Abtak Media Google News

ભાવનગરના ઘોઘા- બાડી અને સુરકા ગામ નજીક ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા ર૦ વર્ષ પૂર્વે જમીન સંપાદન કર્યા બાદ ગઇકાલે પોલીસ ફૌજ સાથે આ જમીનનો કબજો લેવા જતાં ખેડુતોમાં રોષનો દાવાનળ ફાટી નીકળ્યો હતો. અને ૧૦૦૦૦ જેટલા ખેડુતોને કાબુમાં લેવા પોલીસે બળ પ્રયોગ કરી ટીયર ગેસનાં સેલ છોડતા અનેક ખેડુતો ઘાયલ થયા હતા. જો કે ર૦ વર્ષ બાદ કબજો લેવા આવેલી કંપની સામે લડી લેવાનો મકકમ નિરધાર કરનાર પ૦ ખેડુતોની અટકાયત પણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાના ઘોઘો, બાડી અને સુરકા ગામ નજીકની ૧ર ગામોની ૨૦૫૯ હેટકર જમીન ૧૯૮૪ થી ૨૦૦૫ નાં સમયગાળા દરમિયાન ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા સંપાદન કરવામાં આવી હતી. જેનું વળતર પણ ખેડુતોને ચુકવી દેવામાં આવ્યું છે. જો કે વર્ષા સુધી સંપાદિત થયેલ જમીન ઉ૫ર યુપીસીએલ દ્વારા થર્મલ પાવર સ્ટેશન કે કોલસો મેળવવા માઇનીંગ શરુ કરવામાં ન આવતા આ જમીન મુળ ખેડુતોના કબજામાં હતી અને ખેડુતો તેના પર ખેતી પણ કરતાં હતાં.

દરમિયાન ગઇકાલે ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ ટ્રાન્સ સજજડ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘોઘા, બાડી, સહીતના વિસ્તારમાં આવેલ જમીનનો કબજો લેવા જતાં આ મામલે ૧ર ગામોનાં હજારો ખેડુતો એકત્રીત થઇ ગયા હતા અને આટલા વર્ષો બાદ કબજો લેવા આવેલા સરકારી માણસોનો ઉગ્ર વિરોધ કરી હલ્લા બોલ કરતા પોલીસે ટીયર સેલનાં પ૦ રાઉન્ડ છોડી ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કરતા અનેક મહીલા, ખેડુતો અને વિઘાર્થીઓ ઘાયલ થયા હતા અને પોલીસે પ૦ લોકોની ધરપકડ કરી હતી.

બીજી તરફ ૧ર ગામના ખેડુતો દ્વારા સરકારનાં જમીન સંપાદન કાયદો ૨૦૧૪ ને આગળ ધરી કોઇપણ હેતુ માટે સંપાદન થયેલી જમીનમાં જો પાંચ વર્ષમાં જે તે હેતુ માટે કાર્યવાહી શરુ કરવામાં ન આવે તો આવી જમીન મુળ ખેડુતોને સોંપવાની જોગવાઇ આગળ ધરી જમીનનો કબ્જો કોઇપણ ભોગે નહી સોંપવા મકકમ નિધાર વ્યકત કર્યો હતો.

દરમિયાન ગઇકાલે જમીન સંપાદનને લઇ ખેડુતો અને સરકાર આમને સામને આવી ગયા બાદ ઘર્ષણ સર્જાતા આજે ખેડુતો દ્વારા સામુહિક આત્મ વિલોપનની પણ ચીમકી ઉચ્ચારતા સરકાર આ બાબતે ગંભીર બની હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.