Abtak Media Google News

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તરણેતર ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૧ સપ્‍ટેમ્બર થી ૪ સપ્‍ટેમ્‍બર-૨૦૧૯ સુધી યોજાશે. આ મેળાના વિશેષ આયોજન સંદર્ભે તરણેતર ગ્રામ પંચાયત ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉપસ્‍થિત અધિકારીઓ/પદાધિકારીઓ સાથે ચર્ચા- વિચારણા કરતા જિલ્‍લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતુ, કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે પ્રત્‍યેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે.

આ લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ આ સ્‍થળે સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે સંબંધિત અધિકારી- કર્મચારીઓએ પણ સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે.જિલ્‍લા વિકાસ અધિકારીએ આ બેઠકમાં ઉપસ્‍થિત પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સમગ્ર મેળા દરમ્‍યાન વીજપુરવઠો સાતત્‍યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી.

તેમણે આ તકે તરણેતરને જોડતા રસ્‍તા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, બસ વ્‍યવસ્‍થા, કાયદો અને વ્‍યવસ્‍થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન, વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામિણ ઓલમ્‍પિકસ, પશુમેળો, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા વગેરે બાબતે સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્‍ય ઋત્‍વિક મકવાણા, જિલ્‍લા પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, અગ્રણી સર્વશ્રી રામકુભાઈ ખાચર, શાહબુદ્દીન રાઠોડ તરણેતરના સરપંચ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.