ભુસ્તર ૧૩ ફૂટ ઉંચુ આવ્યું: ૧૫૯૩૦ લાખ કયુબીક મીટર પાણીનો સંગ્રહ વઘ્યો !!!

115

ચાલુ સાલ વરસાદની કમાલ!!!

જળશક્તિ મંત્રાલય દ્વારા આંકડા જાહેર ડાર્કઝોનમાં પણ ભૂગર્ભ જળના સ્તર વધ્યા હોવાનો અભ્યાસ

ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ સારૂ રહેતા સૌથી વધુ ફાયદો ભૂજળની સપાટીમાં થયો છે. ભૂજળ ૧૩ ફૂટ ઉંચા આવ્યા છે. જેના પરિણામે ૧૫૯૩૦ લાખ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ વધવા પામ્યો છે. વરસાદના કારણે રાજ્યના ભૂતળ ઉંચા આવતા આગામી વર્ષે લોકોને પાણીની ખેંચ નહીં પડે તેવું માનવામાં આવી રહ્યું છે. જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના પગલે રાજ્યમાં અનેક સ્થળોએ પાકને નુકશાન પહોંચ્યું છે. પરંતુ વરસાદના પગલે અન્ય કેટલાક ફાયદા પણ લોકોને થયા છે. રાજ્યમાં ભૂગર્ભ જળ સુકાઈ રહ્યું હોવાની વાત વારંવાર ઉચ્ચારવામાં આવી હતી. જેના પગલે પાણીની કટોકટી મામલે ચિંતાઓ વધી હતી. જો કે, ચાલુ વર્ષે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ સારો થયો છે. જેના પગલે ૧૫૯૩ મીલીયન કયુબીક મીટર પાણી ભૂતળમાં વધ્યું છે. છેલ્લા થોડા મહિનામાં આ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ પરિસ્થિતિ ગણવામાં આવે છે. પાણીનું સ્તર ૧૩ ફૂટ જેટલું વધતા આગામી સમયમાં મુશ્કેલી નહીં પડે તેવું લોકોનું માનવું છે.

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતા વ્યાપી હતી. જો કે, ત્યારબાદ વરસાદે સટાસટી બોલાવી હતી અને છેક સુધી મેઘરાજા મહેરબાન રહ્યાં હતા. ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉદભવી હતી. આવા સંજોગોમાં ભૂતળમાં પાણીનો સંગ્રહ વધવા પામ્યો હતો. સરકારી સુત્રો પાસેથી મળતા આંકડા મુજબ રાજ્યમાં ૧ થી લઈ ૪ મીટર સુધી પાણીના તળ ઉંચા આવ્યા છે. પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા ચલાવવામાં  આવતી યોજનાઓને ફાયદો થશે તેવું માનવું અતિશ્યોક્તિ નથી. પરંતુ જો વર્ષ ૨૦૧૩માં કેન્દ્ર સરકારે ઘડી કાઢેલી યોજનાઓની અમલવારી યોગ્ય રીતે થઈ શકી હોત તો રાજ્યમાં ભૂગર્ભ જળનું પ્રમાણ વધી ગયું હોત.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (સીજીડબલ્યુબી) દ્વારા ભૂતળને નવા પાણીથી રીચાર્જ કરવા માટે ૨૦૧૩માં માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જો કે, ગુજરાતમાં આ પ્લાનની અમલવારી થઈ ન હોવાનું જાણવા મળે છે. ભૂજળને રિચાર્જ કરવાની જગ્યાએ ડીસીલેશન પ્લાન્ટમાં રોકાણ કરવાનું પ્રમાણ વધ્યું છે. આ મામલે સુત્રોએ જણાવ્યું હતું કે, ડીસીલેશન પ્લાન્ટ પાછળ તો ખર્ચો ખુબજ વધુ છે. આ ઉપરાંત તે પર્યાવરણને પણ નુકશાન પહોંચાડે છે. ડીસીલેશન પ્લાન્ટમાં દરિયાઈ જીવોને ખતરો છે. નાના જળચર જીવ ગુમાવે છે.

ડીસીલેશન પ્લાન્ટ પાછળ ખર્ચ કરવાથી ટૂંકા ગાળા માટે ફાયદો થઈ શકે પરંતુ તેનાથી લાંબાગાળે નુકશાન થવાની ભીતિ છે. પર્યાવરણને સૌથી વધુ નુકશાન થઈ શકે છે. દરિયામાંથી ખાથ પાણી બહાર કાઢી તેને ફિલ્ટર કરી તેને ફરી દરિયામાં નાખવાની ક્રિયામાં ઈકોલોજીને નુકશાન થાય છે. જેથી ડિસીલેશન પ્લાન કરતા ભૂગર્ભ જળના તળ ઉંચા લાવવામાં આવે તે જરૂરી છે. ૨૦૧૯માં ભારે વરસાદના પગલે ભૂગર્ભ જળના તળ ઉંચા આવ્યા છે. જો કે આવતા વર્ષે પણ આવી જ રીતે વરસાદ પડે તો ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરવામાં વધુ સરળતા રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હાલ તો વરસાદના કારણે ભૂગર્ભ જળ ૧૩ ફૂટ સુધી ઉંચા આવ્યા છે જે લોકો માટે ખૂબજ આનંદના સમાચાર છે. આ સાથે જ પાણીના સંગ્રહની શક્તિ ૧૫૯૩૦ લાખ કયુબીક સુધી પહોંચી ગઈ છે.

Loading...