Abtak Media Google News

બાબરી ધ્વંશના પ્રત્યાઘાત રૂપે ત્રાસવાદીઓએ મુંબઈમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરતા દેશમાં તેના પણ ઠેર ઠેર પડઘા પડયા !

અનોખો અનુભવ

બાબરા ફોજદાર જયદેવે ‘ધી અનલોકૂલ એકટીવીટીઝ (પ્રિવેન્શન) એકટ’ તળે પ્રતિબંધીત સંસ્થાના ત્રણ હોદેદારોને તો અટકાયતમાં લઈ લીધા હતા તેમાં સંસ્થાના ખજાનચી બંદાભાઈ સોની અને સંગઠન નેતા હંસરાજભાઈને તથા મનોજભાઈ જસાણીને આટકોટ રોડ ઉપર આવેલા રાજાશાહી વખતના વિશ્રામગૃહમાં પોલીસ પહેરા નીચે રાખીને ફરીથી સંસ્થાના પ્રવકતા અને નવયુવાન આગેવાની ગીપીનને લઈ જીપ લઈને બજારમાં આવ્યા.

ગીપીને કહ્યું ‘સાહેબ તમે બંદાભાઈ સોની અને હંસરાજભાઈ વગેરેને સત્સંગ કરવાનું કહ્યું પણ આ લોકોને બોલવાનો અને સત્સંગનો મહાવરો ઓછો છે જો તમે ઈચ્છતા હો કે વિશ્રામગૃહમાં સત્સંગ જામે તો અમારી સંસ્થાના ભિષ્મપિતા અને વયોવૃદ્ધ પ્રચારક અને તેજાબી વકતા એવા ભોળારામ બાપુને પ્રથમ તેડીને વિશ્રામગૃહમાં પહોચાડી એ અને પછી જુઓ સત્સંગ અને ડાયરાની મજા !

જયદેવે કહ્યું તો ચાલો તેમના તેડા કરીએ. આથી ગીપીને જીપને અમરેલી રોડ ઉપર અમરાપરામાં લેવરાવી. અમરેલી રોડ ઉપર જ આવેલી એક નાની અનેજૂની પણ સાવ જર્જરીત ખડકી બતાવીને ગીપીને કહ્યું ‘સાહેબ આ હવેલી ભોળારામ બાપુની’

આ ભોળારામ બાપુ સંસારી સાધુ હતા તેમને સંતાનોમાં દિકરો હતો નહિ દિકરીઓ જ હતી જેમના લગ્ન કરી દીધેલ હોય બાપુ અને માતાજી પતિ પત્ની બે જણા એકલા જ રહેતા હતા. ભોળારામ બાપુની ઉંમર આશરે એસીથી પંચાસી વર્ષની, દુબળી કાયા, મધ્યમ ઉંચા, સફેદ રૂની પૂણી જેવી દાઢી અને તેવા જ માથાના વાળ, કપડા પણ સફેદ ધોતી અને ઝબ્બો અને માથા ઉપર સફેદ પાઘડી બાંધતા અને હાથમાં લાકડી રહેતી રહેતી.

ભોળારામ બાપુની કાયા સાવ દુબળી પણ અવાજ પહાડીતો ખરો જ પણ તેમના શબ્દો પણ આગઝરતી અગ્નીમીસાઈલ જેવા જયાં બોલે ત્યાં પાણીમાં પણ ભડકા કરી આગ લગાડી દે તેવી તેમની તેજાબી વાણી હતી. રામાયણ અને બીજા ધાર્મિક શાસ્ત્રોનું પૂરૂ જ્ઞાન પણ સ્વભાવ એવો ફાટેલો કે કોઈ તેની સાથે લાંબી વાતચીત કરે નહિ.

