વ્હાઇટ કોલર ગુનેગાર અને રાજકારણીની મદદથી ફ્રુટનો ધંધાર્થી ભૂપત બન્યો ભૂ માફિયા: વધુ બે ગુના નોંધાયા

બિલ્ડર પાસેથી ખંડણી પડાવવા અને બેડીની જમીન બાદ ભૂપત ભરવાડે માધાપર અને મોરબી રોડ પરની જમીનનું કૌભાંડ આચર્યાનું ખુલ્યું

માધાપર રેવન્યુ સર્વે નંબર ૧૧૦ ત્રણ સ્થળે નોંધાયો હોવાનો ટેકનિકલ ફાયદો ઉઠાવતા વ્હાઇટ કોલરને રેલો આવશે?

કોંગીના ધારાસભ્યના સંબંધી, પેટ્રોલિયમના ધંધાર્થી અને નામચીન બુકી સહિત ૧૫ને પોલીસનું તેડુ

માધાપરની કિંમતી જમીન અંગે પાંચ વર્ષ પહેલાં અભેરાઇએ ચડાવેલી ફાઇલ પરથી ધૂળ ખંખેરાય

રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે પાસાના કાયદામાં કડક કાર્યવાહીના સુધારા અને ગેંગસ્ટર દ્વારા આચરવામાં આવતા ગુનેગારોને નેસ્ત નાબુદ કરવા ગુજસીટોક કાયદો અમલમાં આવતા પોલીસને પોતાના ખિસ્સામાં હોવાનો ફાકો ધરવતા શખ્સોને પોલીસે લોકઅપ હવાલે કરી દીધા છે. રાજકોટના ભૂમાફિયા ભૂપત ભરવાડને રાજકીય અને પોલીસના અઘિકારીઓ સાથે સારો ધરોબો હોવાથી ઉની આચ નહી આવે તેવો ફાંકો ક્રાઇમ બ્રાન્ચે કાઢી નાખી વધુ બે ગુના નોંધવા અને તેની આખી ગેંગને કાયદાનું ભાન કરાવવા ચોક્કસ ગતિ સાથે આગળ ધપી રહી છે ત્યારે નામચીન ભૂપત અને તેની ગેંગનો ભોગ બનેલાઆ ફરિયાદ માટે પોલીસ પાસે આવી રહ્યા છે.

પેડક રોડ પર આવેલા શિવ સૃષ્ટિ પાર્કમાં રહેતા હોટલ અને બાંધકામના ધંધાર્થી ધવલ ભરતભાઇ મિરાણી પાસેથી રૂા.૭૦ લાખની ભૂપત વિરમ ભરવાડ અને રાકેશ ધીરજલાલ પોપટ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ભૂપત ભરવાડની ગેંગનો ભોગ બનેલાઓ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની હિમ્મત આવી ગઇ હોય તેમ બેડીની જમીન મામલે પણ ફરિયાદ નોંધાઇ છે. ભૂપત ભરવાડ, રાજુ ગૌસ્વામી તેનો ભાઇ હિતેશ ગૌસ્વામી સહિતના શખ્સોએ જમીનના મુળ માલિકને વ્યાજના ચક્રમાં ફસાવી જમીનનો ધાક ધમકીથી દસ્તાવેજ કરાવી વધારે જમીન પર કબ્જો જમાવ્યા અંગેનો ગુનો નોંધાયો છે.

ભૂપત ભરવાડ સામે પોલીસ નિષ્ઠા સાથે કાયદાકીય કાર્યવાહી કરતી હોવાની સામાન્ય લોકોને વિશ્ર્વાસ આવી જતા એક પછી એક ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે. ભૂપત ભરવાડ સહિતના શખ્સોએ માધાપર સર્વે નંબર ૧૧૦ કે જેનો ટેકનિકલ રીતે ત્રણ સ્થળે સર્વે નંબર હોવાનું ધ્યાને આવતા ટેકનિકલ ક્ષતિનો લાભ ઉઠાવી ભૂપત ભરવાડની ગેંગ દ્વારા જમીન હડપ કરવા કારસો રચી કરોડોની કિંમતી જમીન પર ભૂપત ભરવાડ અને શૈલેષ પોબારૂની માલિકીની જમીન હોવા અંગેના બોર્ડ લગાવી દીધા હતા. માધાપરની જમીન અંગે ઉંડી તપાસ થાય તો રેવન્યુના કેટલાયે અધિકારી અને કર્મચારીની સંડોવણી બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

હાલ લંડન રહેતા ગીતાબેન ધીરજલાલ વલેરાના કુલમુખકત્યારે છગન ગાંડુ નરશી મુળજી પટેલ, લાલુબેન નટવરલાલ સભાયા, ચંપાબેન નટવરલાલ સભાયા, પૂજન ભરતભાઇ પદમાણી, મીનાબેન વિનોદ પટેલ, મીનાબેન ભરત પદમાણી, મનજી ગોવિંદ ચીકાણી, હંસરાજ કરમશી કગથરા, દેવકરણ કરમશી કગથરા, વેલજી કરમશી કગથરા, પરેશ બચુ સાંગાણી, મેસર્સ વરૂણ ડેવલોપર્સના ભાગીદાર યુસુફ ઇશા જુણેજા, નિખીલ રાજેશ પોપટ, શૈલેષ પાબારી અને ભૂપત ભરવાડ સામે પોલીસ કમિશનરમાં અરજી આપી છે.

માધાપરની જમીન અંગે પાંચ વર્ષ પણ અરજી કરવામાં આવી હતી ત્યારે ગાંધીગ્રામ પોલીસે તપાસ કરી વિષેશ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતા માધાપર જમીન પ્રકરણીની ફાઇલ પાંચ વર્ષથી ક્રાઇમ બ્રાન્ચની અભેરાઇએ ચડી ગઇ હતી. એકાએક પોલીસના ધ્યાને માધાપરની જમીન વિવાદ આવતા ફરી અરજી મગાવવામાં આવી છે. આ ઉપરાંત મોરબી રોડ પરના અન્ય એક જમીન પ્રકરણમાં પણ ભૂપત બાબુતરની સંડોવણી બહાર આવતા નવાગામ શક્તિ સોસાયટીના ચંપાબેન મોહનભાઇ પ્રજાપતિની અરજી પણ પોલીસે મગાવી બંને અરજીના આધારે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

પાણીના ઘોડા પાસે ભૂપતની ઓફિસમાં પોલીસના દરોડા

ખંડણી પડાવવી, વ્યાજની ઉઘરાણીમાં જમીન હડપ કરવી, હત્યા, હત્યાની કોશિષ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ભૂપત વિરમ બાબુતર સામે જમીન કૌભાંડ અને બિલ્ડર પાસેથી રૂા.૭૦ લાખની ખંડણી પડાવ્યા અંગેના ગુના નોંધાયા બાદ સામાકાંઠે પેડક રોડ પર આવેલી તેની ઓફિસ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડી જડતી તપાસ કરી હતી તેમજ તેના વિસ્તારમાં આકરી પૂછપરછ કરી કાયદાનું ભાનુ કરાવ્યું હતું.