Abtak Media Google News

મુખ્યમંત્રીના કાલે રાજકોટમાં દિવસભરના અનેક કાર્યક્રમો

કાલે આમ્રપાલી અન્ડરબ્રિજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુલ્લો મુકશે: રાજકોટ શહેર અને જિલ્લાના રૂ.૫૭૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજકોટના ઇતિહાસમાં કાલે એક નવો જ અધ્યાય આલેખશે. શહેર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાલે સીએમના હસ્તે એક સાથે ચાર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આમ્રપાલી અન્ડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અવતીકાલે રાજકોટ જિલ્લામાં રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમૂહૂર્ત- લોકાપર્ણ કરશે. મહાપાલિકા અને  રૂડાના  ૪૮૯ કરોડના અને વિવિધ વિભાગોના રૂપિયા ૮૯ કરોડ મળી કુલ રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત- લોકાપર્ણ કરશે. કાલે સીએમનો રાજકોટમાં દિવસભર ખુબજ વ્યસ્ત શેડયૂલ્ડ રહેશે.

શહેરના રૈયારોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અંડરબ્રીજ, કોઠારિયા વાવડી પાણી પુરવઠા યોજના સહિતના રૂપિયા ૧૩૨.૨૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૩૯ કરોડના બે ફલાય ઓવર બ્રીજ મળી કુલ રૂપિયા ૩૦૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રીના હસ્તે  શહેરમાં રૂપિયા ૫૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આવાસ યોજનાના ૪૧૬ આવાસોનો ડ્રો કરાશે.

રાજકોટ ઓન ફાસ્ટટ્રેક તરીકે આગળ વધી રહેલા રાજકોટ શહેરને ૨૦૨૧ના વર્ષના પ્રારંભે  કાલે   કોઠારીયા ચોકડીથી આગળ તિરૂપતિ હેડવર્કસ ખાતે યોજાનારા મુખ્ય  કાર્યક્રમમાં મુખ્યમંત્રી  મહાપાલિકા- રૂડાના   ૩૦૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૧૩૨ કરોડના કામોનું લોકાર્પણ કરાશે. જ્યારે રૂપિયા ૫૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ૪૧૬ આવાસોનો ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

Fatak1

આ ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા ૮૯ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવશે. કાલે રૈયા રોડ પર આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ પાસે ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અંડરબ્રીજ, અમૃત યોજના અંતર્ગત કોઠારીયા વાવડી વિસ્તારમાં પાણીની સુવિધા માટે રૂપિયા ૧૭.૧૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા પંપહાઉસના કામો અને રૂપિયા ૮૨.૫૨ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ડી.આઇ.પાઇપ લાઇનના કામો તેમજ રૂપિયા ૫.૯૨ કરોડના મશીનરીના કામો અને રૂપિયા ૭૦ લાખના ખર્ચે આઇ.ટી.એમ.એસ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટને ટ્રાફીકની સમસ્યાથી મુક્ત કરવા રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ જંકશન, કે.કે.વી. ચોક પર તથા જડુસ ચોકમાં નિર્માણ થનાર ફોરલેન ફલાય બ્રીજનું રૂપિયા ૧૫૮.૦૫ કરોડના ખર્ચે અને રૂપિયા ૮૧.૩૪ કરોડના ખર્ચે નાના મવા ચોક અને રામદેવપીર ચોકમાં હાથ ધરાનાર ફોરલેન બ્રીજનું ખાત મુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત કુલ રૂપિયા ૧૧.૦૮ કરોડના ખર્ચે રોડ તેમજ ડ્રેનેજ લાઇનના ૮ કામો તેમજ રૂપિયા ૩.૨૦ કરોડના ખર્ચના બ્લોકના પેવીંગ ૧૭ કામો અને ૮૩ લાખની કિંમતના ૨ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો મળી કુલ રૂપિયા ૨૫૪.૫૦ કરોડના ૨૯ જેટલા કામોનું ખાત મુહૂર્ત તેમજ રૂડા દ્વારા વિવિધ સ્થળોએ રીંગ રોડ, ડી.પી.રોડ અને બ્રીજના રૂપિયા ૪૬.૧૯ કરોડના કામોનું મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરનું ઘર મળે તેવી સરકારની યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા. ૫૬.૫૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪૧૬ આવાસનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિસ્તારોમાં ૮૯.૬૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાપર્ણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. જેમાં ગોંડલ નગરપાલિકાના રૂપિયા ૧૧.૫૧ કરોડના રેલ્વે ઓવરબ્રીજ, જસદણ નગરપાલિકાના રૂપિયા ૫૭.૩૬ લાખના રસ્તાના કામો અને ઉપલેટા આઇ.ટી.આઇ.ના રૂપિયા ૮.૨૭ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત  ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્સ- જેટકો દ્વારા રૂપિયા ૨૧.૭૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનોના ૪ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૪૭.૫૭ કરોડના પાંચ કામ મળી કુલ રૂપિયા ૬૮.૮૪ કરોડના કામોનું ખાતમુહુર્ત – લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીના રાજકોટ ખાતેના વિકાસકામોના ખાતમુહુર્ત- લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મહેસુલ વિભાગ દ્વારા સુચિત સોસાયટીના કુલ ૨૩૫ દાવા મંજુરીના હુકમોનું વિતરણ, ૧૦૦ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને જસદણ-વીછીયા તાલુકાના વિચરતી વિમુક્ત જાતીના ૧૦૦ પરિવારોને સનદ વિતરણ તેમજ ગોંડલ દેવીપૂજક સમાજના લોકોને ૧૬૬ સનદનું વિતરણ અને રાજકોટના શંકટમોચન સહાયના ૨૦ લાભાર્થીઓને સહાય હુકમનું વિતરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.