ભોળારામ બાપુનો એક ભાણો બાબરામાં જ રહેતો હતો પણ બાપુને તેની સાથે કાંઈક વાંકુ પડયું હશે તેથી ભાણા સાથે સંપૂર્ણ વ્યવહાર કાપી નાખેલો અને બોલ્યે પણ વ્યવહાર નહિ ઘણા વર્ષ થતા ભાણાને થયું નાના બાપુ વૃધ્ધ થયા છે તો તેમની સાથે સમાધાન કરી લઉ બાપુનો તો તેવો સ્વભાવ છે વડીલ માવતર કહેવાય આથી સમાધાન માટે તજવીજ ચાલુ કરી.

પણ ગામ આખું જાણે આ સિંહને કોણ સમજાવવાનું કહેવા જાય? ભાણાની વિનંતીનો આખરે બંદાભાઈ સોનીએ સ્વીકાર કર્યો અને બંદાભાઈ સોની ભોળારામ બાપુને મળ્યા વિનંતી કરી ને સમજાવ્યા કે બાપુ તમે કહો તે શરતે અને પગે પડી માફી માંગે હવે તમને પણ ઉંમર થઈ સમાધાન કરી લો તો સારૂ. ભોળારામબાપુ ને ધરાર સમાધાન માટે તૈયાર કર્યા અને બાપુ એ કહ્યુંં બોલાવો ભાણાને.

બંદાભાઈ સોનીને થયુંં કે ચમત્કાર થયો બાપુએ મારૂ વેણ રાખ્યું ! ભાણાને બોલાવ્યો ભાણાએ બાપુને પગે લાગીને કહ્યું બાપા પગે લાગુ માફી માગુ તમે કહો તે શરત પણ હવે સમાધાન કરી મને માફ કરી દો. ભોળારામ બાપુએ પુછયું ‘પાકકુ?’ ભાણાએ કહ્યું બંદાભાઈ સોનીની સાક્ષીએ પાકુ તમે શરત કહો.

ભોળારામ બાપુએ કહ્યું ‘હા આજ, અત્યારથી જ આપણી વચ્ચે સમાધાન, તને માફ કરૂ, હું મનમાં પણ કાંઈ નહિ રાખુ અને શરત એ કે જો તું માણસના પેટનો હોય તો હવે મારા આંગણામાં કયારેય આવતો જ નહિ અને મને મળતો પણ નહિ જા સમાધાન પાકકુ બસ?’ આવો આકરો સ્વભાવ ભોળારામબાપુનો હતો.

એટલે અત્યારે તેમના ઘેર જવું એટલે રાફડામાં હાથ નાખવા બરાબર જ હતુ તેમ જયદેવને લાગ્યું તેમની બોલવાની એવી રીત કે કોઈ જાહેર કાર્યક્રમમાં મોટી માનવમેદની ને સંબોધવા બહારથી કોઈ મહેમાન વકતા કે આગેવાન આવવાના હોય અને વિપરીત સંજોગો તડકો ટાઢ હોય અને વકતા ને આવવાનું મોડુ થયું હોય તો ભોળારામબાપુ શ્રોતાઓને આવા સંજોગોમાં પણ બબ્બે કલાક પ્રવચન કરી જકડી રાખી હલવા દેતા નહિ.

બાપુની અસ્ખલીત વાણી કટાક્ષમયતો ખરી જ પણ શાસ્ત્રોના વિવિધ ઉદાહરણો આપી વિરોધીઓ તથા સત્તાધીશોને જે તે વિલન પાત્રો સાથે સરખાવીને ગોઠવી ગોઠવીને આક્રમક રીતે વ્યંગમાં અને મજાકમાં શ્રોતાઓની લાગણીના તારને છંછેડી દેતા ભોળારામબાપુ તો વૃધ્ધ હતા. નહિ તો તેમની વકતા તરીકેની માંગ તેમની સંસ્થામાં સાધ્વી ઋતુંભરાજી જેવી જ રહેતી પરંતુ ઉંમરને કારણે બંને ત્યાંસુધી બાપુ જીલ્લા બહાર જતા નહિ.

