Abtak Media Google News

કોંગ્રેસને કોવિડ સેન્ટરમાં જઈ કોરોનાના દર્દીઓની સહાયતા કરવાની શીખ

રાજકોટ મનપાનાં વિરોધ પક્ષના નેતા, દંડક સહિતનાં નેતાઓએ કોરોના પોઝીટીવ દર્દીના નામ જાહેર કરવા જે ધરણા કર્યા હતા તેને ધરણાની જગ્યાએ ધતિંગ ગણાવી ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોના પોઝીટીવ અને શંકાસ્પદ દર્દીનાં નામ ગુપ્ત રાખવા અંગે મુંબઈ હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ સમક્ષ સુનાવણી થઈ ચુકી છે. પોઝીટીવ અને શંકાસ્પદ દર્દીના નામ જાહેર કરવાની જરૂર નથી. ઉલટુ સામાજિક બહિષ્કાર વગેરેને લીધે સંબંધિત વ્યકિતને ત્રાસ થઈ શકે છે. કોંગ્રેસ કોરોના મુદ્દે રાજકારણ રમી મહામારીનાં સમયમાં માણસોને મદદરૂપ થવાની જગ્યાએ તેમની મુશ્કેલીઓ વધારી રહી છે.

ભંડેરી અને ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં કોંગ્રેસનાં નેતાઓ જે પ્રકારે ધતિંગ કરી રહ્યા છે તેમાં પ્રજાહિત નથી, સ્વસ્વાર્થે કોંગ્રેસ પ્રજાનું અહિત કરવા અવાર-નવાર આવા અશોભનીય ત્રાગા કર્યા કરે છે. કોંગ્રેસી નેતાઓએ ધરણા કરવાની જગ્યાએ તન, મન, ધનથી કોરોના પીડિત દર્દીઓની સેવામાં જોડાઈ જવું જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમ નેવે મુકી કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાહેર ન કરી શકે અને કોરોનાનાં દર્દીઓનાં નામ જાહેર ન થાય તેવું ન્યાયતંત્ર પણ માને છે. હાલ કોંગ્રેસે કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાણવાની જગ્યાએ કોવિડ સેન્ટરમાં જઈ કોરોનાના દર્દીઓની સેવા અને સહાયતા કરવી જોઈએ. રાજકોટ કોંગ્રેસ સહિત રાજયનાં કોંગ્રેસી નેતાઓને આડે હાથ લેતા સવાલો કર્યા હતા કે, શું એક પણ કોંગ્રેસનાં નેતાએ કોરોના પીડિત દર્દીઓની ખબર લીધી છે ? કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કોવિડ સેન્ટર માટે જગ્યા ફાળવી છે ? અને હવે કોંગ્રેસ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાહેર કરવાની માંગણી કયાં મોઢે કરે છે ? કોરોનાના દર્દીઓનાં નામે પણ રાજકારણ રમી લેવુ છે પણ સામાન્ય દિવસોથી લઈ મહામારીના સમયમાં કોંગ્રેસનાં આવા ધરણાના નામે કરવામાં આવતા ધતિંગોની અસર કોઈને નહીં થાય એવું નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.