Abtak Media Google News

બિમલ શાહની પસંદગી કરવામાં આવતા કાળુભાઈ ડાભીએ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા ખળભળાટ

લોકસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસનું ઘર ફરી સળગવા લાગ્યું છે. ખેડા લોકસભા બેઠક માટે કોંગ્રેસે બિમલભાઈ શાહને ટીકીટ આપતા કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ આજે સવારે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજયની ૨૬ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે છતાં હજુ કોંગ્રેસ ભરૂચ અને દાહોદ બેઠક માટે ઉમેદવારોના નામ નકકી કરી શકી નથી. નામ જાહેર કરવામાં આવે તો પક્ષમાં બળવાની સ્થિતિ સર્જાય તેવી ભીતિના કારણે આ બંને બેઠકો પર ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપી દેવામાં આવી તેવી શકયતા હાલ જણાઈ રહી છે.

કોંગ્રેસ દ્વારા બે દિવસ પૂર્વે ૧૭ ખેડા લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે બિમલભાઈ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન બિમલભાઈ શાહની પસંદગી બાદ નારાજ કપડવંજ વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય કાળાભાઈ રઈજીભાઈ ડાભીએ ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને ગઈકાલે એક ધગધગતો પત્ર લખ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ખેડા બેઠક માટે પક્ષે બિમલભાઈ શાહની પસંદગી કરી હોવાનું જાણવા મળતા પાર્ટીના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરો ખુબ જ દુ:ખી થયા છે અને તેના વિરોધમાં મારા સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.

ખેડા બેઠક માટે ઉમેદવાર તરીકે બિમલભાઈ શાહની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસનું ઘર ભડભડ સળગી રહ્યું છે. ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા રાજયમાં રાજકીય ભુકંપ સર્જાય ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.