ગીપીને બાપુની હવેલી તો બતાવી પણ જયદેવે પડુ પડુ થતી ખડકીને જાળવીને ધીરેધીરે ખખડાવી તુર્ત જ અંદરથી પહાડી અવાજ આવ્યો એ આવ્યો અને ધીરેથી ખડકી ખૂલી ગીપીને બાપુને સીધ્ધુ જ કહ્યું ‘બાપુ સીતારામ’ અને બાપુએ વળતો શબ્દ પ્રહાર કર્યો ‘કાગડાના મોઢામાં રામ?’ આ આગ ઝરતા શબ્દો સાંભળીને ગીપીન આંચકો ખાઈ ગયો, પણ દરેકનું ખમી ખાવાનો સ્વભાવ એટલે ગીપીને કહ્યું ‘બસ બાપુ સાવ આમજ કહેવાનું?’ બાપુએ કહ્યું ‘સાલા શકુની, અડધી રાત્રે તારે આ પોલીસને લઈને આવવાની શું જરૂરત હતી?’ ગીપીને મંદ મંદ હંસ્યો પણ કાંઈ બોલ્યો નહિ.

ગીપીને બતાવેલી ભોળારામ બાપુની હવેલી તો ખરેખરતો શબરીબાઈની ઝુંપડી જ હતી ફળીયામાં ઓંસરી ઉપર એક જ ઓરડો જે દેશી નળીયા અને ખપાટીયાના છાપરા વાળો જે ને મંદિર ગણો, રસોડુ ગણો, ડાઈનીંગ રૂમ કે બેડ રૂમ કે ડ્રોઈંગ રૂમ જે કહોતે બધુ તેમાં આવી જાય. ઓંસરી ખૂલ્લી એક બાજુ પાણીયા થી અને ચોકડી (જે બાથરૂમ કહી શકાય) ભોંય તળીયે લાદીને બદલે ગાર કરેલી હતી ફળીયામાં વચ્ચે એક તુલસી કયારો ને ફળીયામાં બીજા છેડે એક ઢાળીયું હતુ તેમાં એક ગાય બાંધેલી હતી.

ભોળારામ બાપુ સાથે આવવા તૈયાર થવા માથા ઉપર પાઘડી બાંધતા હતા તે જોઈને તેમના વયોવૃધ્ધ ધર્મપત્ની એવા માતાજીએ કહ્યું કે ‘આટલી અડધીરાત્રે કયાં ચાલ્યા? ગામડામાં હજુ ‘કયાં’ શબ્દને અપશુકન તરીકે ઓળખાય છે. તેને ગામડાનાં લોકો કયાં કારો કહે છે તે સાંભળીને ભોળારામબાપુનો મગજ પાછો છટકયો અને બોલ્યા ‘સાલી સુર્પણખા કયાં કારો શું કરે છો.

આ જમ દુતો ના તેડા આવી ગયા છે તે તને નથી દેખાતા? જયદેવને મનોમન હંસવું આવ્યું કે ભોળારામ બાપુ બીજાને ભલે ગમે તે કહે પણ પોલીસને તો દેવ (યમરાજ)ના દૂત કહ્યાં ! બાપુએ પાઘડી માથા ઉપર બાંધી હાથમાં ટેકા લાકડી લઈ પગમાં મોજડીઓ ચડાવીને ફરી ડાયલોગ ફટકાર્યો ‘ચાલો ત્યારે લઈ ચાલો રૌરવનરકમાં’ કટાક્ષમાં તો કટાક્ષમાં પણ ભોળારામ બાપુએ સમાજનું કડવું અને વાસ્તવીક સત્ય કહ્યું.

