Abtak Media Google News

ઉપપ્રમુખ પદે રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણીની વરણી

યુનાઈટેડ નેશન્સ ડે દર વર્ષે તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ઉજવાતો હોય છે તેના ભાગરૂપે વાય.એમ.સી.કલબ, એસ.જી.હાઈવે, અમદાવાદ ખાતે ઈન્ડીયન ફ્રેડરેશન ઓફ યુનાઈટેડ નેશન્સ એસોસીએશન (આઈફ્યુના) દ્વારા યુનાઈડેટ નેશન્સ ડે-૨૦૧૯ ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં યુનાઈટેડ નેશન્સ એસોસીએશન ગુજરાતનો શુભારંભ (Inauguration) ભારતના વિવિધ રાજ્યોના ખ્યાતનામ કલાકારો દ્વારા ગવાયેલ નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન, ત્યાર બાદ મહાત્મા ગાંધી,  સરદાર પટેલ સાથેની સ્ક્રીપ્ટ (ડ્રામા) અને ગુજરાતી ગરબા સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્રભાઈ ત્રિવેદીના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રવકતા સુદેશ વર્માજી,  દિપક પરવતીયા (મિડીયા સલાહકાર  આઈફ્યુના) તથા યુનાઈટેડ નેશન્સ એસોસીએશન-મહારાષ્ટ્રના પ્રતિનિધી તરીકે અશરફ શેખ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઈન્ડીયન ફેડરેશન ઓફ યુનાઈટેડ નેશન્સ એસોસીએસન (IFUNA) દ્વારા યુનાઈટેડ નેશન્સ ગુજરાતના (UNA-Gujarat) પ્રમુખ તરીકે ગુજરાત ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયા અને ઉપપ્રમુખ તરીકે રીલાયન્સ ગ્રુપના અગ્રણી  ધનરાજ નથવાણીની નિમણુંક કરવામાં આવી હતી.

યુનાઈટેડ નેશન્સ એસોસીએશન ગુજરાતના પ્રમુખ તરીકે ભરત પંડયાએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ જોડવાનું કાર્ય કરે છે, ગુજરાત પૂ. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના વિચારો અને કાર્યોને આગળ કરીને જોડવાનું કાર્ય કરશે. દેશમાં સ્વરાજય હોય કે સુરાજ્યની લડાઈમાં હંમેશા ગુજરાતે નેતૃત્વ કર્યું છે. શ્રી સરદાર પટેલે દેશના ૫૬૨ રજવાડાઓને એક કરવા માટે અથાગ પ્રયત્નો કર્યાં. તે સમયે કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ ની કલમ હોવાથી સંપૂર્ણ રીતે ભારતમાં જોડાયું ન હતું. કાશ્મીરને પૂર્ણત: ભારતમાં જોડવાનું કામ બે ગુજરાતીઓએ કરી બતાવ્યું છે.

B.pandy1

યુ.એન.ને હંમેશા તટસ્થ રહીને કાશ્મીર મુદ્દે ભારતને મદદ કરી છે, આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં  નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપ્યું છે અને ભારતીય સંસ્કૃતિ યોગને તા.૨૧મી જૂન તરીકે વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની મંજૂરી આપી છે તે બદલ યુ.એન.ને અભિનંદન પાઠવ્યાં હતાં.

આજના કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સુદેશ વર્માજીએ જણાવ્યું હતું કે, પૂ.મહાત્મા ગાંધીજીના વિચારોને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાધાન્ય આપ્યું છે. તે દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યાં છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલ દેશનાં વિકાસ કાર્યોની વિસ્તુત માહિતી તેમણે આપી હતી.

આઈફ્યુના ગુજરાત કાર્યક્રમના મુખ્ય અતીથી તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દેશભરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સહુએ મહાત્મા ગાંધીના વિચારોને કાયમી ટેવ રૂપે અમલમાં મૂકીએ તો ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે. તેમના સ્વીઝરલેન્ડના પ્રવાસ દરમ્યાનના અનુભવ જણાવતાં કહ્યું હતું કે, સ્વીઝરલેન્ડમાં કોઈ સ્થાનિક રાજકીય નેતાની પ્રતિમા જોવા નથી મળતી પરંતુ સ્વીઝરલેન્ડમાં માત્ર ને માત્ર એક મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે. સ્વીઝરલેન્ડમાં ગાંધીજીના વિચારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. મહાવીર સ્વામી કે બૌદ્ધ પછી અહિંસા અને શાંતિના પૂજારી ગાંધીજી સ્વરૂપે આપણે એક મહામાનવ વર્ષો પછી મળ્યાં છે તેમ ત્રિવેદીએ અંતમાં જણાવ્યું હતું.

ઈન્ડીયન ફેડરેશન ઓફ યુનાઈટેડ નેશન્સ એસોસીએશન (IFUNA) દ્વારા યુનાઈટેડ નેશન્સ ગુજરાતના (UNA-Gujarat) સભ્ય તરીકે ડો.પરીમલભાઈ દેસાઈ, એમ.પી.ચંદ્રન, ડો.મયુરીબેન પંડયા, વૈભવીબેન નાણાવટી,  ચિરંજીવ  પટેલ,  ડો.હેમંતભાઈ ભટ્ટની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સમાપન અભિતાભ બચ્ચન દ્વારા અભિનીત સાંકેતીક ભાષામાં ગવાયેલ રાષ્ટ્રીય ગાનના ગીત સાથે કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.