણાવ્યું છે કે,  અમિતભાઈ ભાજપા અધ્યક્ષ બન્યા ત્યારે પાર્ટીના સભ્યોની સંખ્યા લગભગ ૩.૬ કરોડની આસપાસ હતી. અધ્યક્ષ બન્યા પછી તેમણે પાર્ટીના જનાધારને મજબૂત કરવાની દિશામાં કામ શરૂ કર્યું. દેશવ્યાપી સદસ્યતા અભિયાન ચલાવ્યું અને જાતે અનેક રાજ્યમાં ફરીને અભિયાનને ઉત્તેજન આપ્યું. માત્ર એક વર્ષ કરતાં પણ ટૂંકાગાળામાં પાર્ટીના સભ્યોની સંખ્યા દશ કરોડને પાર થઈ ગઈ. આ અમિતભાઈ શાહની રણનીતિનું જ પરિણામ હતું.

અમિતભાઈ  શાહ નરેન્દ્રભાઈ મોદીની કોઈ પણ યોજનાને નક્કર સ્વરૂપ આપવા માટે પણ જાણીતા છે. મોદીજી કોઈપણ યોજના બનાવે ત્યારે તેને લાગૂ કરવાની જવાબદારી અમિતભાઈ શાહના ખંભે હોય છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એકબીજાના પૂરક છે. બંનેએ સાથે મળી પક્ષ અને દેશમાં આદર્શ રાજનૈતિક વાતાવરણ ઊભું કર્યું છે. આ પ્રકારનું વાતાવરણ ભારતના લોકો માટે અત્યાર સુધી એક સ્વપ્ન જ હતું. આઝાદી પછી મોટા ભાગના વર્ષો સુધી શાસનમાં રહેલી કોંગ્રેસી સરકારોએ દેશને દિશાવિહીન નેતૃત્વ જ આપ્યું અને હંમેશા દેશ પહેલા પાર્ટી અને અંગત ફાયદાઓને પ્રાથમિકતા આપી. આ વિષચક્રને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીવાળી સરકારે તોડ્યું અને તેમાં મહત્વનો ભાગ ભજવ્યો અમિતભાઈ શાહની આગેવાનીવાળી ભાજપા ના કરોડો કાર્યકર્તાઓએ .

અમિતભાઈ શાહે પાર્ટીને સરકારની યોજનાઓની વાહક બનાવી છે. સરકાર જ્યાં સુધી ન પહોંચી શકે ત્યાં સુધી અમિતભાઈ શાહ રણનીતિ સાથે પહોંચી જાય છે. ધીમે-ધીમે ભાજપ તરફી વાતાવરણ તૈયાર કરે છે અને આખરે તે વિસ્તારને ભાજપની ઝોળીમાં ઉમેરી દે છે.

૨૦૧૪ માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની પછી તેઓ અધ્યક્ષ બન્યા અને સતત પાંચ વર્ષ સુધી આ જવાબદારી નિભાવી. પણ ૨૦૧૯ માં ફરીથી ભાજપની સરકાર બની ત્યારે તેમની જરૂરિયાત પાર્ટી કરતાં રાષ્ટ્રીય સ્તરે વધુ અનુભવાઈ. પાર્ટીએ દેશહિતને પ્રાધાન્ય આપતા અમિતભાઈ શાહને ગૃહમંત્રી બનાવ્યા અને રાષ્ટ્રીય સ્તરે કામ કરવા માટે મોકલ્યા. આ જવાબદારી બહુ મોટી હતી.

ગૃહ મંત્રાલય સંભાળતાં જ તેમણે આંતરિક સ્તરે દેશ ઘર કરી ગયેલી સમસ્યાઓના નિવારણ માટે ધમધમાટ શરૂ કરાવ્યો. દેશના દરેક પ્રશ્ન માટે અલગઅલગ રણનીતિ બનાવી અને તેને લાગૂ કરવા માટે મહેનત કરવા લાગ્યા. આમાં સૌથી વધુ જટિલ પ્રશ્ન હતો કાશ્મીરનો. આઝાદી પછીથી કાશ્મીર ભારત માટે કાયમ માથાનો દુ:ખાવો સાબિત થયું છે. જે તે સમયે સ્થાનિક હિતોને સંતોષવા માટે બંધારણમાં અમુક એવી કલમો ઉમેરવામાં આવી હતી કે જે આગળ જતાં ભારતની એકતા અને અખંડિતતા માટે અડચણ સાબિત થઈ રહી હતી. અત્યાર સુધી કોઈ પણ સરકારે આ મુદ્દાને છંછેડવાની હિંમત કરી ન હતી. કારણકે ક્યારેક તેમની રાજકીય પ્રતિકૂળતા અથવા  ઈચ્છાશક્તિની ઉણપ સામે આવતી હતી તો ક્યારેક રાજકીય રોટલા અભડાઈ જવાનો ડર સતાવતો હતો. આ વિસ્તારમાં કાયમ માટે ડર અને તિરસ્કારની રાજનીતિ જ હાવી થયેલી હતી. કોઈ સરકારે પ્રેમ અને વિકાસની વાત જ કરી ન હતી.

એવામાં ગૃહમંત્રી તરીકે  અમિતભાઈ શાહે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શન હેઠળ   કાશ્મીર સમસ્યાનું કાયમી નિરાકરણ શોધવાનું બીડું ઝડપ્યું. અનેક સંભાવનાઓ પર વિચાર કર્યા પછી આખરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો. આંગળીના વેઢા પણ વધી પડે એટલા લોકોને જ આ પ્લાન વિશે જાણકારી હતી. એક તરફ અમિતભાઇ શાહ  ની વ્યૂહરચના અનુસાર  કાશ્મીરમાં સુરક્ષાબળોનો ખડકલો થઈ રહ્યો હતો અને જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ રહી હતી તો બીજી તરફ ગૃહમંત્રાલયમાં ખુદ અમિત શાહ કાશ્મીર સમસ્યાની આખરી દવા તૈયાર કરી રહ્યા હતા.

આખરે,  શાહે સંસદમાં વાંધાજનક કલમ રદ્દ કરવા માટે પ્રસ્તાવ મૂકયો એ સાથે જ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ની સાથે અમિતભાઈ શાહનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું.

પોતાના નિર્ણય ઉપર અભૂતપૂર્વ અડગતા બતાવતાં તેમણે સંસદમાં કહેલું કે, કાશ્મીર માટે અમે જીવ આપવા પણ તૈયાર છીએ. આ એક જ વાક્યથી તેમણે વિરોધી શક્તિઓને સરકારની અડગતાનો પરચો બતાવી દીધો હતો.

ગૃહમંત્રી બન્યા પછી અમિતભાઈ શાહ પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગુજરાતના કાર્યકર્તાઓ અને નેતાઓમાં તેમને આવકારવાનો અનેરો ઉત્સાહ હતો પણ આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા  અરુણ જેટલીજીનું અવસાન થતાં ખુદ અમિતભાઈ શાહે તમામ સ્વાગત કાર્યક્રમો રદ્દ કરાવીને સ્વર્ગસ્થ નેતા પ્રત્યે પોતાનો ભાવ વ્યક્તિ કરીને કરોડો લોકોના દિલ જીત લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.