Abtak Media Google News

મિત્ર સાથે મોડી રાત્રે નાસતો કરવા જતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા: પરિવારમાં શોક

લોધીકા તાલુકાના મેટોડા જીઆઈડીસી પાસે કાર હડફેટે બાઈક સવાર રાજકોટના યુવાનનું મિત્રની નજર સામે જ મોત નિપજયું હતું. મિત્રને ઈજા થતા સારવાર અર્થે દાખલ કરાયો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના દેવપરા વિસ્તારમાં આવેલી મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા જુગલભાઈ હરેશભાઈ મોરડીયા નામનો ૨૫ વર્ષનો પટેલ યુવાન ઈન્દ્રપ્રસ્થનગરમાં રહેતા મિત્ર ચેતનભાઈ કાંતિભાઈ ચોટલીયા (ઉ.વ.૨૮) ના બાઈક પાછળ બેસી મોડી રાત્રે મેટોડા નાસતો કરવા જઈ રહ્યા હતા તે સમયે અજાણી કારના ચાલકે બાઈકને મેટોડા જીઆઈડીસી પાસે હડફેટે લેતા બંને મિત્રો ફંગોળાયા હતા. જેમાં જુગલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજયું હતું. જયારે ચેતનભાઈ ચાટેલીયાને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

મૃતક જુગલભાઈ મોરડીયાના માતા-પિતાએ પાંચેક માસ પૂર્વે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધા હોવાનું અને જુગલભાઈ એકની એક બહેનનો એકલૌતો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધીકા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.