Abtak Media Google News

વરસાદ ખેંચાતા મોલાતની નુકસાનીને લઇ જગતનો તાત મુંજવણમાં: ચારથી પાંચ દિવસમાં વરસાદ નહી પડે તો ઉભા પાકને નુકસાન થશે

આપણા કવિઓએ એક પંક્તિ માં લખ્યું છે કે બહુ મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય, પણ મારો રઘુવીર રીઝે રાઝડા તો આ નવખંડ લીલો થાય અર્થાત માણસ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ માંડ એકાદ ખેતરમાં પાણી પાઈ શકે પરંતુ જો કુદરત રાજી થાય તો આખી ધરતી લીલીછમ થઈ જાય, આવી કઈક પરિસ્થિતિ હાલ ગોહિલવાડની ધરતીની છે,  ત્યારે હાલ ભાવનગર જીલ્લાના મોટાભાગના વિસ્તારના ધરતીપુત્રો રઘુવીર રીઝે તેની રાહ જોઇને બેઠા છે.

ભાવનગરમાં જીલ્લા માં ઋતુના પ્રારંભે વરસાદનો પ્રથમ રાઉન્ડ કે જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી ઓછા વધતા વરસાદે ખેડૂતો એ કરીને સાહસ કર્યું હતું, કપાસ, મગફળી, જુવાર, બાજરી, મગ સહિતના પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું અને મોલાત પણ સારી ઉગી ગઈ છે પરંતુ હવે હાલ વરસાદ ખેંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો હવે ચાર થી પાંચ દિવસમાં આ જીલ્લામાં મેઘરાજાની મેહેર નહી થાય તો ખેતરમાં ઉગેલી મોલાત બળી જશે અને ખેડૂતોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવશે. હાલ જે મોલાત ઉગી છે તેને કેમ બચાવવી તે મોટો પ્રશ્ન ખેડૂતો સામે ઉભો છે.  ખેડૂતોએ એક વીઘે પાંચ થી છ હજાર નો ખર્ચ કરી નાખ્યો છે, ત્યારે જો વરસાદ નહિ પડે તો ફરીવાર મહેનત અને ખર્ચ કરવાનો.

ભાવનગર પંથકમાં મોટા ભાગે મગફળી, કપાસ, જુવાર બાજરી, મકાઈ જેવા પાકો વાવવામાં આવે છે, ભાવનગર જીલ્લામાં મહુવા. તળાજા ને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં પાક એ વરસાદ આધારિત છે, પરંતુ છેલ્લા ૧૫ દિવસથી વરસાદ ખેચાતા ઉભો પાક મુરજાઈ રહ્યો છે. એકબાજુ વરસાદ ઓછો થયો છે જેના કારણે ડેમો પણ તળિયા જાટક છે, કુવાઓ અને બોર પણ તળિયા જાટક છે ત્યારે પિયતની તો વાત જ ક્યાં કરવની, ત્યારે હવે ઉભા પાકને કેમ બચાવવો તે મુજવણમાં જગતનો તાત છે, ખેડૂત વાડીએ જઈને ખેતરમાં લહેરાતી લીલી હરિયાળી જોઇને જીવ બાળી રહ્યો છે કે હવે આ મોલાત થોડા દિવસની જ મહેમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.