Abtak Media Google News

બોરડીના કાંટાની જેમ કથાના શબ્દોના બાણ વાગે જ…

‘અબતક’ દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર સ્ટુડિયોમાંથી ‘ઓનલાઇન’ લાઈવ પ્રસારીત થઈ રહેલી ભાગવત સપ્તાહ અંતિમ ચરણમાં, છઠ્ઠા દિવસે ‘અબતક’ પરિવારે ભક્તિમાં તરબોળ થઇ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ રંગેચંગે ઉજવ્યો: કાલે પૂર્ણાહુતિ

કોરોનાની મહામારીનો ભોગ બનીને મોતને ભેટેલા લાખો મૃતકોના મોક્ષાર્થે ‘અબતક’ દ્વારા વિશ્ર્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી લાઈવ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેનો આજે છઠ્ઠો દિવસ છે. આજે ભાવભેર રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. કથામાં વ્યાસપીઠેથી શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી)એ કહ્યું હતું કે, ભગવાન ભાગવતજી જે ભક્તિ જ્ઞાન વૈરાગ્યના સર્વ સાકારરૂપ છે.

ભાગવતનો ‘ભ’ એ ભક્તિ આપે છે, ‘ગ’ એ જ્ઞાન આપે છે, ‘વ’એ વૈરાગ્ય આપે છે અને ‘ત’એ ત્યાગ આપે છે. આમ ભક્તિ, જ્ઞાન, ત્યાગ અને વૈરાગ્યનો સમન્વય એટલે ભાગવત અમૃત કથા. ભાગવત કથા એ બોરડીના ઝાડ જેવી છે. આપણને વિચાર આવે કે બોરડીના ઝાડ સાથે કેમ ભાગવતને સરખાવી હશે. બોરડીના ઝાડમાં તો કાંટા હોય છે ત્યારે બહુ સુંદર જવાબ મળે છે કે, બોરડીના ઝાડની સાથે કદાચ ભાગવત ભગવાનની કથાને એટલા માટે સરખાવવામાં આવી હશે કે બોરડીના ઝાડમાં જ્યારે સિઝનમાં બોર આવે અને એ બોરને તોડવા માટે કોઈ વ્યક્તિ જાય ત્યારે કદાચ ગમે તેટલું ધ્યાન રાખે, ગમે તેટલી સાવચેતી રાખે એકાદ કાંટો તો વાગે જ છે એમ ભાગવત કથાની અંદર પણ કથામાં બિરાજમાન થઈ કદાચ કથામાં ધ્યાન ન હોય તો પણ ભાગવતના એકાદ શબ્દોનું બાણ વાગે…, વાગે અને વાગે… જ એટલા માટે ભાગવતને બોરડીના ઝાડ સાથે સરખાવાય છે. અજ્ઞાનરૂપ અંધકારની અંદરથી જ્ઞાનરૂપી પ્રકાશની અંદર લઈ જાય એટલે ભાગવત એ સુર્યનું રૂપ છે. આમ ભાગવતના છઠ્ઠા દિવસમાં પ્રવેશ કરાવતા સુંદર મજાના દ્રષ્ટાંતો અદાએ આપ્યા હતા.

વધુમાં ગઇકાલે કથા દરમિયાન કહ્યું હતું કે, આપણે કૃષ્ણ જન્મ કથા સુધીનું રસપાન કર્યું ભગવાન દ્વારા પૃથ્વીને આશ્ર્વાસન મળ્યું જગતમાં પાપ વધ્યા એટલે પૃથ્વી ભગવાન પાસે જાય છે. અધર્મનો નાશ કરવા અને ધર્મનો વિજય કરવા ભગવાન હંમેશા કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વીઉપર જન્મધારણ કરે છે. પૃથ્વી ભગવાનને કહે છે કે પૃથ્વીને કોઈનો ભાર નથી લાગતો માત્રને માત્ર આ પાપનો ભાર લાગે છે ત્યારે ભગવાને ફરરી એક વખત દેવકી અને વસુદેવને ત્યાં પૂર્ણ પુરૂષોતમ થઈને અવતર્યા કૃષ્ણજન્મમાં ભગવાન લીલા પુરૂષોતમના રૂપમાં આવે છે. વસુદેવ અને દેવકીના વિવાહની કથા ત્યારબાદ દેવકીના આઠમાં સંતાન રૂપે ભગવાન કૃષ્ણની જન્મ થાય છે. ઠાકોરજીને પધરાવી મેઘલી રાતે વસુદેવ ચાલી નીકળે છે. વ્રજવાસીઓ કૃષ્ણ જન્મના વધામણા કરે છે. વ્રજમાં જાણે ઉત્સવ ઉજવાયો નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી… નાદ સાથે વ્રજવાસીઓએ કૃષ્ણ જન્મને ભાવભેર વધાવ્યો.