કેમકે આપણા સમાજમાં હજુ પોલીસની છાપ જનતાના મદદનીશની ઈગ્લેન્ડની બોબી પોલીસ જેવી નથી, પણ શાસ્ત્રોમાં વર્ણવાયેલી વાત કે પાપ કરનાર મૃત્યુ પામે ત્યારે તે જીવાત્માએ જેવા પાપો કર્યા હોય તે કર્મો પ્રમાણે શિક્ષા કરવા યમરાજાની સેના જુદા જુદા પ્રકારના નરકોમાં લઈ જાય છે.

સત્કર્મો કરનારને યમદુતોને બદલે દેવો તેડવા આવે છે. તેવી માન્યતા છે તે પ્રમાણે પોલીસની આપણા સમાજમાં છાપ યમદૂતો જેવી જ છે. સામાન્ય રીતે પોલીસને જોઈને કોઈ ખુશ થતુ નથી. સજજન અને સારા માણસો સામાન્ય રીતે પોલીસ સાથે સંબંધ રાખતા હજુ પણ ડરે છે.

અને એવું ઈચ્છે છે કે પોલીસ પોતાના ઘેર ન આવે કેમકે સોસાયટીમાં પાછળથી વાતો થાય કે ફલાણાભાઈના ઘેર પોલીસ આવી હતી નકકી તેમણે કાંઈક કબાડુ કર્યું હશે અને કાંતો બે નંબરી ધંધા કરતા હશે! જે પાપીને લેવા તેના ઘેર જમ જ આવે તેમ પોલીસ વિશે ખોટી માન્યતા છે. ભૂતકાળમાં કાંઈક અંશે કોઈ ખરાબ અનુભવો પણ હશે તે સિવાય તો આવી માન્યતા ન હોય.

આમ સવારના ત્રણ વાગ્યા સુધીમાં ગીપીને એક પછી એક કરીને કુલ અગીયાર સદસ્યોને વિશ્રામગૃહમાં ભેગા કરાવી દીધા. તમામ જુદી જુદી જ્ઞાતિના પણ એકએકથી ચડીયાતી ખોપરીઓ હતી આ તમામ તમામ પોત પોતાના ક્ષેત્રમાં મહારથી હતા છેલ્લે તે મંડળમાં ગીપીન જતા જ તમામે ગીપીનનો ઉધડો લીધો કે ‘એલા તારા એક થી આ કામ પૂરૂ કરવું હતુ ને? અમારા તમામનો પણ આ હારડો કરાવવાની તારે શું જરૂરત હતી?’ પણ ગીપીને રાજકીય અદાથી કહ્યું ‘લોકશાહીમાં કોઈ જ્ઞાતિને ઓછુ આવવું જોઈએ નહિ. આ સત્કાર્યમાં તમામ જ્ઞાતિઓ એ પણ ભોગ આપ્યો છે તેવું લાગવું જોઈએ તેથી જ તમામ જ્ઞાતિના એક એક સભ્યને એ સેવા (જેલમાં જવાની)નો લાભ આપ્યો છે’

આથી ભોળારામબાપનુએ ગીપીનને હુકમ કર્યો કે આ તારા આ પાપ કર્મની સજા રૂપે હવે સવારના ત્રણ વાગ્યા હોય સવાર જ પડી ગઈ કહેવાય તું પ્રભાતીયા ગાવાનું ચાલુ કર અમે બધા સાંભળીએ હવેલી સંપ્રદાયના પ્રભાતીયાના શબ્દો અને તેનો ભાવાર્થ ખુબજ સુંદર અને લાગણી પ્રધાન હોય છે. ગીપીનનો રાગ ભલે ગમે તેવો હોય પરંતુ તેના ગાવાના આલાપનો આરોહ અવરોહ તો ઠીક જ હતો. તમામે સવાર સુધી ગીપીનના પ્રભાતીયા સાંભળ્યા અને માણ્યા વચ્ચે વચ્ચે તેની ઠઠ્ઠા મશ્કરી અને મજાક પણ કરી.

