Abtak Media Google News

સ્લીમ એન્ડ ટ્રીમ ફિગર કોને ન ગમે. દરેક વ્યક્તિની સ્લીમ બનવાની ચાહત હોય છે. આ માટે યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે પરંતુ ડાયટ અને એક્સરસાઇઝથી ધીમેધીમે વજન ઊતરે છે. ધીરજ ન ધરી શકતા લોકો આ માટે ખાસ કરીને છોકરીઓ શોર્ટકટ પણ અપનાવે છે.  કમનીય કાયા મેળવવાની આ લાલચનો શોર્ટકટ એટલે સ્લીમિંગ પિલ્સ. સ્લીમિંગ પિલ્સથી શરીર તો બદલાવા લાગે છે, પરંતુ જ્યારે તેની સાઇડ ઇફેક્ટ સામે આવે છે ત્યારે શરીર માટે તે કષ્ટદાયક બની રહે છે.

શારીરિક મહેનત વગર જ પોતાનું વજન ઘટાડવા અલ્ટ્રામોડર્ન બનેલા લોકો મોટી સંખ્યામાં સ્લીમિંગ પીલ્સનો સહારો લેવા લાગ્યા છે. આ દવાઓની ખૂબ જ ખરાબ સાઇડ ઇફેક્ટ્સ અંગે ત્યારે જાણ થાય છે જ્યારે તેઓ મુશ્કેલીઓમાંથી પસાર થવા લાગે છે. તેનું સૌથી મોટું નુકસાન તો એ છે કે આ પીલ્સનું સેવન બંધ કરો ત્યારે તરત જ વજન ફરી વધવા લાગે છે. દવાનો પૂરેપૂરો ફાયદો ત્યારે ઉઠાવી શકાય છે જ્યારે તેની સાથે રેગ્યુલર એક્સરસાઇઝ ને ડાયટ ક્ધટ્રોલ કરવામાં આવે. જોકે એક સત્ય એ પણ છે કે જે લોકો ડાયટ ક્ધટ્રોલ અને નિયમિત કસરત કરે છે તેને સ્લીમિંગ પીલ્સની જરૂર પણ પડતી નથી.

 આ થાય છે તકલીફો

સ્લીમિંગ પીલ્સથી હાર્ટ, પાચન, લિવર વગેરે પર તકલીફ  પડી શકે છે. સ્લીમિંગ પીલ્સ લેતા પહેલાં આ અંગે જાણવું ખૂબ જરૂરી છે. કેટલાય પ્રકારની આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ બજારમાં મળે છે, પરંતુ લોકોને તેના ખરાબ પ્રભાવની તો જાણકારી પણ નથી. સ્લીમિંગ પીલ્સના ઉપયોગથી કબજિયાતની તકલીફ થઇ શકે છે. આ ઉપરાંત એલર્જી, રેસીસ, પેટમાં દુખાવો, આંતરડામાં કે ફૂડ પાઇપમાં બ્લોકેજ, પેપ્ટિક કે ડ્યુઓડેનલ અલ્સર, ગેસ્ટ્રાઇટિસ, પેટ કે પાચન પ્રણાલીમાં ઇન્ફલેમેશન એસિડ રિફ્લેક્સ ડિસીઝ, જોન્ડીસ, યલો પેશાબ, ભૂખ ઓછી લાગવી, ડાયેરિયા, વોમિટ, ગભરામણ જેવી સમસ્યાઓ થઇ શકે છે.

 આટલું ધ્યાન રાખો

*     સ્લીમિંગ પીલ્સ હંમેશાં કોઇ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઇએ.

*     ફટાફટ વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય કોઇ બે અલગ અલગ ગ્રૂપની સ્લીમિંગ પીલ્સ એક સાથે ન લેવી.

*     જ્યારે સ્લીમિંગ પીલ્સનો કોર્સ કરી રહ્યા હોવ ત્યારે સાથે અન્ય કોઇ પણ દવા ન લેવી.

*     સ્લીમિંગ પીલ્સ લીધા બાદ કંઇ પણ સમસ્યા થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.