ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભગવો લહેરાશે:રાજુભાઇ ધ્રુવ

81

મોદીની આંધીમાં વિપક્ષો તણાઈ ગયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રજાવત્સલ  સુશાસન અને લાખો કાર્યકરોની મહેનત રંગ લાવી

“સમગ્ર ગુજરાતમાં મોદી લહેર ફરી વળી છે.ગુજરાત ફરી એક વખત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે.ગુજરાતના શાણા નાગરિકોએ ભાજપની મતપેટીઓ છલકાવી દીધી છે.કમળ પૂરબહારમાં ખીલ્યું છે.”ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા અને મીડિયા ક્ધવીનર રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં ઉપર મુજબ વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક સહિત ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય સુનિશ્ચિત થઈ ગયો છે.

તેમણે જણાવ્યું હતું કે લોકોએ ગુજરાતના સપૂત ફરી એક વખત વડાપ્રધાન બને એ માટે મત આપ્યા છે.લોકોએ લોખંડી નેતાગીરી માટે મત આપ્યા છે.લોકોએ શક્તિશાળી,સમૃદ્ધ ,સલામત રાષ્ટ્ર નિર્માણ માટે મત આપ્યા છે.દેશનો એક એક નાગરિક ગર્વભેર વિશ્વમાં માથું ઊંચું કરી શકે એ માટે લોકોએ મત આપ્યા છે.લોકોએ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના પાંચ વર્ષના વિકાસલક્ષી,ભ્રષ્ટાચાર મુક્ત સાશનને મંજૂરીની મહોર રૂપે મતદાન કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિકાસના કામો,લોક કલ્યાણની યોજનાઓ,સરકારની આમ નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા અને સૌનો સાથ સૌનો વિકાસની લાગણીની લોકોએ કદર કરી છે.વિજયભાઈએ સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ કરેલી સભાઓ દરમિયાન તેમને મળેલો પ્રચંડ પ્રતિસાદ અને લોકો તરફથી મળેલો પ્રેમએ વાતની ગવાહી પુરે છે કે લોકોએ ભાજપના સાશનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રાજુભાઈએ વિજયભાઇના સાશનકાળ દરમિયાન રાજકોટને એઇમ્સની ફાળવણી,ઇન્ટરનેશનલ એર પોર્ટ,સૌની યોજના જેવા વિકાસ કાર્યોનો હવાલો આપી ઉમેર્યું હતું કે લોકોએ ભાજપના વિકાસલક્ષી રાજકારણની તરફેણમાં મતદાન કર્યું છે.

મતદાન અંગે વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ ની ચૂંટણીમાં તત્કાલીન યુ.પી.એ.સરકાર સામે વિરોધની લાગણી હતી.નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ૬૩ ટકા જેટલું જંગી મતદાન થયું હતું.આ વખતે કેટલાંક રાજકીય નિરીક્ષકો એવું માનતા હતા કે સપાટી પર ન દેખાતા કોઈ મોજના અભાવને કારણે મતદાનની ટકાવારી ઘટશે.પણ એથી ઊલટું આ વખતે મતદાન વધ્યું છે.મોદીની તરફેણમાં લોકોએ સ્વયંભૂ જંગી મતદાન કરી સાબિત કર્યું છે કે ગયા વખતની એ આંધી,સુનામી આ વખતે પણ યથાવત હતી.લોકોએ ઠંડે કલેજે કોંગ્રેસને હારનો રસ્તો દેખાડી દીધો છે.

રાજુભાઈએ ઉમેર્યું હતું કે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આધાર માનીને સૌરાષ્ટ્રની અમરેલી,સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠકો જીતવાનું કોંગ્રેસે દિવાસ્વપ્ન નિહાળ્યું હતું.પણ એ બેઠકોમાં ભાજપ તરફી થયેલા જંગી મતદાન બાદ કોંગી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.લોકોએ કોંગ્રેસના જૂઠા વાયદાઓ અને જ્ઞાતિવાદી નકારાત્મક રાજકારણને જાકારો આપ્યો છે.

રાજુભાઈએ ચૂંટણી દરમિયાન નેતૃત્વ પૂરું પાડનાર સર્વે નેતાઓ,ભાજપના લાખો રાષ્ટ્રભકત,સમર્પિત કાર્યકરો,તમામ પ્રજાજનો – મતદારો,ચૂંટણી કાર્યમાં સહભાગી બનનાર સરકારી અધિકારીઓ,કર્મચારીઓ,પોલીસ અને સુરક્ષા દળના જવાનો તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સંચાલકો, પત્રકાર મિત્રોનો પણ આ તકે આભાર માન્યો હતો.

 

 

Loading...