આ સમય દરમ્યાન જયદેવે ‘ધ અનલો ફૂલ એકટીવીટીઝ (પ્રિવેન્શન) એકટ ૧૯૬૭ના કાયદાની કલમ ૩ ની વ્યાખ્યા મુજબ કલમ ૧૦ અનુસાર પ્રતિબંધીત સંસ્થાના સભ્ય રહેવા સબબની કાયદેસરની કાર્યવાહી કરી અને એફઆઈઆર તથા પંચનામા તૈયાર કર્યા.

જયદેવ નવરો પડતા જ ગીપીને તેને ખાનગીમાં પૂછી લીધું કે ‘સાહેબ મારૂ વોરંટ હૈદરાબાદ ને બદલેગુજરાતનું કરાવવાનું ભૂલતા નહિ હો.’ તમામ એવી માન્યતા અને વહેમમાં હતા કે લાંબા સમયની જેલ યાત્રા તો હતી પણ તે પણ ખૂબ દૂર દૂરની હોવાનું માનતા હતા તેથી થોડાચિંતામાં પણ હતા અને અંદરો અંદર ચર્ચા પણ કરી લેતા હતા કે દૂરને બદલે નજીકની જેલોમાં હુકમ થાય તો સારૂ પરંતુ હવે જયદેવે ફોડ પાડયો કે ભાઈઓ આ વોરંટ નથી તમોતમામને સવારે અગીયાર વાગ્યે ઉઘડતીદાલતે બાબરા કોર્ટમાં જ રજૂ કરવાના છે.

તમો જામીન અને વકીલની તૈયારી રખાવો. આથી તમામના ચહેરા ઉપર આનંદની લહેરખી ફરી વળી. પરંતુ ભોળારામબાપુએ તમામને કહ્યું કે જયનાદ મોટેથી તમામે કરવાનો છે બોલો તમામ યમ દેવતાની … જય! અને વિશ્રામ ગૃહમાં મોટા પડઘા પડયા સવાર પડતા તમામને પોલીસ સ્ટેશને લાવી જયદેવે કાયદેસરની તમામ કાર્યવાહીઓ ફીંગરપ્રિન્ટ ચહેરા નિશાન પત્રકો વિગેરેની કાર્યવાહી પૂરી કરાવી.

ઉઘડતી અદાલતે તમામને કોર્ટમાં રજૂ કર્યા પરંતુ કટોકટી કાળના ખરાબ અનુભવો અને રાજકીય કિન્નાખોરીથી ત્રસ્ત પ્રજામાંથી આ અગીયાર જણાને કોઈ જામીનદાર મળ્યા નહિ પણ બાબરાના જ લઘુમતી રહીશ અબ્દુલભાઈ મહેતર અને મુસાભાઈ પરમારે આ લોકોના જામીન થયા દેશ લેવલે રાજકરણીઓ જે સ્વાર્થની કપટની રાજરમત રમતા હોય તે ભલે રમે પરંતુ નાના ગામોમાં આ બાબરીધ્વંશ પછી પણ કોમી એકતાઅકબંધ છે.

તે સાબીત થયેલું આમ તમામ જામીન ઉપર છૂટયા. જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં એક બે સભ્યોની અટકાયત કરી કામગીરી પુરી કરી હતી. પણ જીલ્લામાં જયદેવનો રોલો પડી ગયો અગીયાર અટકાયતીઓ!આમ આ પ્રકરણતો પૂરૂ થયું અને તકેદારી રૂપે થોડો સમય સુધી પોલીસ દળ બંદોબસ્તમાં રોકાયેલું રહ્યું, ધીરેધીરે માહોલ થાળે પડતો જતો હતો.

જયદેવનું મન તો પેલી લોન કોટડા ખૂન ધાડનો ગુન્હો શોધવામાં જ લાગેલુ હતુ આથી તેણે બે ત્રણ વખત પોલીસ વડાને આ કામના આરોપીઓને પકડવા માટે રાજસ્થાન સરકારી વાહન સાથે તપાસમાંજવાની મંજૂરી આપવા માટે યાદી આપી. પરંતુ કોણ જાણે પોલીસ વડાએ કોઈ અગમ્ય કારણસર આ બાબતે નિર્ણય લીધો નહિ અને જયદેવને રાજસ્થાન જવાની મંજૂરી પણ આપી નહિ.

