Abtak Media Google News

પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે લોકાર્પણ: મહાપાલિકાના ‚ા.૧૪.૨૧ કરોડના પ્રિમીયમ ઉપરાંત ચોખ્ખી ૪,૭૩૨ ચો.મી. જમીન પ્રાપ્ત થઈ

શહેરના વોર્ડ નં.૧૧માં ભારતનગર સ્લમ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીપીના ધોરણે ૧૦૫ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આગામી ૧૪મી જુલાઈના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ૧૦૫ ઝુંપડાધારકોને મફતમાં ફલેટમાં આપવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુ.કમિશનર બંછાનિધી પાની અને બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧૧માં ભારતનગર સ્લમ વિસ્તારમાં ૧૩,૨૭૨ ચો.મી. જમીનમાં આવેલી ઝુંપડપટ્ટી પર પીપીપી આવાસ યોજના લાગુ કરવામાં આવી હતી. જેનું કામ જે.પી.ખેરડીયા એન્ડ કંપનીને આપવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકાને ‚ા.૧૪.૨૧ કરોડનું પ્રિમીયમ અને ૪,૭૩૨ ચો.મી. ખુલ્લી જમીન પ્રાપ્ત થઈ હતી. અહીં બે બેડ, હોલ, કિચન, ટોયલેટ બ્લોક મળી ૩૬ ચો.મી. કારપેટની સુવિધા સાથેના ૧૦૫ આવાસ બનાવવામાં આવ્યા છે. જે ભારતનગર સ્લમ વિસ્તારના લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આવાસમાં અંદર-બહાર આકર્ષક કલર, ચાર લીફટ, ફાયર સિસ્ટમ, અન્ડરગ્રાઉન્ડ વોટર, હેન્ડ ટેક ફાયરની પાણીની ટાંકી, બાળકો માટે પ્લે એરીયા, આંગણવાડી, વિશાળ પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફલોરમાં પાંચ દુકાનો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મહાપાલિકાને આ યોજના અંતર્ગત જે ૪,૭૩૨ ચો.મી. જમીન પ્રાપ્ત થઈ છે તેના પર હાલ સ્માર્ટ ઘરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી ૧૪મી જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાનારા લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.