Abtak Media Google News

મેઘાલયમાં કોંગ્રેસ સત્તા બચાવવા તરફ: ઉતર-પૂર્વીય રાજયોમાં ભાજપની ધમાકેદાર એન્ટ્રી: સ્પષ્ટ બહુમતી મળતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

ઉતર-પૂર્વના બે રાજયો ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ત્રિપુરામાં ૨૦ વર્ષથી એક ચક્રિય શાસન કરતા ડાબેરી પક્ષોને ભાજપે હંફાવી દીધા છે. ૬૦ બેઠકોવાળી ત્રિપુરાની વિધાનસભામાં ભાજપે અને તેના સાથી પક્ષોએ ૪૧ બેઠકો પર વિજય મેળવ્યો છે. જયારે ડાબેરીઓના હાથમાં ૧૮ બેઠકો આવી છે.

નાગાલેન્ડ વિધાનસભાના પરીણામો પણ ભાજપની તરફેણમાં રહ્યા છે. નાગાલેન્ડની ૬૦ સભ્યોની વિધાનસભામાં ૩૩ બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષોએ જીત મેળવી છે જયારે ૨૦ બેઠકો પર શાસક એનપીએનું વર્ચસ્વ રહ્યું હોવાનું જાણવા મળે છે. મેઘાલયમાં કોંગ્રેસને ફટકો પડયો છે. આઈએનસીને ૨૨ બેઠકો મળી છે. જયારે અન્ય ઉમેદવારોને ૧૮ તેમજ એનપીપીને ૧૫ જયારે ભાજપને ચાર બેઠકોથી સંતોષ માનવો પડયો છે.

ત્રિપુરામાં ભાજપ બે તૃતિયાંશ બહુમતથી આગળ ચાલતા સરકાર બનાવવા સ્પષ્ટ સંકેતો મળી ગયા છે. કાર્યકરો જશ્ન મનાવી રહ્યા છે. ત્રિપુરામાં વિજય પતાકા લહેરાવ્યા બાદ ભારતીય જનતા પક્ષે સાંજે સંસદીય દળની બેઠક બોલાવી છે. જેમાં ત્રિપુરામાં મુખ્યમંત્રીના નામની ચર્ચા થશે. અહીં ઉલ્લેખનીય છે કે વહેલી સવારે કડક બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી ત્રિપુરા વિધાનસભા ચુંટણીની મતગણતરી બપોર સુધીમાં એક તરફી લાગવા માંડી હતી.

ઉતર-પૂર્વના રાજયોમાં વિજય હાંસલ કરવો ભાજપ માટે ઘણો મહત્વનો હતો. આ ચૂંટણીઓમાં વધુમાં વધુ બેઠક મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી હતી. મેઘાલયને બાદ કરતા બંને રાજયોમાં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. મેઘાલયમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આગળ ચાલી રહ્યા છે.

ત્રણેય રાજયોમાં ચૂંટણી બાદ એકઝીટ પોલમાં પણ ભાજપને વધુ તાકાત મળશે તેવું ફલિત થયું હતું. ત્રિપુરામાં ૧૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. જયારે નાગાલેન્ડ અને મેઘાલયમાં ૨૭મીએ મતદાન થયું હતું. ત્રિપુરામાં દશકાઓથી ડાબેરીઓનું એક ચક્રિય શાસન રહ્યું છે. ત્રિપુરાઓને ડાબેરીઓનો ગઢ માનવામાં આવે છે. વર્ષો પહેલા પશ્ર્ચિમ બંગાળ હાથમાંથી ચાલ્યા ગયા બાદ હવે ત્રિપુરામાં પણ પીછે હઠ થતા દેશમાં ડાબેરીઓ માટે મુશ્કેલીના દિવસો શરૂ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.