તે દરમ્યાન બે ત્રણ મહિનામાં જ આ બાબરી ધ્વંશનો બદલો લેવા ત્રાસવાદીઓ એ દેશના આર્થિક પાટનગર મુંબઈમાં શ્રેણી બધ્ધ બોમ્બ ધડાકા જુદી જુદી જગ્યાએ જે વિસ્તારોમાં માનવમેદની ભરચકક રહેતી હતી ત્યાં કર્યા આ શ્રેણી બધ્ધ ધડાકાઓમાં પુષ્કળ માનવ જીંદગીઓ ઓલવાઈ ગઈ.

દેશ આખામાં સન્નાટો છવાયો અને તેના પ્રત્યાઘાત રૂપે જયાં જયાં લઘુમતી બહુમતીનાં વાંધા વચકા અને વૈમનસ્ય હતા તેવા શહેરો અને ગામોમાં પણ કોમી તંગદીલી ફેલાઈ ગઈ. બંને કોમો વચ્ચે આગજની મારામારીના બનાવો બન્યા. તે ઘટનામાં અમરેલી જીલ્લાના દામનગર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં એક ધાર્મિક જગ્યાની માલીકી અંગે બંને કોમો વચ્ચે તકરાર ચાલતી હતી.

તેથી તે મામલે તોડફોડ અને તોફાનો ચાલુ થયા. પરંતુ દામનગરમાં આ તોફાનો કોઈ રીતે બંધ થતા ન હતા. એસ.આર.પી. અને જીલ્લાની વધારાની પોલીસનો જડબે સલાક બંદોબસ્ત હોવા છતાં રાત્રીના તો કયાંકને કયાંક કોમી બનાવ બની જતો. આમ રાત્રીનો કફર્યું (સંચારબંધી) છેલ્લા એક અઠવાડીયાથી ચાલુ હતી અને કોઈ હિસાબે પરિસ્થિતિ થાળે પડતી નહતી.

આથી જૂનાગઢ રેન્જના પોલીસ વડા સૈયદ આ પ્રશ્રનના ત્વરીત નિકાલ રૂપે કોઈ સક્ષમ ફોજદારની દામનગર નિમણુંક કરવા માંગતા હતા આથી તેમણે તેમના પર્સનલ સ્કોડના ફોજદાર માનસિંહ રાઠોડ સાથે આ બાબતે ચર્ચા કરી ફોજદાર માનસિંહ રાઠોડ જયદેવ અને તેની કાર્ય પધ્ધતિને ઘણા લાંબા સમયથી જાણતા હતા.

તેથી તેમણે રેન્જ આઈ.જી.પી.ને દામનગર માટે જયદેવનું નામ સુચવી દીધું અને રેન્જ આઈ.જી.પી.એ અમરેલી પોલીસ વડાને હુકમ કરી દીધો કે બાબરા ફોજદાર જયદેવની નિમણુંક તાત્કાલીક આ હેતુ સબબ દામનગર કરી દો. જોકે અમરેલી પોલીસ વડા જયદેવને દામનગર મુકવા ઈચ્છતા ન હતા.

પરંતુ કાયદો અને વ્યવસ્થા પ્રશ્નઅને આઈ.જી.પી.ની. ઈચ્છાથી રાતોરાત જયદેવનો હુકમ દામનગર પોલીસ સ્ટેશનનો થઈ ગયો. જોકે જયદેવની પણ ઈચ્છા દામનગર જવાની હતી. જ નહિ પરંતુ હુકમ થયો એટલે બાબરાથી છૂટો થઈ દામનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો આમ સવા વર્ષમાં જ બાબરાનો સમય પૂરો થયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.