કહેવાય છે કે કૃષ્ણ જન્મ થતા વ્રજવાસીઓએ એટલું છાશ, માખણ અને દુધ ઉડાડયું હતુ કે ગોઠણ સુધી માખણ નંદભવનમાં ભર્યું હતુ શાસ્ત્રીજએ ફોરેનનું ઉદાહરણ આપતા જણાવ્યું હતુ કે ફોરેનમાં એક બહેનને સાત માસે બાળક જન્મ્યુ હતુ અને એને ડોકટરે મૃત જાહેર કરી દીધું હતુ. ત્યારે એ બાળકની માએ એના બાળકને બે કલાક સુધી છાતીએ વળગાડી રહી હતી. ત્યારબાદ અઢી કલાક પછી બાળક પણ રડવાનું ચાલુ કરે છે. ત્યારે ડોકટરો માટે એ ચમત્કાર રૂપ સાબિત થયું હતુ માના પ્રેમ અને હુંફે જ બાળકને ફરી સજીવન કર્યું હતુ. માના પ્રેમની તાકાત જોઈ યમરાજને પણ એમ થયું કે બાળકને જીવતું કરી દવ. કહેવાનો અર્થ એટલો કે માતા પિતાને સંતાનો ઉપર જે પ્રેમ છે. એ અદભૂત છે. સમગ્ર વ્રજવાસીઓએ એક વર્ષ સુધી અગિયારશ કરી હતી માત્ર માણસો પણ નહી ગાયો પણ અગિયારસના દિવસે ખાતી નથી. વ્રજના પશુપક્ષીઓ પણ અગિયારસનું વ્રત ક્રતા હતા એ સમગ્ર પુણ્ય યશોદાજીને અર્પણ કરવાથી નંદલાલાનો જન્મ થયો હતો. એટલે જ વાસીઓ કહેતા હતા. કે લાલો માત્ર યશોદાનો નથી અમારા સહુનો છે. શાસ્ત્રીએ વિશેષમાં અગિયારસના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતુ કે નીતિ-નિયમોનું પાલન કરીને જો કોઈ વ્યકિત અગિયારશનું વ્રત કરે તો આજેય તેનું ફળ મળે છે. વ્રતને વ્રતના નિયમ પ્રમાણે જો કરવામાં આવે તો વ્રત આજે પણ ફળ આપવા તૈયાર છે. આજકાલ વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું મહત્વ વધ્યું છે. ખરેખરતો અગિયારસમાં નિરાહાર રહેવું બહુ ભુખ લાગે તો એક ગ્લાસ દૂધ અથવા એક ફળ લઈ શકાય આજના સમયમાં વ્રતનું મહત્વ બદલાય રહ્યું છે. આખી અગિયારસમાં ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. ભગવાનનું નામ નિરાતે લઈ શકાય એટલે જ વ્રતમાં નિરાહારનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

જેને એકવાર રામનામનો રસ ચાખી લીધો સંસારમાં એને બીજા કોઈ જ રસની જરૂર રહેતી નથી એનું પ્રમાણ શબરી છે. સૌથી મોટુ પ્રમાણ છે હનુમાનજી મહારાજ હનુમાનજી રામના પ્રિય ભકત હતા. જતા જતા રામે પણ હનુમાનજીને કહ્યું હતુ કે હું જગતના તમામ ઋણમાંથી મૂકત થઈ શકીશ પણ તારા ઋણમાંથી હું કયારેય મૂકત નહી થાવ. રામની એવી ઈચ્છા હતી કે હનુમાનથી ચારે યુગમાં રહે. આજેય હનુમાન છે ત્યાં રામ છે ને જયાં રામ છે ત્યાં હનુમાન છે.

