Abtak Media Google News

નવી હોસ્પિટલો તૈયાર કરાવી, ખાવા-પીવાની તકલીફ ન પડે એ માટે પગલા લીધા, રાશન-ટિફિન સહિત અનેક રાહતો આપી

રૂપાણી સરકારે દરેક વર્ગ પ્રત્યે સંવેદનશીલતા દાખવી જનકલ્યાણકારી જાહેરાતો કરી

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડત ચલાવી રહ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજ્યને કોરોના મુક્ત કરવા પ્રયત્નશીલ છે. સમગ્ર ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની મહામારીમાંથી ઝડપથી છુટકારો મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને વધુ પ્રમાણમાં ફેલાતી રોકવા અને તેમના પર કાબુ મેળવવા રૂપાણી સરકાર ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે તે બદલ તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત ગવર્મેન્ટે પ્રો-એક્ટીવ ગવર્મેન્ટનું બિરુદ મેળવ્યું છે. ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને વધુ ફેલાતી અટકાવવામાં અને તેના પર કાબુ મેળવવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સફળ રહ્યાં છે. ખૂબ જ ટૂંકાગાળામાં ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં ૧૦૦થી વધુ બેડની વેન્ટીલેટર હોસ્પિટલ બનાવી લેવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ રાજ્યમાં શાકભાજી, દૂધ-દહીં, અનાજ-કરિયાણું, દવાઓ જેવી જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે. કોઈપણ વસ્તુ કે સેવાની અછત સર્જાય નથી, સર્જાશે પણ નહીં. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લડત આપવા રૂપાણી સરકાર સંપૂર્ણ સતર્ક, સજ્જ૪ શક્તિશાળી છે. લોકડાઉનનાં સમયમાં સૌએ પોતપોતાના ઘરમાં રહી સરકારને સાથ-સહકાર આપવા તેમણે વિનંતી કરી હતી.

મુખ્યમંત્રીએ લોકડાઉનની આ સ્થિતિમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને બે ટાઈમ પૂરતું ભોજન મળી રહે તે હેતુસર સ્થાનિક જિલ્લાતંત્રો અને સેવા સંગઠનોને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પ્રેરિત કર્યા છે.

વિજયભાઈ રૂપાણીએ ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ છે. કોરોનાની સ્થિતિમાં આર્થિક રીતે સહાયરૂપ થવા ૬૫ લાખ પરીવારોને એક હજાર રૂપિયાની સહાય તેના બેન્ક ખાતામાં જમા કરાવાશે. આ ઉપરાંત અબોલ પશુઓને પૂરતો ઘાસચારો મળતો રહે અને હાલમાં જ્યારે લોકડાઉનને કારણે વેપાર – ધંધા બંધ છે ત્યારે રાજ્યમાં ચાલતી તમામ રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સંકટ ન થાય તે માટે પશુ દીઠ રૂ. ૨૫ એપ્રિલ મહિના દરમિયાન રૂપાણી સરકાર તરફથી આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ લીધો છે.

ખેડૂતોનાં માર્ચ મહિના સુધી ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને સરકાર ચૂકવશે. સાથે જ ૩૧ મે સુધીનાં ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીનાં આ નિર્ણયથી અંદાજે ૨૫ લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. ભારતમાં એકમાત્ર રૂપાણી સરકારે દરેક વર્ગ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સૌથી વધુ લોકહિતકારી – જનકલ્યાણકારી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનનાં સમય દરમિયાન ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા રહેવું ન પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. આ સંદર્ભમાં રાજ્યનાં અંત્યોદય અને પીએચએચ રેશન કાર્ડ ધરાવતા અંદાજીત ૨૦થી ૨૫ લાખ પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

આમ, પ્રગતિશીલ ગુજરાતની તમામે તમામ જનતાને સારું સ્વાસ્થ, સુખાકારી મળી રહે. સલામતી, સમૃદ્ધિ જળવાઈ રહે. સુવિધાઓ સરળતાથી મળતી રહે. તેવા હેતુસર સદાય પ્રત્યનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રમિકો, વૃદ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, નિરાધારો, સામાન્ય-મધ્યમ વર્ગ માટે સાવચેતી અને તકેદારીનાં ભાગરૂપે લીધેલા સંવેદનશીલ નિર્ણયો અને કડક પગલાઓ કાબિલેદાદ છે. એવું કહી અંતમાં ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.