સોરઠના 30 વેપારીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો: આ રીતે કરતો હતો છેતરપિંડી

મોબાઇલ પે અને ગુગલ પે એપ્લીકેશનથી પેમેન્ટ ટ્રાન્સફર કર્યા બાદ શેડયુલ પેમેન્ટ કેન્સલ કરી છેતરપિંડી કર્યાની ભેજાબાજ  ‘ઠગ’ ની કબુલાત

વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના ભેજાબાઝ ગઠીયો મોટાપાયે છેતરપીંડી આચરતો હોવાની ફરીયાદ પોલીસને મળી હતી. છેતરપીંડીની ફરીયાદના આધારે ર૮ વર્ષીય ભેજાબાજ ગઠીયા ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ પુછપરછ હાથ કરતા મોટી છેતરપીંડીના રેકેટનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ભાવેશએ ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના સાતેક શહેરો અને અમદાવાદના એક મળી ૩૦ જેટલા વેપારીઓ પાસેથી રૂ. ર૦ લાખથી વધુની રકમની મોંધીદાટ વસ્તુઓની ખરીદી કરી છેતરપીંડી આચરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો.

ભેજાબાજ ગઠીયાની કરતુત અંગે આજે સાંજે ડીવાયએસપી એમ.એમ. પરમાર, તપાસીનસ પીઆઇ ડી.ડી. પરમારે યોજેલ પત્રકાર પરિષદમાં જણાવેલું કે, વેરાવળમાં બસ સ્ટેશન સામે શાઓમી કંપનીના સ્ટોરમાંથી તા. ર૩ અને રપ ડીસે. દરમિયાન છાત્રોડા ગામે રહેતો ભાવેશ વરજાંગ છાત્રોડીયાએ એલઇડી ટીવી, વોટર પ્યોરીફાયર, ટ્રીમર અને પાવર બેંક મળી કુલ રૂ. ૪૧,૪૯૫ ની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ફોન પે એપ્લીકેશનમાંથી ટ્રાન્સફર કરી ચુકવી આપેલું હોવાનું કહી વસ્તુઓ લઇ નીકળી ગયો હતો. તે રકમ સ્ટોરના ખાતામાં જમા ન થઇ હોવાથી ભાવેશને જણાવતા તેણે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવારૂપ બે સ્ક્રીન શોટ સ્ટોરના કર્મચારીને મોકલી કહેલું કે પેમેન્ટ જમા ન થાય તો મને વાત કરજો હું રોકડા આપી દઇશ, ત્યારપછી ઘણા દિવસો સુધી પેમેન્ટની રકમ જમા ન થાય અંગે ફરી જાણ કરતા ભાવેશ ગલ્લા તલ્લા કરતો હોવાથી શાઓમી સ્ટોરના માલીક વેપારી કાનજી ચારીયાએ ફરીયાદ નોંધાવી હતી.જેના આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ મુસાર, બી.એન. મોઢવાડીયા, દેવદાનભાઇ, નટુભાઇ બસીયા, અરજણભાઇ, મયુર મેપાભાઇ, સુની માંડણ સહિતનાએ શોધખોળ હાથ ધરી વેરાવળમાંથી જ ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ આગવી ઢબે પુછપરછ હાથ ધરતા છેતરપીંડીના કૌભાંડની ચોંકાવનારી હકકીતો જાણવા મળી હતી. જેમાં ભાવેશએ વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના, કેશોદ, મેંદરડા, જુનાગઢ અને અમદાવાદ સહિતના શહેરોમાં ફરી જુદા જુદા ૩૦ જેટલા વેપારીઓ પાસેથી સોનાના ઢાળીયા, આઇફોન, મોબાઇલ, ઇલેકટ્રીક રમકડાનું બાઇક, કોમ્પ્યુટર સેટ, એ.સી., ટાયરો જેવી રૂ. ર૦ લાખથી વધુની રકમની મોંધીદાટ ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ વેપારીની સામે ફોન પે અને ગુગલ પે એપ્લીકેશખનના માઘ્યમથી શેડયુલ પેમેન્ટ ટ્રાન્સફર કરી જતો રહેતો અને બાદમાં શેડયુલ પેમેન્ટ કેન્સલ કરી છેતરપીંડી આચરતો હતો.

જેમાં વેરાવળમાં શાઓમી સ્ટોરમાંથી ટીવી, વોટર પ્ોરફીયર રૂ. ૪૬,૪૮૬, આઝાદ સાયકલમાંથી ઇલેકટ્રીક બાઇક રૂ. ૮ હજાર, પુજારા મોબાઇલમાંથી આઇફોન-૧ર રૂ. ૮૯,૯૦૦, શ્રી નાજથી જવેલસર્સમાંથી સોનાના ઢાળીયા નંગ-ર (અઢી તોલા) રૂ ૧૦૨૪ લાખ, ભાગ્યોદર કોમ્પ્યુરમાંથી કોમ્પેકટનો કોમ્પ્યુટર સેટ રૂ. ૨૫ હજાર, ગેલેકસી ટાયરમાંથી ટાયર નં.૪ રૂ. પ૦ હજાર, કેશોદમાં રોયલ ટેલીવીઝનમાંથી એસી રૂ. ૫૪,૯૯૦, કેશોદમાંથી જ ઇન્વેટર અને બે મોટી બેટરી રૂ. ૪૧,૩૫૦, ગણેશ ટોયઝમાંથી રમકડા રૂ. રર હજાર, ઉનામાં ફોનવાલે સ્ટોરમાંથી માઇક્રોવેવ ટીવી, મોબાઇલ મળી કુલ રૂ. ૯૨,૯૮૦, કોડીનારમાં ભારત મોબાઇલમાંથી ટીવી, મોબાઇલ મળી કુલ રૂા. ૮૩,૯૯૦, તાલાલામાં આકાશ ટેલીવીઝનમાંથી ટીવી રૂા ૪૩ હજાર, મેંદરડામાં ગેલેકસી માર્કેટીંગમાંથી મોબાઇલ કિંમત રૂ. ૩૨,૯૯૯, જુનાગઢમાં પ્રિતમ મોબાઇલમાંથી આઇફોન રૂા. ૧,૦૬,૬૦૦ અમદાવાખમાં ઇસ્કોન કેસરીયા વોચમાંથી બે ઘડીયાળ રૂા. ર૭ હજાર મળી કુલ રૂ. ૮,૪૮,૨૯૫ નો મુદામાલ ભાવેશએ છેતરપીંડીથી ખરીદ કરેલી છે.

ઓનલાઇન ટ્રાન્ઝેકશનની કારીગરીથી છેતરતો

ભેજાબાઝ ગઠીયો ભાવેશ છાત્રોડીયા જુદી જુદી દુકાનોમાંથી મોબાઇલ, ટીવી, સોનાના દાગીના સહિતના મોંધીદાટ ચીજવસ્તુઓની ખરીદી કરી તેનું પેમેન્ટ ગુગલ પે અથવા ફોન પે એપ્લીકેશન થકી ઓનલાઇન શેડયુલ પેમેન્ટ વેપારીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો હતો. ટ્રાન્સફર કર્યાના સ્ક્રીન શોટ વેપારીઓને બતાવી વસ્તુઓ લઇ છેતરપીંડી આચરતો હતો.

Loading...