ભગવાનનું સ્મરણ અને વ્રત ભાવની સાથે થોડા નીતિ નિયમોથી કરવામાં આવે ત્યારે એ સો ટકા ફળદાયી બને છે. વર્તમાન સમયમાં માણસ ખૂબજ પ્રેકટીકલ બની ગયો છે. માણસોને નિયમો સાથે કંઈ લેવા દેવા જ નથી આજે થોડીક છૂટછાટ મળતા લોકો નિકળી પડયા છે. જાણે કોરોના જેવું કાઈ છે જ નહી માણસોને પોતાના પરિવારની પણ ચિંતા નથી લોકો એવું માને છે કે ખૂલી ગયું એટલે કોરોના જતો રહ્યો વૈશ્વિક મહામારી જાહેર કરવા છતા લોકો આ બિમારીની ગંભીરતા લેતા નથી. હવે જ સાચી ગંભીરતા લેવાની જરૂર છે. ટીવીના માધ્યમથી શાસ્ત્રીજીએ લોકોને સમજાવતા કહ્યું હતુ કે હવે જ સાચું લોકડાઉન પાળવાનું છે. અદાએ પોતાનું વ્યકિતગત મંતવ્ય દર્શાવતા જણાવ્યું હતુ કે સપ્ટેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી અવશ્ય શોધાય જશે. માટે લોકોએ શાંતિ રાખવી અને સરકારના નીતિ નિયમોનું પાલન કરવું.

માણસનું મોટામાં મોટું સુખ પોતાના પરિવાર સાથે હોય છે. આ જગતમાં વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે. કથાને આગળ વધારતા શાસ્ત્રીજી કૃષ્ણની બાળ લીલાઓનું અદ્ભૂત વર્ણન કરે છે. ત્યારબાદ રાક્ષસોના કૃષ્ણના હાથે ઉધ્ધાર થયાના પ્રસંગોનું તાદ્રશ્ય વર્ણન કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર પ્રસંગનું પણ અદભૂત વર્ણન થયું હતુ. બાળ કૃષ્ણાએ મા યશોદાને મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા તેનું પણ અહી સુંદર વર્ણન કરવામાં આવ્યું હતુ. માખણ ચોરીની અદભૂત લીલાનું વર્ણન કરી પંચમ દિવસની કથાને વિરામ અપાયો.

આ કથામાં સિંગર-નિરવ રાયચુરા, કીબોર્ડ-દિપક વાઢેર, તબલા-હાર્દિક કાનાણી, ઢોલક-યશ પંડ્યા, ઓક્ટોપેડ-કેયુર બુદ્ધદેવ અને સાઉન્ડ-ઉમંગી સાઉન્ડના કારણે અવિસ્મરણીય બની રહી છે.

આવતીકાલે કથા અંતિમ ચરણમાં

રૂક્ષ્મણી વિવાહથી લઈ સુદામા ચરિત્ર અને અંતે કળયુગજીનું વર્ણન અને રાજા પરિક્ષીતની કથા તેમજ પૂર્ણાહુતિ થશે.

બમ બમ ભોલે: નિરંજન પંડયા આજે સંતવાણી અને ભક્તિસંગીતમાં લોકોને કરશે તરબોળ

‘અબતક’ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહના આજે છઠ્ઠા દિવસે ચાલ ને જીવી લઈએ કાર્યક્રમ અંતર્ગત પ્રખ્યાત ભજનીક નિરંજન પંડયાની સંતવાણી અને ભક્તિસંગીતનો લ્હાવો મળશે આજે તેઓ સંતવાણી અને ભક્તિ સંગીતમાં લોકોને તરબોળ કરશે. એન્કર-ડાયરેકટર પ્રિત ચૌહાણ અને સંકલન મયુરભાઈ બુદ્ધદેવનું રહેશે. સાઉન્ડ ઉમંગી સાઉન્ડ અને રાકેશભાઈ ઉભડીયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

2 7 1

‘અબતક’ની વિશ્વ કલ્યાણાર્થે યોજાયેલી ભાગવત્ કથા શ્રવણ કરતા વડિલો

Img 20200518 Wa0011 1

‘લોકડાઉન’માં નવરાશની પળોમાં બાળ-યુવાનો -વૃધ્ધો ‘અબતક’ ડીઝીટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થતી ભાગવત્ કથા શ્રવણ કરી રહ્યા છે. ૯૮ વર્ષિય વૃધ્ધ લાભશંકરભાઈ દવે તેમના ઘરે કથા શ્રવણનો આનંદ લઈ રહ્યા છે. તેમણે અબતક સાથેની વાતચીતમા જણાવેલ કે બહુજ સરસ કથા જ્ઞાન શ્રવણ કરાવી રહ્યા છે. શબ્દો એટલા ચોખ્ખા સાંભળવા મળે છે કે તેના સુંદર અવાજથી હૃદયમાં ઉતરી જાય છે. અબતક ચેનલને મારી શુભેચ્છા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.