બીટકોઈનનું ‘ભૂત’ જામનગર પહોચ્યું જયેશ પટેલ સામે ફરી મેદાને પડતી નિશા

ભૂમાફિયા જયેશ પટેલ સામે પોલીસમાં ફરિયાદ કરી ચુકેલી નિશા ગોંડલીયા લાંબા સમય બાદ ભુગર્ભમાંથી બહાર આવી, જયેશ વિરુદ્ધ એસપીને પંદર મુદ્દાઓનું આવેદન આપ્યું

આંતરિક લડાઈમાં તંત્રનો હાથા તરીકે ઉપયોગ કરવામાં અમુક તત્વો કોઈ કસર છોડતા ન હોય તેવો ઘાટ ઘડાયો

બીટકોઈનનું ’ભૂત’ નિશા ગોંડલીયા ફરી મેદાને પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં રહેલી નિશા ગોંડલીયા ફરી મેદાને પડીને કાલે સામે આવી હતી. તેને જયેશ પટેલ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને પંદર મુદ્દાઓ સાથેનું આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બનાવ પરથી ચોક્કસ કહી શકાય કે આંતરિક લડાઈમાં તંત્રનો હાથા તરીકે ઉપયોગ કરવામાં અમુક તત્વો કોઈ કસર છોડી રહ્યા નથી.

જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે અગાઉ પોલીસમાં ફરિયાદ કરી ચૂકેલી નિશા ગોંડલીયાએ એસપી કચેરીએ રજુઆત માટે પહોંચી પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેણીએ પોતાની પાસે રહેલું જુદા જુદા પંદર મુદ્દાવાળુ આવેદન સોંપ્યુ છે. તેણીએ વધુ એક વખત જયેશ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જામનગરમાં ભારે કુખ્યાતિ પામી ચૂકેલા ભૂમાફીયા જયેશ પટેલ દ્વારા થોડા દિવસ પહેલા કેટલીક ઓડિયો ક્લીપ જાહેર કરવામાં આવી છે. જેમાં તેણે જુદા જુદા આક્ષેપો કરવા ઉપરાંત કેટલીક વાંધાજનક બાબતો પણ ઉચ્ચારી છે ત્યારે અગાઉ જયેશ પટેલ સામે મેદાને પડનાર નિશા ગોંડલીયાએ ગઈકાલે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની કચેરીએ પહોંચી પોતે જયેશ સામેના કેટલાક કેસની વિગતો જાણતી હોય જયેશ તથા તેના સાગરિતોને ખુલ્લા પાડવા અને તે માટેની વિગતો આપવા એસપી કચેરીએ આવી હોવાનું પત્રકારોને જણાવ્યું હતું.

ગયા વર્ષે નિશા ગોંડલીયાએ આંતરરાષ્ટ્રીય ચલણમાં રહેલા બીટકોઈન પ્રકરણમાં પોતાના બનેવી પાસેથી જયેશ પટેલે કરોડોની કિંમતના બીટકોઈન પડાવી લીધા હોવાની ફરિયાદ કર્યા પછી ખંભાળીયા હાઈ-વે પર પોતાના પર જયેશના મળતીયાઓએ ફાયરીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. તે પછી લોકડાઉનના સમય દરમ્યાન અત્યંત ચૂપ રહેલી નિશા ગોંડલીયા ફરીથી બહાર આવી છે. તેણે ગઈકાલે જયેશ સામે અન્ય કેટલાક પણ આક્ષેપો કર્યા છે.

Loading...